
ગોકુળ આઠમ કે જન્માષ્ટમીને હવે બસ માંડ બેક દિવસો આડે છે ત્યારે સમગ્ર દેશમાં આનંદ ઉલ્લાસનો માહોલ છે. ભગવાન કૃષ્ણમાં અવતરણની ઉજવણી આખાયે ભારતમાં જોરશોરથી થશે. પૂર્ણ પુરુષોતમ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ભલે મથુરામાં થયો અને તેમણે લીલાઓ વ્રજમાં કરી હોય, પરંતુ તેમની સાથે ખૂબ જ પોતિકો નાતો સૌરાષ્ટ્રને રહ્યો છે. કારણ કે સૌરાષ્ટ્ર ભગવાન કૃષ્ણની કર્મભૂમિ રહી છે, અહી જ તેમણે પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું છે સાથે જ અહી તેમણે પોતાની જીવન લીલા પણ સંકેલી છે.
સૌરાષ્ટ્રમાં જો તમે ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલા સ્થળોની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે આ લેખ મહત્વપૂર્ણ બની રહેવાનો છે. ભગવાન કૃષ્ણની સાથે જોડાયેલા ત્રણ મહત્વપૂર્ણ સ્થળોમાંથી દ્વારકા વિશે તો આપ જાણતા જ હશો પરંતુ અન્ય બે સ્થળો વિશે બહુ ઓછા લોકો જાણે છે. જેમાં એક છે ભાલકા તીર્થ અને બીજું છે દેહોત્સર્ગ તીર્થ. તો ચાલો જાણીએ આ ત્રણે પવિત્ર તીર્થો વિશે.

દ્વારકા: ભગવાન કૃષ્ણની કર્મભૂમિ
મથુરામાં કંસનો વધ કર્યા બાદ જરાસંઘના સતત આક્રમણને કારણે ભગવાન કૃષ્ણ યાદવોને લઈને પશ્ચિમ સાગર તટે આવે છે. અહી તેમણે દ્વારકા નગરી વસાવી અને યાદવોની સાથે વસવાટ કર્યો. અહી જ તેમણે યાદવોને સંગઠિત બનાવ્યા અને બાદમાં જરાસંઘનો વધ કર્યો હતો. ભગવાને પોતાના સવાસો વર્ષના દીર્ઘ આયુષ્યમાં સૌથી વધુ સમય દ્વારકામાં ગાળ્યો છે. અહી ભગવાને 80 વર્ષ ગાળ્યા છે. અહી જ તેમણે સુદામાની દરિદ્રતા દૂર કરી હતી.

ભાલકા: ભગવાને રામઅવતારનું ફળ ચૂકવ્યું
ભગવાન કૃષ્ણ દ્વારકામાં અર્જુનને સ્ત્રીઓની ભાળ સોંપીને ભાઈ બલરામને મળવા વનમાં આવેલા. અહી ભાઈ બલરામજીનો પાર્થિવદેહ જોઈને ભગવાન શૂન્યમનસ્ક બની ગયા અને સાથે મહાભારતના યુદ્ધમાં ગાંધારીએ આપેલા શ્રાપને યાદ કરીને પીપળાના વૃક્ષ નીચે જમણો પગ સાથળપર ચડાવીને બેસી પડ્યા હતા. આ દરમિયાન જરા નામના પારધીએ મૃગની આંખ સમજી ભગવાનના પગમાં બાણ માર્યું. આવીને જોયા બાદ પારધીએ ભગવાનની માફી માંગી પરંતુ ભગવાને બધુ પોતાની જ ઈચ્છાથી થયું હોવાનું સમજાવી ત્યાર પછી તેઓએ પૃથ્વી પર પોતાની લીલા સંકેલી નિજધામ પ્રસ્થાન કર્યું હતું.

દેહોત્સર્ગ તીર્થ: જ્યાં કૃષ્ણના અંતિમ સંસ્કાર થયા
જરા નામના પારધીના બાણ વાગવાથી ભગવાન કૃષ્ણએ પોતાની જીવન લીલા સંકેલીને સ્વધામ ગમન કર્યું. આ બાદ અર્જુને હિરણ નદીના કાંઠે બલરામજી અને ભગવાન કૃષ્ણના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કર્યા. આથી આ સ્થળ દેહોત્સર્ગ તીર્થથી ખ્યાત થયું. અહીં ભગવાન કૃષ્ણની ચરણ પાદુકા આવેલી છે સાથે જ ગીતા મંદિર અને વલ્લભાચાર્યજીની 65મી બેઠક આવેલી છે.