લાફ્ટર આફ્ટર: જોજો, ફટાણાં વેવાણને ઉશ્કેરે નહીં…!
પેલી કહેવત છે ને કે ‘જાન બચી તો લાખો પાયે.’ પણ અહીં તો મારે વરરાજાની જાનને બચાવવાની છે. મારે તો એ જોવાનું છે કે વરરાજાને પરણાવ્યા વિના જાન લીલા તોરણે પાછી તો નથી વળતી ને? એક જમાનામાં ગામડાઓમાં તો ફટાણાં વગરનાં લગન એટલે ઘારી, ભૂસાં, ભજિયાં વિનાનો ચંદી પડવો, દૂધપૌંઆ વિનાની શરદની રાત, વરરાજા વિનાની જાન અમારા દક્ષિણ ગુજરાતમાં ઊંધિયું, ઊંબાડિયું, ઘારી, ભૂસું, ભજિયાં, લોચા-ખમણ વગરનો પ્રસંગ કલ્પવો પણ મુશ્કેલ.‘દેવું કરીને પણ ઘી પીવુ ’ એ કહેવત સાર્થક કરીને પણ લગ્નોમાં આ બધી વાનગીઓનો રસથાળ અને ફટાણાંઓનો સૂરથાળ હાજરાહજૂર હોય છે.
વરસો પહેલાં બળદગાડામાં બેસાડીને અમને અમારા બાપુજી દૂરના એક નાનકડા ગામડામાં લગ્ન પ્રસંગે લઈ ગયેલા. અમારું ગાડું હજી પાદરે પ્રવેશે, ત્યાં તો વરઘોડો આવી ગયો હતો. પાદર ઉપર ગાડે ગાડાં! ઘોડા ઉપર બેઠેલો વરરાજા માંડ માંડ બેલેન્સ જાળવવા મથી રહ્યો હતો.
સાવ ખખડધજ મરિયલ ઘોડો તંદુરસ્ત વરરાજાનું વજન ઊંચકીને થાકી ગયેલો. વરરાજાના ફુઆજી -ફોઈ રિસાયેલાં. એમને મનાવીને, એમને જાતજાતની લાંચ આપી, કારભારીઓએ પૂરા બે કલાકે ગાડામાં બેસાડ્યાં. એ પછી ગાડાનાં પૈડાં નીચે ફોડવા મૂકેલ નાળિયેર રિસાયું. એણે ફૂટવાની ના પાડી દીધી.
ઘરની દુભાયેલી એક મંથરાએ વાંકું મોઢું કરી કહ્યું, ‘લો, પહેલે ધડાકે નાળિયેર ના ફૂટ્યું… હરિ… હરિ…! આ તો બહુ મોટા અપશુકન યાં. ખુદ ગણપતિ નારાજ થયા લાગે છે. અને મને તો લાગે છે કે કુળદેવી પણ દુભાયાં લાગે છે…! ’ બીજી પણ બોલી, ‘શાંતેકના સમયે પેલો અખંડ દીવો ઘી ઓછું પડતાં બંધ પડી ગયેલો ત્યારે જ મને તો થયેલું કે નક્કી આ સંઘ કાશીએ નથી પહોંચવાનો !, પણ આપણું તો કોઈ સાંભળે જ ક્યાં છે? હું આટલી લગ્ન કરાવવામાં ઍક્સપર્ટ! તો હો બહારની બીજીઓ જ ભાભીને હારી લાગે… તે પછી આવું જ થાય ને…? ઘરનાંને દાઝે એવું બહારનાને થોડું દાઝવાનું? ’
આટલું વિસ્ફોટક બોલ્યા પછી તો બે દુશ્મન દેશ સામસામે આવી ગયા અને પછી જેને જેને ઓછું આવેલું હતું, એ બધાએ બળતામાં ઘી હોમવા માંડ્યું. એક પક્ષવાળી બોલી: ‘હારા નો તો જમાનો જ નથી.’ ‘બીજી: આવા ઘરડા બળદિયા કંઈ ગાડે બાંધવાના હોય મારા ભાઈ? આના કરતાં તો ચાલતાં જલદી પહોંચી જતે.’ પાછળ ઊભેલીને ત્રીજા: ‘ભગવાને આટલો પૈહો (પૈસા) આપેલો છે, તો હો (પણ) કેટલી કરકસર! હેરમાંથી (શહેર) એક ચાર પૈૈડાંવાળી મોટર ગાડી કરાવતે તો વરરાજાનો વટ પડી જતે અને મોટર નીચે ફટાક દઈને નાળિયેર ફૂટી જતે… ગામ આખામાં પહેલ વહેલી કાર આવતે. પોયરાઓ જયકારો કરતે… ને પાછળ દોડવાની મજા લેતે તે નફામાં..!’
‘ચાલો, હવે બધા શોરબકોર ને લવારા ઓછા કરો.’ એમ જરા મોટા અવાજે ગામના સરપંચે હાકોટો નાખીને લગભગ હુકમ જ કર્યો. એટલામાં વરરાજા હારુ નોંધાવેલો ઘોડો લઈને ગફૂરમિયાં આવ્યા ને વરરાજાને ફરી પાછું દહીં ખવડાવીને ગાડામાંથી ઉતારી ઘોડે ચડાવવામાં અને યુદ્ધ થાળે પાડીને બાજુના ગામે જાન લઈ જવામાં બે કલાક મોડા પડેલા.
મોડી આવેલી જાન ઉપર સામેના ગામના કારભારીઓ અને મંથરાઓ ખૂબ જ ક્રોધે ભરાયાં હતાં: ‘આવવા દો… વરપક્ષના છે, એટલે કંઈ મોડા આવવાનું? રસોઈ બગડી ગઈ તો નુકસાન કોણ ભરશે? બગડેલી રસોઈ જ જમાડી દેવાની. ભલે ઘરે જઈને બધાને દોડમદોડ થઈ જાય!’
રસ્તામાં બે વાર બેસી પડેલા ઘોડાને જેમ તેમ ગફૂરમિયાં ક્ધયાને પાદરે લઈ આવ્યા. દુશ્મનોને જોઈને કમાન્ડર જેમ હુકમ છોડે કે ‘તૂટી પડો’ અને ધનાધન ગોળી છૂટે તેમ એક કારભારણે મોટેથી હુકમ છોડ્યો: ‘ફટાણાં શરૂ કરો. બહેનો, તૂટી પડો… એકે એકને બરાબર ધોઈ નાખજો.!’
કન્યાપક્ષની દુભાયેલી કોકિલ કંઠીઓએ કાગકંઠમાં કર્કશ રીતે ગુસ્સો કાઢતાં મોટેથી આલાપ્યું: ‘જાનમાં તો આવ્યાં ખોટા, ઊંધા વાળો ઘરના લોટા, લાહરિયો જાન લાવ્યો, જાન લાવ્યો રે..’ હજી વરપક્ષવાળી ફટાણાંથી જવાબ આપે, તે પહેલાં જ ક્રોધે ચડેલી ચંડિકાઓએ બીજું કડવું ફટાણું ફટકાર્યું: ‘જાનમાં તો આવ્યા બાવા, લાગે છે એ આવ્યા ખાવા…!’ ત્યાં ત્રીજીએ ઉપરાછાપરી શરૂ કર્યું… ત્યાં તો વરપક્ષના કારભારીઓ અને મંથરાઓએ એક થઈને યુદ્ધનાં મંડાણ કરી દીધાં.
પછી તો એક એકથી ચડિયાતા ડિક્ષનરીના કુશબ્દો સામસામે અથડાયા અને ચકમક એવી ઝરી કે વરના બનેવીલાલે હાકોટો પાડી એલાન કર્યું: ‘આપણા વરને તો હજાર ક્ધયા મળશે. પણ આવા અનપઢ અને ગંદા ફટાણાં ગાનાર સાથે નાતો બાંધવો નથી. જાનને આવતાવેંત અપાનારો ઉમળકો ને પીવા પાણી સુધ્ધાં નહીં ધરનારને ઘરે સગપણ કરશો, તો તમારી ખેર નથી!
કન્યાના ગામની કોકિલ કંઠીઓનું ગળું એકી ઝાટકે મ્યુટ થઈ ગયું. ત્યાં દીકરીનાં મા-બાપે આવીને વરરાજાનો તેમજ વેવાણનો હાથ પકડીને માફી માગી અને કોલ્ડ્રિંક્સની બાટલીઓ અને ચા-પાણી લઈને ગામના યુવાનો લળી લળીને વેવાઈપક્ષના મહાજનોને મનાવવા લાગ્યા.
વરરાજાને આ અગાઉ પાંચ છોકરીઓએ નકારી નાખ્યો હતો એટલે માના કાનમાં એણે એવો વિલાપ કર્યો કે માએ જાહેર કર્યું: ‘વહુ મારી દીકરીને સ્થાને છે. અમે વહુને વાજતે ગાજતે લઈ જશું !’
Also Read – ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી: આવેશભર્યા અહમનાં અર્થ – અનર્થ
એ સાથે દીકરીનાં મા-બાપને સાતે કોઠે દીવા ઝળહળ થયાં. જાનૈયાને તો ખૂબ ભૂખ લાગી હતી એટલે પહેલાં જમણવાર અને પછી સાત ફેરાની માગ થઈ. ક્ધયાપક્ષે પણ દાળ- શાક બગડે એ પહેલાં પંગત પાડી દીધી.
ફટાણાં બંધ કરીને છેલ્લે, તને સાચવે સીતા સતી…’ ગાઈને લીલાં તોરણ સૂકાં થાય તે પહેલાં બન્ને પક્ષે યુદ્ધ વિરામ જાહેર થયો પછી અંદરથી હસતાં અને બહારથી ગ્લિસરીન આંસુ પાડતાં બધાએ સાથે ગાયું:
‘તારો સાચો સગો છે પતિ, અખંડ સૌભાગ્યવતી!’ પછી તો દીકરી ને ગાય, દોરે ત્યાં જાય ની જેમ વગર બોલ્યે ચાલ્યે ક્ધયા વર પાછળ દોરાઈ ગઈ. પેલા બનેવીલાલ પણ ક્યાં જાય?
કોઈને સાસરા વગર કદી ફાવટ આવી છે ખરી ?!