સ્પેશિયલ ફિચર્સ

ગુજરાતી ગઝલના જનક બાલાશંકર કંથારિયા

સર્જકના સથવારે -રમેશ પુરોહિત

ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે
ગણ્યું જે પ્યારું પ્યારા એ અતિ પ્યારું
ગણી લેજે..
ગુજરાતીઓના હૈયે અને હોઠ વસી ગયેલો આ શેર હવે તો કહેવત બની ગયો છે. જોકે, એના કવિ કોણ છે એની ભાગ્યે જ કોઈને ખબર છે.. આ જે ગઝલનો શેર છે એ આજથી ૧૪૦ વર્ષ પહેલાં લખાઈ હતી અને ગઝલના આદ્યકવિ બાલાશંકર કંથારિયાએ લખી હતી.

કવિની ૧૬૬મી વર્ષગાંઠ હમણાં જ ગઈ. ગુજરાતી ગઝલના જનક બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયાનો જન્મ ગોવર્ધનરામ ત્રિપાઠીની સાક્ષરભૂમિ નડિયાદમાં ૧૭ મે ૧૮૫૮માં થયો હતો. આપણને ગુજરાતની ધરતી પર ઉર્દૂભાષાના પ્રથમ કવિ વલી ગુજરાતી હતા તેની જાણ નથી, પણ એ હકીકત છે. આમ ગુજરાતમાં પ્રથમ ઉર્દૂ ગઝલ અને પછી ગુજરાતી ગઝલ આવી. શરૂઆતમાં ઉર્દૂનું આધિપત્ય રહ્યું, પણ ગુજરાતી ભાષામાં સાંગોપાંગ ગઝલ કહેવાનું કામ પહેલી વખત ‘બાલ’ ઉપનામે લખતા બાલાશંકરે કર્યું.

બાલાશંકરને નાનપણથી કવિતામાં રસ હતો. એમણે સૌ પ્રથમ ‘ભારતી ભૂષણ’ સામયિક શરૂ કર્યું અને તેમાં પ્રથમ ગઝલ છાપી. આ ગઝલ ૧૯૮૫માં પ્રગટ થઈ હતી તેથી ગુજરાતી ભાષામાં ગઝલ યુગનો પ્રારંભ કહી શકાય. આ પ્રથમ ગઝલની ભાષા તે વખતના ઉર્દૂ મંડિત ભાવજગતમાંથી આવે છે, છતાં સરળતાથી સમજાય એવી છે. થોડાક શેર જોઈએ: શીર્ષક છે ‘દીઠી નહીં’.
બલિહારી તારા અંગની, ચંબેલિમાં દીઠી નહીં
સખ્તાઈ તારા દિલની, મેં વ્રજમાં દીઠી નહીં
એક દિન તે અલકાવલીમાં દીઠી’તી મુખની છબી
પણ ગુમ થઈ ગૈ તે ગુમાની, ત્યાર થી દીઠી નહીં
બાગમાં અનુરાગમાં કે પુષ્પના મેદાનમાં
ખોળી તને આતુર આંખે તોય મેં દીઠી નહીં
કવિ દલપતરામ પાસેથી બાલાશંકર કાવ્યશાસ્ત્ર શીખ્યા હતા અને તેથી જ પોતાને દલપતરામના પદ-રજ-સેવક ગણાવતા હતા.

આપણાં આ પ્રથમ ગઝલકાર કવિએ ગુજરાતને ઘણું આપ્યું છે. એમણે ‘કલાન્ત કવિ’ નામનો કાવ્યસંગ્રહ ૧૮૮૫માં આપ્યો. વર્ષો પછી સમર્થ કવિ ઉમાશંકર જોશીએ બાલાશંકરની બધી રચનાઓનું સંપાદન કરી આ ગ્રંથને નવો જન્મ આપ્યો.એને ‘ગુજરાત સાહિત્ય સભા’એ પ્રગટ કર્યો.

એ વખતના કવિઓ સંસ્કૃતના જાણકાર હતા. એમણે રાજશેયર રચિત સંસ્કૃત કાવ્ય ‘કર્પૂર મંજરી’, શુદ્રક રચિત ‘મૃચ્છકટિક’ નાટક, હરિશ્ર્ચંદ્ર ભારતેન્દુ રચિત હિન્દી નાટક ‘ચંદ્રાવણી’ અને ફારસી ગ્રંથ ‘દીવાન-એ-હાફિઝ’ વગેરેમાંથી અનુવાદ કર્યાં હતા.

બાલાશંકરની આપણે જે ગઝલ ટાંકી છે તે ગઝલ આ
પ્રમાણે છે:
ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.
દુનિયાની જૂઠી વાણી વિશે જો દુ:ખ વાસે છે
જરાયે અંતર આનંદ ના ઓછો થવા દે જે.
કચેરી માંહી કાજીનો નથી હિસાબ કોડીનો
જગત કાજી બનીને તું વહોરીના પીડા લેજે.
કવિ રાજા થયો શી છે પછી પીડા તને કાંઈ?
નિજાનંદે હંમેશાં બાલ મસ્તીમાં મઝા લેજે.
બાલાશંકરે જીવન દરમિયાન કુલ ત્રણ સામયિક શરૂ કર્યાં હતાં. ‘ભારતી ભૂષણ’-‘કૃષ્ણ મહોદય’ અને ‘ઈતિહાસ માલા’. આ ઉપરાંત એમણે ‘બુદ્ધિ પ્રકાશ’નું સંપાદન કર્યું હતું. ‘ગુજરાત વર્નાકયુલર સોસાયટી’માં મંત્રી તરીકે પ્રશસ્ય કામગીરી બજાવી હતી.
એમની બીજી જાણીતી રચના માણીએ:
જિગરનો ચાર જુદો તો બધો સંસાર જુદો છે.
બધા સંસારથી એ યાર, બેદરકાર જુદો છે
અરે શું જાણશે લજજત, પવિત્રીમાં પડી રહેતાં
પ્રિયાની પ્યાલીની મસ્તી તણો, કંઈ બહાર જુદો છે
ગણુંના રાવ રાયાને, ગણું ના આખી દુનિયાને,
પરંતુ જાન આ પર પ્યારીનો, અખત્યાર જુદો છે
ગુરુ આદેશ છે અમને અવળ પંથે પળ્યા જઈએ
દુનિયાથી પછી આ બાલ બેદરકાર જુદો છે
હરીન્દ્ર દવેએ ‘મધુવન’ની પ્રસ્તાવનામાં બાલાશંકર અને કલાપી પછી પાંચ મુખ્ય ગઝલકારને પાયાનું કામ કરનારા ગણ્યા છે, તે છે શયદા, સગીર, નસીમ, સાબિર અને મજનૂ. આપણે આવા પાયાના સર્જકો પાસે જઈશું. ઘાયલ સાહેબે સાચ્ચે જ કહ્યું છે:
ભૂલી ગયા દટાયો છું
હુંય આ ઈમારતનો પાયો છું.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker