ગણેશ ચતુર્થી સ્પેશિયલઃ જાપાનમાં પણ ગણપતિ બાપ્પાની ગુંજે છે જયકાર, અલગ નામે અને સ્વરૂપે થાય છે પૂજા…

આજથી મુંબઈ સહિત દેશભરમાં ગણેશોત્સવની ધામધૂમથી શરૂઆત થઈ ગઈ છે અને આગામી 10 દિવસ સુધી ગણેશભક્તિનો માહોલ જોવા મળશે. પરંતુ શું તમને ખબર છે કે આપણા સૌના લાડકા ગ્લોબલ લેવલ એટલે કે વૈશ્વિક સ્તરે પણ એટલા જ લોકપ્રિય છે? ચોંકી ઉઠ્યાને? અલબત્ત બહારના કેટલાક દેશોમાં આપણા બાપ્પા અલગ અલગ નામ અને અલગ અલગ સ્વરૂપે પૂજાય છે, પણ છે તો બાપ્પા જ. ગણેશ ચતુર્થી પર એક લટાર મારીએ જાપાનના એ ગણેશ મંદિરમાં કે જે દુનિયાભરમાં પ્રખ્યાત છે. એટલું જ નહીં આ મંદિરની દૂર દૂર સુધી ચર્ચા પણ થાય છે, ચાલો જોઈએ ક્યાં આવેલું છે આ મંદિર અને શું છે તેની ખાસિયત-
અમે અહીં જે મંદિરની વાત કરી રહ્યા છીએ એ જાપાનના ક્યોટો ખાતે આવેલું છે અને આ મંદિર જાપાન અને ભારતને સાંસ્કૃતિક રીતે જોડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ મંદિરની ગણતરી જાપાનના સૌથી પ્રાચીન મંદિરોમાં કરવામાં આવે છે અને બાપ્પાના ભક્તો માટે આ મંદિરનું અનેરું મહત્ત્વ છે. દૂર દૂરથી લોકો આ મંદિરમાં બાપ્પાના દર્શન કરવા આવે છે.
ગણેશજીના અલગ અલગ નામ
આ મંદિર વિશે જણાવીએ એ પહેલાં તમને જણાવીએ કે અહીં ગણેશજી કાંગિટેન (Kangiten)ના નામે અને થોડા અલગ સ્વરૂપમાં પૂજાય છે. કાંગિટેન સિવાય બાપ્પાને અહીં લોકો શોટેન, ગણબાચી અને બિનાયકતેન જેવા જૂદા જૂદા નામે પણ ઓળખે છે.
કાંગિટેન મંદિર
અગાઉ કહ્યું એમ જાપાનમાં બાપ્પા કાંગિટેનના નામે ઓળખાય છે એટલે જાપાનના આ મંદિરનું નામ છે કાંગિટેન અને તે જાપાનના ક્યોટો શહેરમાં આવેલું છે. આ મંદિરની સ્થાપના 1372માં સમ્રાટ ગિકોગન દ્વારા કરવામાં આવી હતી. મંદિરમાં બિરાજમાન પ્રતિમાનું સ્વરૂપ આપણા બાપ્પા સાથે ખૂબ જ હળતું મળતું આવે છે, જેના પરથી અંદાજો આવે છે કે બાપ્પાનો પ્રભાવ દૂરસુદૂર લોકો પર પણ જોવા મળે છે.

બૌદ્ધ ધર્મ સાથે છે સંબંધ
જાપાનના અ મંદિરની પ્રતિમા કાંગિતેન જાપાનના બૌદ્ધ ધર્મ સાથે સંબંધિત છે. આમ તો બાપ્પાની અહીં વિવિધ સ્વરૂપમાં પૂજા કરવામાં આવે છે પણ તેમનું બે શરીરવાળું સ્વરૂપ અહીં ખૂબ જ લોકપ્રિય છે.
ટોક્યોમાં પણ છે સાતમી સદીમાં સ્થાપિત ગણેશ મંદિર
ક્યોટોની સાથે સાથે જાપાનના ટોક્યોના અસાકુસામાં પણ એક લોકપ્રિય ગણેશ મંદિર આવેલું છે, જેની સ્થાપના 7મી સદીમાં કરવામાં આવી આવી હતી. આ મંદિરનું નામ છે માત્સુચિયામા શોડેન છે, જેને હોનરિયોઈ નામથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિર પણ કાંગિતેનને સમર્પિત છે અને તે એક પર્વત પર આવેલું છે.
ગ્લોબલ લેવલ પર ચાલે છે ને આપણા બાપ્પાનો જાદુ? હવે જ્યારે પણ જાપાન જાવ તો આ મંદિરોની અને કાંગિટેન ભગવાન એટલે કે આપણા ગણેશજીના મંદિરોની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. ચાલો ત્યારે આજથી શરૂ થયેલાં ગણેશોત્સવની ઢગલો શુભેચ્છાઓ, બાપ્પા આપણા સૌના સુખ, સમૃદ્ધિમાં વધારો કરે એવી કામના… બોલો ગણપતિ બાપ્પા મોરયા…
આ પણ વાંચો…ગણપતિ બાપ્પા મોરયા કેમ બોલાય છે? જાણો ‘મોરયા’ શબ્દનો અર્થ અને રસપ્રદ ઇતિહાસ…