જવાહરલાલ નહેરુના આ નિર્ણયે બદલી નાખ્યું ભારતીય ક્રિકેટ ટીમનું નસીબ…
નવી દિલ્હીઃ લગભગ 12 વર્ષ બાદ ભારતીય ક્રિકેટ ટીમ ફરી એકવાર વર્લ્ડ કપ જીતવા જઈ રહી છે. 19 નવેમ્બરે યોજાનાર વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ જીતે તો ભારત ત્રીજી વખત વર્લ્ડ કપ જીતી જશે. પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે ભારતીય ક્રિકેટ ટીમની સદસ્યતા પર પ્રશ્ર્નો હતા. જે તત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુ દ્વારા લેવામાં આવેલા એક નિર્ણયથી ટળી ગયા હતા. હાલમાં બીસીસીઆઇને ક્રિકેટ માટે સર્વ કર્તાહર્તા માનવામાં આવે છે પરંતુ એક સમયે તેની પણ સદસ્યતા છીનવાઉ જવાની હતી.
1947 માં સ્વતંત્રતા મળ્યા બાદ દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ એવો નિર્ણય લીધો કે ભારતીય ક્રિકેટ ઇમ્પીરિયલ હંમેશા ક્રિકેટ કોન્ફરન્સનો એક ભાગ રહેશે. જેના આજે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) તરીકે ઓળખાય છે. જો કે ભારતને બ્રિટિશ કોમનવેલ્થમાં રાખવાના નેહરુના નિર્ણયની તેમની પાર્ટીના સભ્યોએ ઘણી ટીકા કરી હતી. તેનું ખાસ કારણ એ હતું કે બ્રિટિશ કોમનવેલ્થ એ 54 સભ્ય રાજ્યોનું સ્વૈચ્છિક સંગઠન છે, જેમાંથી મોટાભાગના બ્રિટિશ સામ્રાજ્યના ભૂતપૂર્વ પ્રદેશો હતા. કોમનવેલ્થના વડા બ્રિટિશ રાજા છે. જો કે કોમનવેલ્થના ઘણા સભ્યો બ્રિટિશ સામ્રાજ્ય સાથે ઐતિહાસિક સંબંધો ધરાવે છે, તેઓને બ્રિટિશ ક્રાઉન સાથે બંધારણીય સંબંધો રાખવાની જરૂર નથી. કૉંગ્રેસ ભારતના કોમનવેલ્થનો ભાગ હોવાના વિચારનો વિરોધ કરતી હતી અને માનતી હતી કે સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી બ્રિટિશ ક્રાઉન સાથે કોઈ રાજકીય અથવા બંધારણીય સંબંધો રાખવા ના જોઈએ.
નહેરુનો આ નિર્ણય ભારતીય ક્રિકેટ માટે મહત્વપૂર્ણ સાબિત થયો અને તેના વિશે વાત કરતા મિહિર બોઝ તેમના પુસ્તકમાં લખે છે કે 19 જુલાઈ, 1948ના રોજ લોર્ડ્સમાં ઈમ્પીરીયલ ક્રિકેટ કોન્ફરન્સ (ICC)ની બેઠક મળી ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું કે ભારત ICCનું સભ્ય રહેશે પરંતુ માત્ર અસ્થાયી ધોરણે. ભારતની ICC સભ્યપદની બાબતમાં બે વર્ષ બાદ ફરીથી સુધારો કરવામાં આવશે. અને ત્યારબાદ જૂન 1950માં જ્યારે ICCની આગામી બેઠક મળી, ત્યારે ભારતે તેનું પોતાનું બંધારણ અપનાવ્યું હતું, તે પણ બ્રિટિશ રાજાશાહીની કોઈ સત્તા વિના, કોમનવેલ્થનું સભ્ય રહ્યું હતું. ભારતની કોમનવેલ્થ સદસ્યતા અંગે ખાતરી થતાં ICCએ ભારતને કાયમી સભ્ય બનાવ્યું હતું. જવાહરલાલ નેહરુનો રમતગમત પ્રત્યેનો પ્રેમ ભારતના વડા પ્રધાન બન્યા પછી પણ એમજ રહ્યો અને તેના કારણે આજે ક્રિકેટમાં ભારત દુનિયામાં ડંકો વગાડી રહ્યું છે.