Fairness Creamને કારણે ભારતમાં કિડનીની સમસ્યાઓ વધી રહી છે: સર્વેમાં મોટો ખુલાસો

ભારતીય લોકોને ગોરી ત્વચાનું વળગણ છે. લોકો ત્વચાને ચમકદાર બનાવવા માટે વિવિધ પ્રકારની ફેરનેસ ક્રિમનો ઉપયોગ કરે છે, તેથી ભારતમાં ત્વચાને ગોરી કરવા માટેની Fairness Creamનું વિશાળ બજાર છે . જો કે, આ ક્રિમમાં પારાની વધુ માત્રા કિડનીના નુકસાન માટે જવાબદાર છે.
એક નવા અભ્યાસ મુજબ સ્કિન ફેરનેસ ક્રીમનો ઉપયોગ ભારતમાં કિડનીની સમસ્યાઓમાં વધારો કરી રહ્યો છે. મેડિકલ જર્નલ કિડની ઇન્ટરનેશનલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારે પારો ધરાવતી ફેરનેસ ક્રીમના વધુ પડતા ઉપયોગથી મેમ્બ્રેન નેફ્રોપથી (MN) ના કેસ વધી રહ્યા છે, જે કિડનીની ગાળણ પ્રક્રિયાને નુકસાન પહોંચાડે છે અને પ્રોટીન લિકેજનું કારણ બને છે. મેમ્બ્રેન નેફ્રોપથી (MN) એક કિડની ડિસઓર્ડર છે જે કિડનીની ગાળણ પ્રક્રિયાને પાયમાલ કરી નાખે છે, જેના કારણે શરીર પેશાબમાં ખૂબ પ્રોટીન ઉત્સર્જન કરે છે. સંશોધકોએ કહ્યું છે કે આવા ઉત્પાદનોના ઉપયોગના જોખમો વિશે જનજાગૃતિ ફેલાવવી અને આ જોખમને રોકવા માટે આરોગ્ય અધિકારીઓને ચેતવણી આપવી જરૂરી છે.
અભ્યાસમાં સંશોધકોએ જણાવ્યું હતું કે Fairness Cream ભારતની બેરોકટોક બજારોમાં વ્યાપકપણે ઉપલબ્ધ છે. આ ક્રીમ તમને ઝડપથી ગોરા કરવાની ખાતરી આપે છે, પણ તમારે એની ભારે કિંમત ચૂકવવી પડે છે, કારણ કે એક વાર તમે આ ક્રીમના વ્યસની થઇ જાવ અને પછી તેનો ઉપયોગ બંધ કરવાથી ત્વચાનો રંગ વધુ ઘેરો બની શકે છે. ફેરનેસ ક્રીમમાં પારો હોય છે જે અત્યંત ઝેરી માનવામાં આવે છે. લિપસ્ટિકમાં પણ ક્રોમિયમ હોય છે, જે કાર્સિનોજેનિક છે.
સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ (CSE)ની પોલ્યુશન મોનિટરિંગ લેબ (PML) એ જણાવ્યું હતું કે ભારતમાં કોસ્મેટિક્સમાં પારાના ઉપયોગ પર પ્રતિબંધ છે. છતાં પણ પરીક્ષણ કરાયેલ 44 ટકા ફેરનેસ ક્રિમમાં પારો જોવા મળ્યો હતો. લિપસ્ટિકના 50 ટકા સેમ્પલમાં ક્રોમિયમ અને 43 ટકામાં નિકલ મળી આવ્યું હતું.
સંશોધકોએ જણાવ્યું હતું કે લોકોને જોખમથી બચાવવા માટે આવા Fairness Cream પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ.