આઠ કિલોમીટરનું અંતર કાપવા Lalbaugcha Rajaને કેમ લાગે છે 20 કલાક? જાણો કારણ…

મુંબઈના માનીતા અને જાણીતા લાલબાગચા રાજા અત્યારે ટોક ઓફ ધ ટાઉન બની ચૂક્યા છે અને એનું કારણ છે વિસર્જનમાં થઈ રહેલો વિલંબ. છેલ્લાં પાંચ-છ કલાકથી લાલબાગચા રાજ ગિરગાંવ ચોપાટી પર અટવાઈ ગયા છે અને એની ઉપર જાતજાતના વાદ-વિવાદ થઈ રહ્યા છે.
લાલબાગથી ગિરગાંવ ચોપાટીનું અંતર આઠ કિલોમીટરનું જ છે અને તેમ છતાં લાલબાગચા રાજાને આ અંતર કાપવા માટે 20 કલાક કે એનાથી પણ વધુ સમય લાગે છે. આ પાછળનું કારણ તમે જાણો છો? ચાલો તમને આ વિશે જણાવીએ.
લાલબાગચા રાજાને આઠ કિલોમીટરનું અંતર કાપવા માટે 20 કલાકનો સમય લાગે છે એના માટે આ ગણેશ મંડળની કેટલીક પરંપરાઓ જવાબદાર છે. જેના વિશે આપણે આજે આ સ્ટોરીમાં વાત કરીશું.
આપણ વાંચો: લાલબાગચા રાજાના વિસર્જનમાં વિઘ્ન: હવે આ સમયે વિસર્જન થશે, જૂની બોટ પાછી લાવવામાં આવી…
ગણેશ ગલ્લીના ગણપતિ બાદ જ પ્રસ્થાન
લાલબાગચા રાજાનો રથ જ્યારે પંડાલમાંથી બહાર આવે છે ત્યારે રસ્તાની બહાર મેઈનગેટ પર 2 કલાક સુધી ઉભો રહે છે. દર વર્ષની પરંપરા અનુસાર લાલબાગચા રાજા પંડાલમાંથી બહાર આવે એ પહેલાં બાજુમાં આવેલી ગણેશ ગલ્લીના ગણપતિ બહાર નીકળે છે.
એવી માન્યતા છે કે ગણેશ ગલ્લીના ગણતપતિએ લાલબાગના કોળીબંધુ એટલે કે માછીમારોની માનતા પૂરી કરી હતી અને ત્યાર બાદથી લાલબાગમાં ગણેશોત્સવની ઉજવણીની શરૂઆત થઈ. આ બંને પંડાલ અને મંડળો વચ્ચે એક ખાસ સંબંધ છે અને એટલે જ ગણેશ ગલ્લીના ગણપતિ નીકળે ત્યાર બાદ જ લાલબાગચા રાજાની શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવે છે.
આપણ વાંચો: વિઘ્નહર્તાના વિસર્જનમાં વિધ્નઃ આ કારણે હજુ નથી થયું લાલબાગચા રાજાનું વિર્સજન
એરિયામાં પ્રભાતફેરી
લાલબાગચા રાજા પંડાલમાંથી બહાર આવે છે એટલે આગામી ત્રણ-ચાર કલાક આ જ વિસ્તારમાં ફરે છે અને ત્યાર બાદ ભાયખલાના રસ્તે થઈને ગિરગાંવ ચોપાટી તરફના રસ્તે તેઓ આગળ વધે છે. આખી રાત ઠેકઠેકાણે ભક્તો બાપ્પાની રાહ જુએ અને ફૂલ-હારથી તેમનું સ્વાગત કરે છે.
હિંદુસ્તાની મસ્જિદ પાસે મોઢું મીઠું
લાલબાગચા રાજાની એક ખાસ પરંપરા રહી છે કે બે જગ્યા પર આ બાપ્પાનું મુસ્લિમ સમુદાય દ્વારા સ્વાગત કરવામાં આવે છે. ભાયખલા સ્ટેશન પાસે આવેલી હિંદુસ્તાની મસ્જિદ પાસે મિઠાઈ વહેંચવામાં આવે છે અને ત્યાર બાદ જ્યારે મુસ્લિમોની બહુમતિવાળા દો ટાંકી વિસ્તારમાં બાપ્પાની સવારી પહોંચે છે ત્યારે ત્યાં મુસ્લિમ સમુદાય દ્વારા ભક્તોને શાહી શરબત પીવડાવવામાં આવે છે.
આપણ વાંચો: Lalbaughcha Raja 2025: કોણ છે લાલબાગચા રાજાના મુખ દર્શન કરનાર છેલ્લો ભકત?
ફાયરબ્રિગેડની અનોખી સલામી
હિંદુસ્તાની મસ્જિદથી આગળ વધીને જ્યારે લાલબાગચા રાજા ભાયખલા ફાયરબ્રિગેડ પાસે પહોંચે છે ત્યારે ફાયરબ્રિગેડ દ્વારા પણ બાપ્પાને અનોખી સલામી આપવામાં આવે છે.
ત્યાં હાજર તમામ ફાયર એન્જિનના સાયરન વગાડવામાં આવે છે અને તમામ બત્તી બાપ્પાને સલામી આપવા માટે ઓન કરવામાં આવે છે અને જ્યાં સુધી બાપ્પા ત્યાંથી પસાર ના થઈ જાય ત્યાં સુધી આ બંને વસ્તુઓ ચાલુ રહે છે.
માછીમારો કરે છે વિસર્જન
લાલબાગચા રાજાની સવારી ધીમી ગતિએ જ્યારે બીજા દિવસે સવારે 6 વાગ્યે ગિરગાંવ ચોપાટી પહોંચે છે ત્યારે કોળી સમુદાયના લોકો પોતાની હોડીઓમાં રંગબેરંગી ઝંડા લગાવીને લાલબાગચા રાજાને ભવ્ય સલામી આપે છે અને ત્યાર બાદ મૂર્તિને ઊંડા પાણીમાં લઈ જઈને તેનું વિસર્જન કરવામાં આવે છે.