સ્પેશિયલ ફિચર્સ

શ્રાવણમાં ઈન્ટરનેટ છોડો ‘ઈનરનેટ’માં પ્રવેશ કરો!

શિવવિજ્ઞાન – મુકેશ પંડ્યા

આપણે શ્રાવણ મહિનામાં રોજ ભગવાન શંકરના દર્શન કરીએ છીએ ત્યારે તમે એક વાત નોંધી હશે કે તેઓ હંમેશાં ધ્યાનમાં લીન હોય છે. બંધ આંખે પલાંઠી વાળીને કે પદમાસનમાં બેસીને તેઓ શેનું ધ્યાન ધરતા હશે? બંધ આંખો છતાં તેમને જગતની દરેક ઘટનાઓનું જ્ઞાન કેવી રીતે થતું હશે? આવી ધ્યાનસ્થ મુદ્રામાં આપણે બેઠા હોઈએ તો આપણને ફાયદો થાય? આવા અનેક પ્રશ્ર્નો તમને પણ થતાં હશે .

આ બધા પ્રશ્ર્નોનો ઉત્તર મેળવવા આપણે પણ થોડો સમય કાઢીને ધ્યાન અવસ્થામાં બેસવું જોઈએ. અંગ્રેજીમાં જેને મેડિટેશન કહેવાય છે તે ધ્યાનનું આપણે ત્યાં આદિકાળથી ચલણ છે એ શિવજીની મુદ્રાથી સાબિત થાય છે અને આજના ઇન્ટરનેટના યુગમાં પણ એટલું જ પ્રસ્તુત છે.

પર્યુષણ પર્વ નજીક આવી રહ્યું છે. મહાવીર સ્વામીના દર્શન કરો તો એ પણ શિવજીની જેમ જ ધ્યાનમુદ્રામાં બેઠેલા જણાય . ભગવાન બુદ્ધ પણ આ જ મુદ્રામાં જોવા મળે ત્યારે એટલું તો ખરું જ કે આ અવસ્થામાં બેસવાથી આપણા જેવા પામર મનુષ્યોને પણ ઘણો લાભ થઈ શકે છે. ઈન્ટરનેટ થી તો ફક્ત માહિતી મળી શકે પણ આ ધ્યાન અર્થાત ઈનરનેટમાં પ્રવેશવથી સંસારનું સહજ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આપણા ઘણા ઋષિ મુનિઓ ગજબના જ્ઞાની પુરુષો હતાં. તેઓ કોઈ યુનિવર્સિટીમાં ગયા ન હતા પરંતુ ધ્યાનના બળથી જ તેમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. શંકર, મહાવીર કે બુદ્ધને ધ્યાનાવસ્થામાં જ ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થયું હતું .

આજે તો ધ્યાનમાં બેસવાના શારીરિક અને માનસિક લાભ પણ વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ રહ્યા છે. બ્લડપ્રેશર, અનિદ્રા, હૃદય રોગ, તણાવ જેવી અનેક તનમનની બીમારીઓમાં ધ્યાન ધરવું – મેડિટેશન કરવું એ એક શ્રેષ્ઠ એક્સરસાઇઝ છે.

જે પ્રશ્ર્નોનો જવાબ બહારની દુનિયામાં ફરવાથી નથી મળતો એ પ્રશ્ર્નનો જવાબ મનની અંદર પ્રવાસ કરવાથી મળે છે. મનની અંદર પ્રવેશ કરાવે એ જ સાચું મંદિર. એ જ સાચું દહેરાસર અને એ જ સાચું ઉપાશ્રય . જેમ મંદિરમાં જતી વખતે ચપ્પલ બહાર ઉતારવા પડે છે તેમ મનમાં પ્રવેશ કરતી વખતે અહંકાર, મોબાઈલ, ઈન્ટરનેટ બધું છોડીને ઈનરનેટ અર્થાત આંતર જગતમાં પ્રવેશ કરવો પડે.

શ્રાવણ જ્ઞાન ગ્રહણ કરવાનો મહિમા છે. આ સમયમાં સાધુ સંતો સામાન્ય જનોને પોતાના જ્ઞાનનો લાભ આપવા એક જગ્યાએ ઠરી ઠામ થાય છે. પોતે પણ ધ્યાન પૂજા દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે છે અને બીજાને પણ લાભ આપે છે. ડહોળાયેલા કે ગતિશિલ પાણીની નીચે રહેલી ચીજવસ્તુઓ દેખાતી નથી. પણ એ પાણી શુદ્ધ અને સ્થિર થાય તો દેખાય. બસ આ મહિનામાં શંકરની જેમ ઈનરનેટમાં પ્રવેશી મનને શુદ્ધ અને સ્થિર કરી શકશો તમને પણ જ્ઞાનના અલૌકિક દર્શન અવશ્ય થશે.

કોઈને વહેલા તો કોઈને મોડા, પણ થશે જરૂર. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button