સ્પેશિયલ ફિચર્સ

પેલી છોકરીએ તને આપઘાત કરતાં ન બચાવ્યો હોત તો મારી કેટલી મહેનત બચી જાત? ખેર, એ છોકરી સાથે તો હું પછી સમજી લઈશ…!

જગમોહન હજી કરણના શબ્દોના આઘાતથી બહાર નહોતો નીકળી શક્યો.

‘મારા અને રૂપા વચ્ચે કોઈ પણ આવશે એનું હું ખૂન પણ કરી શકું છું…’ કરણના શબ્દો વારંવાર એના કાનમાં પડઘાતા હતા.

ગાયત્રી એની પાસે ઊભી હતી, ચૂપચાપ. કરણ ગુસ્સામાં બહાર નીકળી ગયો હતો.

‘ગાયત્રી, હું જ્યારે મરવા જઈ રહ્યો હતો ત્યારે મને ફક્ત કરણનો જ ચહેરો દેખાતો હતો. આજે એ જ દીકરો મને ખૂનની ધમકી આપીને ગયો છે…’

‘કાકુ, એણે તેમને ખૂન કરવાની ધમકી નથી આપી. એ ગુસ્સામાં બોલી ગયો એનું એને જ ભાન નહીં હોય. મને લાગે છે કે કાકુ, આપણે આખી વાતને ભૂલી જવી જોઈએ. ગુસ્સામાં બોલાયેલા શબ્દો જો બધા યાદ રાખે તો દુનિયામાં કોઈ સંબંધ જ ન ટકે.’

‘મેં તેને આટલાં વરસો સાથે રાખ્યો. નાનપણથી આજ સુધી એનું જતન કર્યું. અને હવે એક છોકરી માટે એ આવા શબ્દો બોલીને ગયો…’ જગમોહન એની આંખમાં ધસી આવતાં આંસુને ખાળવાની કોશિશ કરતો હતો.

‘કાકુ, એ શબ્દો બોલ્યો નથી, તમે એને બોલવા માટે ઉશ્કેર્યો છે…’

જગમોહને એક ઝાટકા સાથે ગરદન ઊંચી કરીને ગાયત્રી સામે જોયું.

‘હા, કાકુ, તમને ખરાબ લાગશે, પણ હકીકત એ છે કે તમે એને કડવાં વેણ બોલવા માટે ઉશ્કેર્યો.’ જગમોહન ચૂપચાપ ગાયત્રીની વાત સાંભળતો રહ્યો, ‘તમારે એ વખતે એને સમજાવવાની જરૂર હતી, તમે નમતું જોખત તો એ પણ ઝૂકતો આવત… તમે નાહકનો આને અહમ્નો મુદ્દો બનાવી દીધો છે.’

જગમોહને માથું હલાવ્યું પણ શું બોલવું એ એને સૂઝ્યું નહીં.

‘કાકુ, તમે એટલું બધું તાણ્યું કે છેલ્લે તૂટી ગયું. હોઈ શકે કે તમે બીજા ટેન્શનમાં હો અને એ કારણે તમે વધુ ગુસ્સે થઈ ગયા હો… પણ કાકુ, હું કરણનો બચાવ નથી કરતી… પણ હમણાં એનો વાંક નહોતો.’
‘ગાયત્રી, રૂપા કેવી લાગી?’ જગમોહને વિષય બદલીને પૂછી નાખ્યું.

‘દીવાન પરિવારમાં શોભે એવી નહીં.’ ગાયત્રીએ એનો અભિપ્રાય ઉચ્ચાર્યો.

જગમોહને નિરાંતનો શ્વાસ લીધો.

જો રૂપા યોગ્ય પાત્ર ન હોય તો ગમે તે ભોગે કરણને તેની સાથે પરણતાં અટકાવવો જોઈએ.

સંતાનની ભલાઈ માટે એની સામે કડક થવામાં કંઈ ખોટું નથી, જગમોહન વિચારતો હતો.

એ જ સમયે જગમોહનનો ફોન રણકી ઊઠ્યો.

‘હલ્લો…’ જગમોહન બોલ્યો.

‘મને ભૂલી નથી ગયા ને…’ સામે છેડેથી અવાજ આવ્યો.

જગમોહનની નસેનસમાં ઉત્તેજના વ્યાપી ગઈ.

હમણાં જ જેને યાદ કરતો હતો એ જ દુશ્મન એની સાથે ફોન પર વાત કરતો હતો.

‘તમે તો બહુ કાચા ખેલાડી નીકળ્યા…. મારા માણસોને તમે ઓળખી ન શક્યા? સામે છેડેની વ્યક્તિ જગમોહનના ઘરે આવેલી બે વ્યક્તિઓનો ઉલ્લેખ કરતી હતી.

‘ભ’ઈસાબ, અજાણ્યા માણસો ઘરે આવે ત્યારે જોઈ તો લેવું જોઈએ કે એણે ઘરમાં કોઈ બોમ્બ તો નથી મૂક્યોને…’
જગમોહનના પેટમાં ફાળ પડી.

આ માણસ સાચું બોલતો હશે? જો સાચે જ પેલા બે માણસો ઘરે બોમ્બ મૂકીને ગયા હોય તો?

‘શેઠ, ડરી ગયા ને? ફિકર નહીં કરો. હું તો તમને ફક્ત કહેવા માગતો હતો કે હું ધારું ત્યારે તમારા આખા કુટુંબને અહીં બેઠાં બેઠાં સાફ કરી શકું છું. પણ મારી દુશ્મની તમારી સાથે છે, તમારા પરિવારજનો સાથે નહીં…’ સામે છેડેની વ્યક્તિનો અવાજ બિલકુલ ઠંડો હતો.

‘તું શું ઇચ્છે છે મારી પાસેથી?’ જાણે હથિયાર હેઠા મૂકી દેતો હોય એ સૂરમાં જગમોહન બોલ્યો.

‘તારી પાસે ફક્ત એક જ વસ્તુ ઇચ્છું છું જગમોહન દીવાન, તારું મોત એ જ મારી કિંમત છે. એ જ મારો બદલો છે. સાચે જ, પેલી છોકરીએ તને આપઘાત કરતાં ન બચાવ્યો હોત તો મારી કેટલી મહેનત બચી જાત? ખેર, એ છોકરી સાથે તો હું પછી સમજી લઈશ. હમણાં તારી સાથેનો હિસાબ પહેલાં પતાવી દઉં…’

જગમોહનને લાગ્યું જિંદગીમાં પહેલી વાર એને ડર લાગી રહ્યો હતો. જે માણસને એના આપઘાતના પ્લાન વિશે ખબર હોય એ એના પર ચોવીસ કલાક નજર રાખી રહ્યો છે.
એ ધારે ત્યારે એને ગોળી મારી શકે છે.

એ ધારે ત્યારે એના ઘરમાં બોમ્બ મુકાવી શકે છે.

જગમોહને ગાયત્રી સામે જોયું. ગાયત્રી સમજી ગઈ હતી કે સામે બાજુની વ્યક્તિ મિત્ર તો નથી જ.

‘હું જાણું છું કે હું પૂછીશ તું કોણ છો તો મને સાચો જવાબ નથી મળવાનો. હા, મને એ જાણવાની જિજ્ઞાસા ખરી કે મારી સાથે આટલી ભયંકર દુશ્મનાવટ કોની હોઈ શકે… મેં કોની સાથે આટલો મોટો અન્યાય કર્યો છે કે એ માણસ મારા ખૂન સિવાય બીજું કંઈ નથી ઇચ્છતો…’ જગમોહન હતાશ સ્વરે બોલ્યો.

‘તું મને ઓળખી શકીશ પણ તારા મોતની ગણતરીની મિનિટો પહેલાં જ… બાકી જે માણસ હંમેશાં એ ભ્રમમાં રાચતો હોય કે એ હંમેશાં સાચું જ કરે છે એને કેવી રીતે ખબર પડે કે એણે કોને ક્યારે અન્યાય કર્યો… એની વે, આજે બહુ વાતો થઈ, હવે બીજી વાર પર્સનલ મુલાકાત થશે ત્યારે તારા ઈશ્વરને યાદ કરી લેજે.’ પેલાએ લાઇન કાપી નાખી.

જગમોહન સેલ સામે જોતો રહ્યો.

આપઘાત કરતી વખતે એને ડર નહોતો લાગ્યો.

આજે કોઈ એને મારી નાખવાની ધમકી આપતું હતું ત્યારે એના મનમાં ભય બાઝી પડ્યો હતો.

‘ગાયત્રી… ગાયત્રી, મારે નથી મરવું…’ એ અચાનક ચીસ પાડી ઊઠ્યો.
*
રાતના ડાઇનિંગ ટેબલ પર જગમોહન ચૂપ બેઠો રહ્યો હતો. બધાં એની સામે જોતાં હતાં પણ ઇચ્છા હોવા છતાં કોઈ એને પૂછતું નહોતું કે શું થયું?

ગાયત્રીને ખબર હતી કે ફોન પરની ધમકી અને કરણ સાથેની ઉગ્ર ચર્ચાને કારણે જગમોહન ઢીલો લાગતો હતો.

બીજાં બધાં એમ સમજતાં હતાં કે આગલી રાત્રે ગાયત્રીએ જે રીતે જગમોહનને ચૂપ કરી દીધો હતો એના કારણે એ હજી નારાજ હતો.

ત્યાં જ કોલબેલનો અવાજ સંભળાયો. લખુકાકા દરવાજો ખોલવા જતા હતા પણ જગમોહને એને અટકાવ્યા.

‘કાકા, તમે રહેવા દો. તમે જાઓ છો ત્યારે પોલીસને જ લેતા આવો છો. વિક્રમ તું જા ને…’

વિક્રમ ઊભો થઈને બારણું ખોલવા ગયો.

થોડી વારમાં એ દોડતો દોડતો પાછો આવ્યો – ‘પપ્પા, પપ્પા, પોલીસ…’

જગમોહન વિચારતો હતો કે દીવાન પરિવારને કોની નજર લાગી ગઈ છે કે વારંવાર પોલીસનું ઘરમાં આગમન થયા કરે છે.

જગમોહન ઊભો થઈને બહારના હોલમાં આવ્યો. બધાં એની પાછળ પાછળ આવ્યાં.

બહાર ઇન્સ્પેક્ટર પ્રમાણિક એના બે કોન્સ્ટેબલ સાથે ઊભા હતા. જગમોહનનું મોઢું બગડી ગયું. આ ઇન્સ્પેક્ટર હવે એને જોવો નહોતો ગમતો.

‘ફરમાવો ઇન્સ્પેક્ટર, અહીં કેમ આવવાનું થયું? મારા ખ્યાલ મુજબ વિક્રમે તમારી સાથે વાતચીત કરી લીધી છે.’ જગમોહને અણગમાના ભાવથી ઇન્સ્પેક્ટરના વિક્રમ સાથે થયેલા સોદાનો આડકતરો ઉલ્લેખ કરી દીધો.

‘તમારી વાત સાચી છે, મિ. દીવાન. મારે વિક્રમ દીવાન સાથે બધી વાતચીત થઈ ગઈ હતી પણ એમણે એક વાત મારાથી છુપાવી છે એટલે મારે અહીં આવવું પડ્યું.’ ઇન્સ્પેક્ટર પ્રમાણિકને જગમોહનની આવકારવાની શૈલી ગમી નહીં.

‘મેં… મેં શું છુપાવ્યું? ઇન્સ્પેક્ટર, તમે ફોનમાં મને પૂછી શકતા હતા…’ વિક્રમ તાડૂક્યો.

‘મિ. દીવાન, ફોન પર પૂછપરછ કરી શકાય, એરેસ્ટ ન કરી શકાય…’ ઇન્સ્પેક્ટર વિક્રમ સામે જોઈને બોલ્યો.

‘વ્હોટ ટુ યુ મીન, ઇન્સ્પેક્ટર? તમે કોના ઘરે ઊભા છો એનું ભાન છે?’ જગમોહનનો મૂડ આમેય ખરાબ હતો એમાં આ ઇન્સ્પેક્ટરે બળતામાં ઘી હોમ્યું.

‘યસ મિ. જગમોહન દીવાન, હું તમારા મોટા પુત્ર વિક્રમ દીવાનની શ્યામલી ચક્રવર્તી નામની એક વિધવાનું ખૂન કરવા બદલ ધરપકડ કરું છું…’ ઇન્સ્પેક્ટર પ્રમાણિક આગળ વધ્યો.

‘શું વાત કરો છો? શ્યામલી મરી ગઈ? એનો તો સવારના અકસ્માત થયો હતો…’ વિક્રમ બોલી ઊઠ્યો.

‘વિક્રમ સાહેબ, અકસ્માતમાં માણસો મરી પણ જતા હોય છે.’ ઇન્સ્પેક્ટરે કહ્યું.

‘તો… તો… એમાં મારો શું વાંક? તમે જ કહો છો કે એ અકસ્માત હતો. તમે મને એરેસ્ટ શા માટે કરવા માગો છો?’ વિક્રમે જગમોહન સામે જોયું. જગમોહન નિર્લેપભાવે તમાશો જોઈ રહ્યો હતો. આ શું ચાલી રહ્યું હતું એ એને નહોતું સમજાતું.

‘અકસ્માત ખરો, પણ માનવસર્જિત અકસ્માત. આજે બાર વાગ્યે શ્યામલી ચક્રવર્તી એક પ્રાઇવેટ કારની અડફેટમાં આવી ગઈ. મને એવી ફરિયાદ મળી છે કે આ અકસ્માત નહીં, ખૂન હતું અને આ હત્યામાં તમારી સંડોવણી હતી. આ પુરવાર કરવા માટે મારી પાસે સાક્ષી પણ છે.’

‘કોણ છે એ સાક્ષી?’ વિક્રમ ડરી ગયો હતો. ઘટનાસ્થળ પરની હાજરીનો કોઈ ફાયદો ઉઠાવી રહ્યું હતું.

‘મિ. દીવાન, એ નામ હું હાલના તબક્કે જાહેર નહીં કરી શકું. હા, પણ મામલો ખૂનનો હોવાના કારણે હું કંઈ કરી શકું તેમ નથી. તમે શ્યામલી ચક્રવર્તીને ઓળખતા હતા. એની સાથે તમારા આડા સંબંધો હતા. તમે વારંવાર એના ફ્લેટની મુલાકાત લેતા હતા. કોઈ કારણસર આ સંબંધો વણસ્યા એટલે તમે તમારા માર્ગનો કાંટો દૂર કરવાનું વિચાર્યું. લાગ મળતા જ તમે એને અકસ્માતમાં ઉડાડી મૂકી મિ. જગમોહન દીવાન, આ એક ઓપન-ઍન્ડ-શટ કેસ છે. તમે વચ્ચે નહીં પડો તો વધુ ઉચિત રહેશે…’

‘પપ્પા, પપ્પા, આ ઇન્સ્પેક્ટરે કોઈની પાસેથી લાંચ લીધી છે મને ફસાવવા માટે. તમે કમિશનરને ફોન કરો ને!’ વિક્રમના અવાજમાં કાકલૂદી હતી. થોડી પળો મોન રહીને જગમોહન બોલ્યો.
‘વિક્રમ, દીકરા, તું શ્યામલીને ઓળખતો હતો?’

‘હા…’
‘તારી એની સાથે આડા સંબંધો હતા…!’
‘…’
‘તારી ચુપકીદી એટલે કે હા…’
‘…’
‘તું શ્યામલીથી છેલ્લે છેલ્લે નારાજ હતો…’

‘પપ્પા… પપ્પા, તમે આ શું કરો છો પોલીસની સામે તમારા દીકરાને ફસાવો છો…’ વિક્રમ કડવાશથી બોલતો હતો.

‘હું તને ફસાવતો નથી દીકરા, તું નિર્દોષ હોઈશ તો દુનિયાની કોઈ કોર્ટ તને સજા નહીં આપી શકે. અને તું ગુનેગાર હોઈશ તો કોઈ કોર્ટ તને નિર્દોષ ન છોડે એવું હું ઇચ્છીશ…’ જગમોહનના અવાજમાં દૃઢ નિશ્ચયનો રણકો હતો.

‘આ તમે શું માંડ્યું છે?’ તમારા સિદ્ધાંતો તો એક વાર આખા ઘરને લઈને ડૂબશે…’ પ્રભા વચ્ચે પડે.

‘તમે છાનાંમાંના રહેજો. આ કાયદાની આંટીઘૂંટીમાં તમે કંઈ નહીં સમજી શકો…’ જગમોહને પ્રભાને બાજુમાં ખસેડી દીધી.
‘કાકુ, જો વિક્રમભાઈ ગુનેગાર હશે તો જરૂર જેલમાં જશે. પણ એ માટે હમણાં પોલીસ સ્ટેશને જવું જરૂરી ખરું? તમે કંઈ કરી નહીં શકો…’ ગાયત્રીએ વિનવણી કરી.

‘ગાયત્રી, વિક્રમે આપણી પાસેથી ૨૪ કલાકનો સમય માગ્યો હતો… કબીરે પણ કહ્યું કે આ આપણી ભૂલ હતી. જોયું ને મારી ઉદારતાનું શું પરિણામ આવ્યું!’

‘પણ પપ્પા,’ કરણ બોલ્યો, ‘વિક્રમભાઈ પોલીસ સ્ટેશને જશે તો આપણી ખાનદાનની ઇજ્જતનું શું?’

‘ગુનેગારને ઘરમાં રાખીએ તો ખાનદાનની આબરૂ પર વધુ ડાઘ લાગે…’ જગમોહને જવાબ આપ્યો.

‘બસ બહુ થઈ ગયું. હવે કોઈએ મારા વતી આ માણસ સામે ઝૂકવાની જરૂર નથી.’ વિક્રમે જાણે નિર્ણય કરી લીધો હોય એટલી મક્કમતાથી બોલ્યો. ‘આ માણસ મારો પિતા ખરો પણ હમણાં એ ઉદ્યોગપતિ જગમોહન દીવાનની હેસિયતથી વાત કરે છે. કોઈએ એની સામે મારા માટે રહેમની ભીખ માગવાની જરૂર નથી.’ વિક્રમ ઇન્સ્પેક્ટર તરફ આગળ વધ્યો, ‘કમ ઓન ઇન્સ્પેક્ટર, મારે ક્યાં જવાનું છે?’

‘વિક્રમ, દીકરા, તું મને ગેરસમજ નહીં કર. હું તારી પડખે જ છું.’ જગમોહન બોલ્યો, પણ કાયદાને કાયદાનું કામ કરવા દઈએ એ આપણા બધાના હિતમાં છે.

‘પ્લીઝ, મિ. જગમોહન દીવાન,’ વિક્રમના અવાજમાં છરી જેવી ધાર હતી. ‘મને બચાવવાની કોઈ જરૂર નથી.

હા, એક વાતની સ્પષ્ટતા કરી દેવા ઇચ્છીશ. મેં કદી કોઈનું ખૂન કર્યું નથી, શ્યામલીનું પણ નહીં, પણ જો મને એક હત્યા
કરવાની છૂટ મળે તો… તો હું તમારું ખૂન કરું…!
(ક્રમશ:)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button