છલાત્કાર – ખલનાયક ને સાહિત્યના લાદેન
પોતાના મૌલિક વિચારો અને લાઇફ સ્ટાઇલથી અત્યંત ચર્ચાસ્પદ રહેલા હિન્દી સાહિત્યકાર રાજેન્દ્ર યાદવની દુનિયામાં ડોકિયું…
ફિલ્મનામા – નરેશ શાહ
‘અગર (હિન્દી) સાહિત્ય કે અમિતાભ બચ્ચન નામવર સિંહ હૈ તો હમારે જમાને કે ખલનાયક રાજેન્દ્ર યાદવ ધર્મેન્દ્ર સે કોઇ કમ નહીં. ખબરોં મેં રહેને કે મામલે મેં ઉન કો હમ સલમાન ખાન કહ સકતે હૈ, જો અચ્છી -બુરી કિસી ભી તરહ કી ખબર મેં છાએ રહેના ચાહતે હૈ. કરીના કપૂર કે ‘સાઇઝ ઝિરો’ સે મતવાલે હોનેવાલે, લડકિયોં કે પ્રતિ ઉનકી દિવાનગી તબ ભી કમ નહીં હો રહી, જબ ‘હથિયાર ભોથરે’ (નકામા) હે ચલે હૈં! સ્તબ્ધ કરી દેતું આ લખાણ હિન્દી ભાષી લેખિકા મનીષાનું છે અને જેમના વિષે એ કહેવાયું છે એ હિન્દી ભાષાના અવ્વલ સાહિત્યકાર રાજેન્દ્ર યાદવ અલબત્ત, હવે આપણી વચ્ચે (૨૮મી ઓકટોબર, ૨૦૧૩) નથી, પરંતુ આ લખાણ લખાયું અને પ્રસિદ્ધ થયું ત્યારે રાજેન્દ્ર યાદવ જીવિત હતા અને એમની સંમતિથી એ પ્રગટ કરવામાં આવ્યું હતું. મનીષાએ રાજેન્દ્ર યાદવ વિશે લખેલાં એ લેખનું શીર્ષક જુઓ:
‘મર્દાના કમજોરી ઔર જનાના રોગોં કે વિશેષજ્ઞ’ આગ્રામાં જન્મેલા અને પંચ્યાસી વરસની ઉંમરે ગુજરી ગયેલા રાજેન્દ્ર યાદવે લખેલી સૌથી પહેલી જ નોવેલ ઉપરથી બાસુ ચેટરજીએ ‘સારા આકાશ’ નામની ફિલ્મ બનાવેલી તો એમના ઓફિશિયલ પત્ની અને વાર્તાકાર મન્નુ ભંડારીની ત્રણ નવલકથા પરથી રજનીગંધા (યહીં સચ હૈ), સ્વામી (સ્વામી) અને સમય કી ધારા (આપ કા બન્ટી) જેવી ફિલ્મો બની હતી, આ એમની લોકપ્રિય ઓળખ. હિન્દી સાહિત્યમાં પણ એ બન્નેનું મોટું નામ અને કામ. મુન્સી પ્રેમચંદે ૧૯૩૦માં શરૂ કરેલું ‘હંસ’ નામનું સાહિત્ય સામયિક ૧૯૫૩માં બંધ પડી ગયું હતું., પણ કયારેય નોકરી કે નિશ્ર્ચિત આવક માટે કામ ન કરનારા રાજેન્દ્ર યાદવજીએ ૧૯૮૬માં ‘હંસ’નું પ્રકાશન ફરી શરૂ કર્યું અને દશકાઓ પછી પણ તેનું પ્રકાશન થઇ રહ્યું છે.
સ્થળ સંકોચને કારણે આપણે યાદવજી અને મન્નુબહેનના સાહિત્યિક યોગદાન, સન્માન કે સામાજિક નિસ્બતની ઘણી વાતને અહીં ન સ્પર્શીએ તો પણ એટલું કહેવું જરૂરી છે કે મન્નુ ભંડારી સાથે રાજેન્દ્ર યાદવ પરણ્યાંં. દીકરી રચનાના પિતા બન્યાં. પત્ની મન્નુ ભંડારીથી છેડો ફાડીને રહ્યાં અને ફરી પાછા પોતાની એક લેખિકા મિત્ર મીતાની જ શરણે ગયા. એમને અનેક સ્ત્રી પાત્રો સાથે ઘનિષ્ઠતા હતી અને આ બધી વાત પણ રાજેન્દ્ર યાદવ એમનાં સંસ્મરણોમાં લખી ગયા છે. સાહિત્ય, સ્ત્રી, શરાબ અને સતત ચર્ચાસ્પદ રહે તેવા લખાણ (‘પથારીમાં સ્ત્રીનું નીચે હોવું એ જ સ્ત્રીઓને સેક્ન્ડ દર્જામાં પહોંચાડે છે!’) અને લાઇફ સ્ટાઇલથી હિન્દી સાહિત્યમાં રાજેન્દ્ર યાદવ યાદગાર નહીં, અમર રહેવાના છે.
લેખના આરંભે જેમને ટાંકયા છે એ મનીષાના મતે તો (બચપણમાં થયેલા અકસ્માતને કારણે રાજેન્દ્ર યાદવને એક પગમાં કાયમી ખોડ આવી ગઇ હતી!) પોતાનામાં રહેલી અધૂરપની લઘુતાગ્રંથિએ જ રાજેન્દ્ર યાદવને હિન્દી સાહિત્યનાં ‘ઓસામા બીન લાદેન’ બનાવી દીધા હતા. સાહિત્ય ઉપરાંત શરાબશેવન અને સ્ત્રીઓની સંગતને લીધે કાયમ ચર્ચાસ્પદ રહેલા રાજેન્દ્ર યાદવના જીવતેજીવ માત્ર એક પુસ્તક પ્રગટ થયું હતું, જેમાં ત્રેવીસ (પત્ની અને પુત્રી સહિત) લેખિકાઓએ એમના વિશે એટલું જ બેધડક બનીને લખ્યું તેમ જ પૂછયું (ઇન્ટરવ્યુ) જેવું બિન્દાસ રાજેન્દ્ર યાદવ જીવ્યા હતા.
હિન્દી ભાષામાં જેમના નામ આદરથી લેવામાં આવે છે એ (પત્ની) મન્નુ ભંડારી, નિર્મલા જૈન, મૈત્રેયી પુષ્પા, પ્રભા ખેતાન, મમતા કાલિયા, મૃદુલા ગર્ગ, લતા શર્મા જેવી લેખિકા- સંપાદિકા અને ચિત્રા મૃદગલ, જયંતી રંગનાથન, ઉષા મહાજન, અસીમા ભટ્ટ, પુષ્પા સકસેનાએ લીધેલા રાજેન્દ્ર યાદવના બેધડક ઇન્ટરવ્યુમાં ઉઘડતાં યાદવજી આપણા જેવા બીના હિન્દી ભાષીને ચક્તિ કરવા માટે પૂરતા છે.
રાજેન્દ્ર યાદવના સ્ત્રીઓ સાથેના બોન્ડિંગ-સંબંધની વ્યાખ્યા આપતા પ્રભા ખેતાન એક નવો શબ્દ પ્રયિજે છે: છલાત્કાર…. બળપૂર્વક થાય તે બળાત્કાર અને છલપૂર્વક થાય તે છલાત્કાર.! જીવનમાં આ કક્ષા સુધીની નિર્ણયશક્તિમાં દુર્બળ વ્યક્તિને મેં જોઇ નથી. ૩૫ વરસ રાજેન્દ્ર યાદવ સાથે કાઢનારાં અને એમને નિભાવનારાં પત્ની મન્નુ ભંડારીએ પણ પુસ્તકમાં સટીક શૈલીથી પોતાની વાત લખી છે, જે ખરેખર તો રાજેન્દ્ર યાદવ (મૂડ મૂડ કે દેખતા હું : પુસ્તક)ને જવાબ છે.
રાજેન્દ્ર યાદવ કેવા બિન્દાસ હતા એની ઝલક અસીમા ભટ્ટે લીધેલા ઇન્ટરવ્યુમાં આ રીતે બયાન થાય છે. અસીમા એમને શારીરિક સંબંધવાળી સ્ત્રી અન્ય સ્ત્રીઓ વિશે પૂછે છે, જેના જવાબ રાજેન્દ્ર યાદવજી આ રીતે આપે છે:
‘મારા સંબંધ એક મહિલા સાથે (મન્નુ ભંડારી ?) પચાસ વરસથી છે, પણ હવે એ સંબંધમાં સેક્સ નથી એટલે કે દોસ્તી કમજોર થઇ ગઇ… જેની સાથે મારે ત્રીસ વરસથી (મીતા?) શરતે સંબંધ હતા કે તેમાં સેક્સ વચ્ચે નહીં આવે, એ સ્ત્રી સાથે મારી આજે પણ દોસ્તી છે… મને લાગે છે, શારીરિક સંબંધ (પછીથી) એક શારીરિક અભ્યાસ બનીને રહી જાય છે એટલે કે માત્ર સેક્સ ધીમે ધીમે ઓસરી જતો હોય છે.. મારી દોસ્તી વધારે પડતી ત્યાં જ છે, જયાં સેક્સ નથી. આવી મહિલાઓ આજે ય મારી અંતરંગ મિત્ર છે ! ૨૩ લેખિકાએં ઔર રાજેન્દ્ર યાદવ-ચેતનામાં વિસ્ફોટ કરી દે તેવું સ્ફટિક પુસ્તક છે અને એક મૌલિક વ્યકિતને મહિલાઓની આંખે વિવિધ એન્ગલથી જોતો વેરાઇટી એકસ્પીરિયન્સ છે. સાહિત્યમાં, સેક્સમાં, બોલ્ડ વિચારો અને પુખ્ત સમજણમાં રસ હોય એમણે એમાંથી પસાર થવાનું દુ:સાહસ કરવા જેવું છે, કારણ કે ભારતીય સાહિત્યનું આ એક અસામાન્ય વ્યક્તિ પર લખાયેલું ‘અસામાન્ય’ પુસ્તક છે.
‘શું તમે કોઇ પરિણીત સ્ત્રીને પ્રેમ કરો ખરા ?’ રાજેન્દ્ર યાદવને આવું પુછાયું ત્યારે એમણે કહ્યું કે,
જુઓ, આ ‘હાઇપોથેટિકલ’ સવાલ છે. હું જો પુરુષનો મિત્ર હોઉં અને એની પત્ની પટાવું તો હું એને દોસ્તીનો ઘાત કર્યો હોવાનું કહું, પણ… જો કોઇ પરિણીત સ્ત્રી (જેના પતિને હું ઓળખતો નથી!) સાથે સીધો મારો સંબંધ થાય તો હું એ સ્ત્રી અને મારા વચ્ચેના સંબંધને સાહજિક સંબંધ જ માનીશ!