'ખેતલાઆપા ટી સ્ટોલ' પાછળના ખેતલિયા બાપા કોણ છે? જાણો કાળી ચૌદસ સાથે જોડાયેલી અનોખી ગાથા | મુંબઈ સમાચાર
રાજકોટસ્પેશિયલ ફિચર્સ

‘ખેતલાઆપા ટી સ્ટોલ’ પાછળના ખેતલિયા બાપા કોણ છે? જાણો કાળી ચૌદસ સાથે જોડાયેલી અનોખી ગાથા

જસદણ: સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ‘ખેતલાઆપા ટી સ્ટોલ’ એક લોકપ્રિય નામ બની ગયું છે, જે કાઠિયાવાડી પ્રજાને વિશેષ આકર્ષે છે. પરંતુ જેમના નામ પરથી આ સંસ્થાઓએ નામના મેળવી છે, તે ખેતલિયા બાપા વિશે કદાચ બહુ જ ઓછા લોકો જાણતા હશે. તેમનું મૂળ સ્થાન જસદણ તાલુકાનું કડૂકા ગામ છે, જેની ગાથા આજે પણ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. લોકવાયકા અનુસાર કાળી ચૌદસને ખેતલિયા બાપાની જન્મતિથી તરીકે ઉજવવામાં આવે છે.

જીવતા નાગદેવતાનું મંદિર કડૂકા

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કડૂકા ગામમાં આવેલા ખેતલિયા બાપાના મંદિરે આજે પણ જીવતા નાગદેવતા હરતા-ફરતા જોવા મળે છે. અહીં નાના બાળકો પણ આ સાપને રમાડતા નજરે પડે છે, જે આ મંદિરની અનોખી આસ્થા અને લોકવાયકાનું પ્રતીક છે. ખેતલિયા દાદા અહીં નાગ સ્વરૂપે બિરાજે છે અને તેઓ વકાતર કુળના કુળદેવ તરીકે પૂજાય છે.

શું છે ખેતલિયા બાપાની દંતકથા
ખેતલિયા બાપાની દંતકથા કાનાભુવા નામના એક ભક્ત સાથે સંકળાયેલી છે અને લોકવાયકા એવી છે કે તેમને એવું વરદાન હતું કે સવારે ઉઠતાંની સાથે પથારીમાં હાથ ફેરવતાં જ તેમને એક રૂપિયો મળતો. થોડા વર્ષો વીત્યા બાદ જ્યારે ભુવા દેવલોક પામ્યા, ત્યારે એવી લોકવાયકા પ્રચલિત છે કે તેમની સ્મશાન યાત્રામાં ખુદ ખેતલિયા બાપા પણ નાગ સ્વરૂપે હાજર રહ્યા હતા. જોકે, સ્મશાનેથી ડાઘુઓ પરત ફર્યા ત્યારે તેમણે ખેતલિયા બાપાને ગામમાં પરત ફરવાનું આમંત્રણ ન આપ્યું, તેથી બાપા સ્મશાનમાં જ રહ્યા.

અમુક સમય પછી વાલાભુવાને પ્રેરણા થઈ અને ખેતલિયા બાપાએ તેમને સ્વપ્નમાં નિશાની આપી કે તેઓ કઈ જગ્યાએ હાજર થશે. ત્યારબાદ ઢોલ-શરણાઈ સાથે બાપાના સામૈયાની તૈયારી કરવામાં આવી અને આપેલી નિશાની પ્રમાણે બાપા ત્યાં હાજર થયા. તેમને લોબડીમાં આસન આપીને મઢમાં લાવવામાં આવ્યા હતા. આજે પણ એ જ ખેતલિયા બાપા શ્રદ્ધાળુઓની સહાય કરે છે અને તેમની મનોકામના પૂર્ણ કરે છે.

ભાટી એન. મુંબઈ સમાચારને જણાવે છે કે, “કાઠિયાવાડમાં ‘ચા’ નિત્ય સુપ્રભાતે મોસ્ટ ઓફ પીવે છે…! ઘરની ચા માપસરની હોય, પણ સૌરાષ્ટ્રના લારી-ગલ્લા પર જાવ તો અહીં ભરવાડ જ્ઞાતિના ભાઈઓને ‘ચા’નો ધંધો સારી રીતે ફાવી ગયો છે. પોતે ગૌપાલક હોવાથી ભેંસું તો ઘરની હોય આથી દૂધ વેચવાની કડાકૂટ નહીં તે દૂધ પોતાની દુકાને વાપરે જેથી સારી ક્વૉલિટીનું દૂધ હોય, આથી આખા દૂધની કડક-મીઠી ‘ચા’ બધાને કોઠે પડી ગઈ છે. અહીં ‘ચા’ માટે મોટા તપેલામાં ઘાણો મૂકે ને ખૂબ જ ઉકાળે…! તે માટે મોટો ચમચો રાખે જેથી ચા હલાવવામાં અનુકૂળતા રહે…! અને તે બરાબર પકવેલ જાણે દૂધપાક જેવી મીઠ્ઠી મધુર ચા પીઓ ત્યાં ચા માથે તર જામી જાય…! હવે તો ‘ખેતલાઆપા ‘ચા’ની નવી ઓળખ ઊભી કરી છે.”

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button