ડિયર હની,
કોઈ ઉજળિયાતનાં ઘેર કોઈ નીચલી જ્ઞાતિમાં ગણાતી વ્યક્તિ આવે તો ઘણા સભ્યોના નાકના ટીચકા ચઢી જતા હોય છે. આપણે ગમે તેટલા શિક્ષિત થઇએ તો પણ આ નાતજાતના વાડામાંથી મુક્ત થતા નથી. હા, ‘નાતજાતથી અમને કોઈ ફેર પડતો નથી’ એવું આપણે કહેતા રહીએ છીએ, પણ આ વિચારો આપણા આચારમાં રિફ્લેકટ થતા હોતા નથી.
આપણી શેરીઓ વાળતો સ્વિપર કે પછી આપણે ત્યાં કામ કરતી કોઈ બાઈ વિશેની આપણી સોચ હજુ ય પહેલાં જેવી હતી એમાં બધું સુધારો થયો નથી.
હમણા હું અભિનેતા વિક્રમ મેસીનો એક ઈન્ટરવ્યૂ જોતો હતો. એના પર આરોપ એ છે કે, એ પહેલા સેક્યુલર હતો પણ હવે હિન્દુવાદી બનતો જાય છે, પણ એણે એનો જે જવાબ આપ્યો ઈ છે એ બહુ રસપ્રદ છે. એ કહે છે કે, મારી માતા શીખ છે અને પિતા ખ્રિસ્તી. ભાઈએ ધર્મપરિવર્તન કર્યું છે અને એ મુસ્લિમ બની ગયો છે. મારી પત્ની હિંદુ ઠાકુર છે…. મારા પિતા છ વાર વૈષ્ણોદેવી જઈ આવ્યા છે. અમે દિવાળીની ઉજવણી બધા સાથે કરીએ છીએ. મારો ભાઈ લક્ષ્મીપૂજન પણ કરે છે અને અમારા પુત્રનું નામ વરદાન છે… બોલો, આનાથી વધુ સેક્યુલર શું હોય શકે?
વાત સાવ સાચી છે. આપણે ચૂંટણીથી માંડી સામાજિક સંબંધોમાં બધે જ્ઞાતિને જાતપાતને મહત્ત્વ આપીએ છીએ. પાછી જ્ઞાતિઓમાં પણ પેટા જ્ઞાતિઓ હોય છે એ બંને વચ્ચે પણ મનમેળ નથી હોતો. આપણા લગ્નની જ વાત કરીએ તો અમે જૈન દેરાવાસી છીએ તો તમારો પરિવાર સ્થાનકવાસી. અમારે ત્યાં ચર્ચા એ હતી કે, વહુ આવશે તો દેરાસર જશે કે નહિ, પૂજા કરશે કે નહિ? હવે આવનારી વહુ દેરાસર જાય કે ઉપાશ્રય જાય એમાં શું ફર્ક શું પડી જાય? આજે ય ઘણા દેરાવાસી પરિવારો સ્થાનકવાસી પરિવારમાં સંબંધ બાંધતા નથી. એવું સામા પક્ષે છે. એમાંય દિગમ્બર ધર્મ પાળનારા વળી જુદા. દેરાવાસીમાં પણ પાછા એક તિથિ અને બે તિથિવાળાના ચોકા જુદા…
તું અમારા ઘેર આવી ત્યારે શરૂઆતમાં તને દેરાસર જવું કે નહિ એ મુદે સંકોચ હતો. મેં કહેલું કે, તને મન થાય તો જવાનું નહિ તો નહિ. અલબત્ત, ધીમે ધીમે તને દેરાસર જવાનું પસંદ પડ્યું ને હવે તો મારા કરતાં તું દેરાસર વધુ જાય છે – એની રીતિઓ પાળે છે એ અલગ વાત છે. આમ છતાં , કોઈને આ જ ધર્મ પાળો કે તે જ પાળો એવી ફરજ કેમ પાડી શકાય?
આપણે ત્યાં બને ત્યાં સુધી સંબંધો પોતાની જ્ઞાતિમાં જ કરવાના પ્રયત્નો હોય છે. એ ઠીક છે, પણ કોઈને કોઈ સાથે પ્રેમ થઇ જાય તો શું એ જુએ કે સામેની વ્યક્તિ મારી જ્ઞાતિની છે કે નહિ? પ્રેમ એ રીતે કઈ રીતે થઇ શકે? આપણે ત્યાં અન્ય ધર્મનાં લોકો સાથે સામાજિક સંબંધ તો બહુ દૂરની વાત છે, પણ આંતરજ્ઞાતિય લગ્નનો પણ હજુ ય સ્વીકાર થતો નથી. ખાપ પંચાયતો આવાં લગ્ન વિરુદ્ધ ચુકાદા આપે છે. એવા પરિવારોનો સામાજિક બહિષ્કાર થાય છે. કેટલાક કિસ્સામાં તો વાત ખુનખરાબા સુધી પહોંચે છે. બે પરિવાર વચ્ચે સંબંધોમાં તિરાડ પડે છે. કોઈ વ્યવહાર રાખવામાં આવતા નથી.
મેં આવા કિસ્સા બહુ જોયા છે. અલબત્ત, કેટલાક કિસ્સામાં થોડાં વર્ષ બાદ કડવાશ ઓગળે છે ને બંને પરિવારમાં મનમેળ થઇ જાય છે. એક કિસ્સાની વાત કરું તો છોકરી ઉજળિયાત ઘરની અને એને જેની સાથે પ્રેમ થયો એ નીચલી જાતની ગણનામાં. આ સંબંધ છોકરી પક્ષે સ્વીકાર્ય નહોતો.
બહુ બધી સમસ્યાઓ આવી, છતાં છોકરા છોકરીએ લગ્ન કરી લીધા. એક તરફથી સંબંધ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું. લાગતું નહોતું કે, હવે બંને પરિવાર વચ્ચે મનમેળ થશે. જોકે, થોડો સમય વીત્યો અને પછી પિતા નરમ પડ્યા ને આજે તો એવી સ્થિતિ છે કે, ઘરમાં કોઈ નિર્ણય લેવાનો હોય તો જમાઈને પૂછવામાં આવે છે. છોકરીના પિતા-સસરા એમ કહે છે કે, આ મારો જમાઈ નથી, દીકરો છે દીકરો!
અહીં મહત્ત્વની વાત તો એ છે કે, અહીં નિરક્ષર કે સાક્ષર એવા ભેદભાવ નથી. બંને જાતપાતમાં માને છે. શિક્ષણ પણ આ વાડાબંધી તોડી શકતું નથી એ કમનસીબ છે. આપણે આપણી માનસિકતા બદલવી જ પડે એ જ એક વિકલ્પ છે, પણ આજે જ્ઞાતિઓના વાડા એટલા મજબૂત બનતા જાય છે કે, એમની શક્તિ અવળા માર્ગે ચાલે છે એમાં બે જ્ઞાતિ વચ્ચેનાં ઝઘડા વધ્યા છે. આ બધી જ્ઞાતિની કે એમના ધર્મની લાગણીઓ બહું ઝડપથી દુભાવા લાગે છે ને વાત મારામારી સુધી પહોંચી જાય છે. કોર્ટકબાડા પણ થાય છે.
ભારત ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. વિશ્ર્વગુરુ બનવાની આપણું સપનું છે, પણ નાતજાતના વાડાનું શું? એના પર બુલડોઝર ક્યારે ફરશે? આવો સવાલ બોલકો બનવો જોઈએ, કમનસીબે હજુ એવું બન્યું નથી, પણ એવું બનવું જોઈએ, જે બનશે એવી આશા રાખીએ.
તારો બન્ની