લાખો-કરોડો ભક્તોના શ્રદ્ધાસ્થાન સમા Lalbaugcha Rajaનું નામ કઈ રીતે પડ્યું? શું છે ઈતિહાસ…

મુંબઈઃ મુંબઈની ઓળખસમાન બની ચૂકેલા લાલબાગ ચા રાજાનો ગઈકાલે એટલે કે 24મી ઓગસ્ટના ફર્સ્ટ લૂક સામે આવ્યો અને ગણેશભક્તોએ બાપ્પાના મનમોહકરૂપને આંખોમાં ભરી લીધો. લાલબાગ ચા રાજાની વાત કરીએ તો એવું કહેવાય છે કે આ ગણપતિ બાપ્પા ઈચ્છા પૂરી કરે છે. ગણેશોત્સવ દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો બાપ્પાના દર્શન કરવા આવે છે, પરંતુ શું તમે જાણો છો કે લાલબાગ ચા રાજાનું નામ કઈ રીતે પડ્યું, શું છે આ પાછળનો ઈતિહાસ? ચાલો આજે તમને જણાવીએ-
કોણ છે આ લાલબાગ ચા રાજા?
આ ગણેશોત્સવની શરૂઆત 1934માં એ સમયે થઈ હતી જ્યારે મુંબઈનો લાલબાગ વિસ્તાર માછીમારોની વસાહત ગણાતો હતો. અહીં લોકો લાંબા સમયથી કાયમીસ્વરૂપની બજારની માગણી કરી રહ્યા હતા, પરંતુ કોઈને કોઈ કારણે એ માગણી પૂર્ણ થતી નહોતી. આખરે ત્યાંના સ્થાનિક નાગરિકોએ તેમની શ્રદ્ધાને એક સ્થળે કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું. કામગાર અને સ્થાનિક નાગરિકોએ મળીને ગણેશ મંડળની સ્થાપના કરીને ગણેશોત્સવની ઉજવણી કરવાનું શરૂ કર્યું.
1934માં પહેલી જ વખત અહીં બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. એ સમયે આ ગણેશોત્સવ લોકોમાં એકતા અને સંઘર્ષનું પ્રતિક બની ગયું, કારણ કે બજારની માગંણી પૂરી ન થવા છતાં તેમણે હાર માન્યા વિના બાપ્પા પર પૂરેપૂરી શ્રદ્ધા દેખાડી. ધીરે ધીરે આ ગણેશોત્સવની લોકપ્રિયતા વધવા લાગી અને તે મુંબઈભરમાં લાલબાગ ચા રાજાના નામે ઓળખાવવા લાગ્યો.
કઈ રીતે પડ્યું લાલબાગ ચા રાજા નામ?
લાલબાગ પરિસરના નામ અને ત્યાંના રાજા એટલે બાપ્પાને લાલબાગ ચા રાજા એવું નામ આપવામાં આવ્યું. અહીંના ગણેશોત્સવની વિશેષતાની વાત કરીએ કો દર વર્ષે અહીં ગણપતિ બાપ્પાની મૂર્તિને ખાસ, અંદાજમાં સજાવવામાં આવે છે. દર વર્ષે લાખો-કરોડોની સંખ્યામાં ભક્તો અહીં બાપ્પાના દર્શને આવે છે અને કલાકોના કલાકો લાઈનમાં ઊભા રહીને બાપ્પાના આશિર્વાદ મેળવે છે.
એવું કહેવાય છે કે લાલબાગ ચા રાજાએ એ માત્ર ગણેશોત્સવની ઉજવણીનો એક ભાગ ના હોઈ ભાવિકોની ઈચ્છા પૂરી કરવાનું શ્રદ્ધાસ્થાન છે. લાલબાગ ચા રાજાને લોકો ઈચ્છાપૂર્તિ કે માનતાના ગણપતિ તરીકે પણ ઓળખે છે. અહીં તમારા માટે ખાસ 1934થી 2025 સુધી લાલબાગ ચા રાજાની મૂર્તિઓની એક ઝલક… તમે પણ ના જોઈ હોય તો અત્યારે જ જોઈ લો.
આ પણ વાંચો…તિરુપતિ બાલાજીના શાહી મુગટમાં ‘લાલબાગચા રાજા’નો દરબાર: જુઓ પ્રથમ ઝલક!