વૃદ્ધાવસ્થા જીરવવી અઘરી છે. હાથ-પગ ચાલે ત્યાં સુધી બહુ વાંધો આવતો નથી, પણ હાથ-પગ અટકે પછીનું જીવન આકરું થઈ જાય છે. મોતની રાહમાં જીવતો વૃદ્ધ વારેવારે ભગવાનને પ્રાર્થના કરે છે: ભગવાન હવે નથી સહન થતું, મને ઉપાડી લે. પણ ધરતી પર જેટલા શ્ર્વાસ લેવાના બાકી હોય તે તો પૂરા કરવા જ પડે.
એક વૃદ્ધાશ્રયમાં રમેશભાઈ અને રમાબહેનની મુલાકાત થઈ. રમેશભાઈ ૭૮ વર્ષના અને રમાબહેન ૭૫ વર્ષનાં. રમેશભાઈની તબિયત પ્રમાણમાં સારી. રમાબહેન સાવ પથારીવશ. રમેશભાઈએ પત્ની રમાબહેનની સેવા કરવી પડે. રમાબહેન પોતાની જાતે કાંઈ જ કરી શકતાં નહીં, બરાબર બોલી પણ શકતા નહીં.
‘રમેશભાઈ, તમારાં સંતાનો?’ પ્રશ્ર્નના ઉત્તરમાં રમેશભાઈએ કહ્યું, ‘બે પુત્ર-પુત્રવધૂ અને એમનાં બે-બે બાળકો, ભર્યોપૂર્યો સંસાર છે.’
‘તો પછી તમે તેમની સાથે રહેતા નથી?’
જવાબમાં રમેશભાઈ કહે: ‘એક અમેરિકા રહે છે અને બીજો કેનેડા રહે છે.’
‘તો તમે બંને ત્યાં કેમ જતા રહેતા નથી?’
‘એ લાંબી દાસ્તાન છે, પણ તમને ટૂંકમાં કરીશ.’ કરીને રમેશભાઈએ પોતાની વાત કહેવાની શરૂઆત કરી:
હું અને રમા નાની ઉંમરમાં પરણ્યાં. હું હતો ૨૨નો ને રમા ૨૦ વર્ષની. અમારું સાધારણ કુટુંબ. મારા પિતાજી બીમાર થતાં આવક બંધ થઈ. જવાબદારી મારા માથે આવી. પિતાજીની જગ્યાએ મને નોકરી મળી ગઈ.
થોડો પગાર વધાર્યો, પણ એ મહિનાના બે છેડા પૂરા કરવા માટે પૂરતો ન હતો. બા-બાપુજી, હું અને રમા તેમ જ એક કુંવારી બહેન, જેને પરણાવવાની જવાબદારી મારા માથે હતી. ખર્ચને પહોંચી વળાતું ન હતું તેથી નોકરીમાંથી છૂટયા પછી એક જગ્યાએ પાર્ટટાઈમ ટાઈપિંગનું કામ કરતો હતો. રમા અને મારી બહેન સાડીને ફોલ-બિડિંગ કરવાનું કામ કરતાં હતાં. ઘરમાં કરકસરથી રહેતા તેથી ગાડું ગબડતું હતું. આમેય રમા બહુ જ સમજુ અને કોઠાડાહી. ક્યારેય ખોટા ખર્ચ ન કરે, ક્યારેય કોઈ માગણી નહીં. બિચારી બે સાડલામાં આખું વર્ષ કાઢી નાખે.
દિવાળીમાં બોનસ મળે ત્યારે અમે સૌ માટે સસ્તાં કપડાં લઈ આવીએ. આમ ચાલતું હતું ત્યાં બહેનનું વેવિશાળ નક્કી કર્યું. મારી અને રમાની ચિંતા વધી ગઈ. ક્યાંથી કરીશું બહેનના લગ્નનો ખર્ચ? મને ચિંતામાં જોઈ રમાએ કહ્યું, ‘મારાં પિયરના ઘરેણાં છે ને? તે હું બહેનને આપી દઈશ. થોડા વેચી નાખીશું તેથી લગ્નનો ખર્ચ નીકળી જશે,’ પણ રમાનું સ્ત્રીધન લેવાની મારી બિલકુલ ઈચ્છા ન હતી.
બહેનના સાસરિયાંને અમે અમારી પરિસ્થિતિની વાત પહેલેથી જ કરીને કહ્યું હતું, ‘અમારી પાસે કંકુ અને ક્ધયા છે. પૈસા નથી પણ સંસ્કારી, શિક્ષિત અને રસોઈ, ગૃહકાર્યમાં કુશળ ક્ન્યા છે.’ વેવાઈ પક્ષે અમારા પાસેથી કોઈ આશા રાખી ન હતી પણ અમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી માફક અમારાથી બનતું કર્યું. એ માટે ઓફિસમાંથી થોડી લોન લીધી. બહેનને સાસરે વળાવી બીમાર પિતાનું મૃત્યું થયું. ઘરમાં અમે ત્રણ રહ્યા. રમાના સપોર્ટને કારણે હવે આર્થિક સમસ્યા થોડી હળવી થઈ હતી. એવામાં રમાએ સારા સમાચાર આપ્યા. ઘરમાં નવા મહેમાનનું આગમન થવાનું હતું. મારા બાની તેમ જ અમારી ખુશીનો પાર ન હતો. મેં અને રમાએ બાળક થાય પછી ખર્ચને કઈ રીતે પહોંચી વળવું તેનો વિચાર કરવા માંડ્યો, મારો પગાર હવે ઠીકઠાક હતો અને રમાને સાડીના ફોલ બિડિંગમાં બા પણ મદદ કરતા હતા તેથી આધાર રહેતો હતો.
રમા જે પૈસા કમાતી હતી તે બધાં બચતખાતામાં નાખી દેવાનો અમે નિર્ણય કર્યો. પુત્ર જન્મ્યો. થોડી કરકસર અને થોડી કુનેહથી અમારો સંસાર ચાલતો હતો. ત્રણ વર્ષ બાદ બીજો પુત્ર જન્મ્યો અને અમે કરકસરથી અમારો સંસાર ચલાવ્યે જતા હતા. પેટે પાટા બાંધીને બંને પુત્રને ભણાવ્યા. સદનસીબે બંને દીકરા ભણવામાં તેજસ્વી હતા એટલે ઉચ્ચ અભ્યાસ વખતે એમને સ્કોલરશીપ પણ મળતી થઈ ગઈ હતી. આમ લાંબા સંઘર્ષને અંતે મોટો પુત્ર એન્જિનિયર અને નાનો પુત્ર ડોક્ટર બન્યો. બંને દીકરા કમાવવા માંડ્યા પછી આર્થિક સ્થિતિ સુધરી ગઈ. બા રહ્યા ન હતાં. દીકરાઓએ મોટો ફ્લેટ પણ લીધો અને પછી થયા લગ્ન બંને દીકરાએ પોતાને મનપસંદ ક્ધયા સાથે લગ્ન કર્યા. મોટા પુત્રના સાસરિયા અમેરિકા રહેતા. એમણે પોતાના દીકરી- જમાઈને ત્યાં બોલાવી લીધાં.
દીકરાએ અમને પણ સાથે આવવાનું કહ્યું, પણ અમે ના પાડી. નાના દીકરાને કેનેડામાં સારું કામ મળી ગયું તેથી એ કેનેડા ગયો. સંતાનોના વિકાસમાં આપણે તો રાજી જ થવાનું. રહ્યા અમે બે-હૂતો અને હૂતી એ પૈસાની કોઈ ચિંતા ન હતી. દીકરાઓ પૈસા મોકલતા હતા. અમેરિકા અને કેનેડા પુત્રવધૂઓની ડિલિવરી સમયે અમે જતા. રમા બધું સંભાળી લેતી. એમનાં બાળકોને થોડાં મોટાં કરી દીધાં. દીકરાઓની ઈચ્છા એવી કે અમે એમની સાથે જ રહીએ, પણ વહુઓનું વર્તન એવું કે ‘ગરજ સરીને વૈદ્ય વેરી.’ એમનાં બાળકો મોટાં થયાં પછી એમનાં ઘેર રહેતા ઓશિયાળાપણાની લાગણી થતી હતી જે અમને બંનેને પસંદ ન હતું. અમે ગરીબીમાં પણ સ્વમાનથી જીવ્યા છીએ તેથી અમે પાછા અહીં આવવાનું નક્કી કર્યું.
દીકરાઓને નહોતું ગમતું પણ એમને સમજાવી લીધાં, વળી પોતાની પત્નીની ઈચ્છા પણ બન્ને દીકરા જાણતા જ હોય ને? અમે ઘેર પાછા આવ્યાં . દીકરાઓએ પૈસા મોકલવામાં કદી ઢીલ કરી નથી તેથી અમે બંને આનંદથી રહેતાં હતાં. તેવામાં રમા બાથરૂમમાં પડી ગઈ અને એની આવી પરવશ સ્થિતિ થઈ ગઈ. દીકરાઓએ સાચેખોટે અમને ત્યાં આવી જવાનું કહ્યું, પણ એ મનમાં જાણતા જ હતા કે સાજી મા મારી પત્નીને પોષાતી ન હતી તો આ સાવ પથારીવશમાં કેમ કરીને પોષાવાની? બંને દીકરા આવ્યા, સરસ મજાના વૃદ્ધાશ્રમની શોધ આદરી અને અમે અહીં આવ્યા…. અહીંનો ખર્ચ ઘણો વધારે છે, પણ સગવડ પણ સરસ છે. સારી રીતે ખાવા-પીવાની વ્યવસ્થા, ડોક્ટરની વ્યવસ્થા, રમા માટે બાઈની વ્યવસ્થા બધું છે. બાઈ ન આવે કે વહેલી મોડી થાય તો મારે રમાનું સંભાળવું પડે. બાઈ હોય તો પણ રમાને થાય કે હું એની પાસે બેસું અને વાતો કરું ભલે તે બોલી ન શકે. પણ હું બોલું તે સાંભળે. ક્યારેક હું એને રામાયણ, ભાગવત વાંચી સંભળાવું. બસ, આમ અમારી જિંદગી સરસ રીતે પસાર થઈ રહી છે. સંતાનો સાથે ન ફાવે અથવા એ વ્યસ્ત હોય તો મા-બાપનું ન કરી શકે એમના માટે વૃદ્ધાશ્રમની વ્યવસ્થા બેસ્ટ છે.