સ્પેશિયલ ફિચર્સ

સ્ત્રી સંપૂર્ણ સુરક્ષિત હોય એવો જગતમાં કોઈ ખૂણો ખરો?

કેન્વાસ -અભિમન્યુ મોદી

જાહેર માન્યતા પ્રમાણે જો સૌથી જૂનો વ્યવસાય વેશ્યાવૃત્તિનો હોય તો સૌથી પહેલો ગુનો પણ બળાત્કારનો હોવો જોઈએ. મનુષ્યની અંદર રહેલી આ સહજ જન્મજાત વિકૃતિ છે. જેના દામ લાગે એને મફતમાં ઝડપી લેવાની વૃત્તિ. એ વૃત્તિને દુર્બુદ્ધિનું બળ મળે એટલે ગુનો બને.

માણસ વાંદરામાંથી મનુષ્ય બન્યો પણ બળાત્કારનો ગુનો ન બદલાયો. બળાત્કારની ઘટના વાંદરા પ્રજાતિમાં પણ જોવા મળે છે. બળાત્કારની વૃત્તિ માણસના લોહીમાં પરાપૂર્વથી વહે છે. પેઢી દર પેઢી આનુવંશિક દુર્ગુણરૂપે બળાત્કાર પ્રસરતો રહ્યો છે.

મનુષ્યસમાજ એવી કોઈ સિસ્ટમ શોધી શક્યો નથી, જેના લીધે સરેરાશ મનુષ્યના મનના ઊઠતા વિકારોને શમાવી શકાય. બળાત્કાર કરવાની ઊઠતી ઈચ્છાને દાબી શકાય એવા સંસ્કાર પુરુષમાં રોપી શકાતા નથી. માટે જ દર કલાકે દેશમાં અને દરેક મિનિટે દુનિયામાં ક્યાંક ને ક્યાંક બળાત્કાર થતા રહે છે, જેમાંથી ૯૦ પ્રતિશતથી વધુ અત્યાચારો પુરુષો દ્વારા સ્ત્રીઓ ઉપર થાય છે.

કોલકાતામાં થયું. બેંગલૂરુમાં થયું. મહારાષ્ટ્રમાં થયું. જઘન્ય કિસ્સાઓ બનતા રહે છે આ આપણા દુર્ભાગ્ય છે. થોડા વર્ષો પહેલા હૈદરાબાદમાં એક વેટરનરી ડોક્ટર ઉપર અમાનુષી અત્યાચાર થયો હતો.
જાનવર કરતાં પણ બદતર એવા હલકા ચાર આરોપીએ સામૂહિક બળાત્કાર કરીને એ મહિલાને બાળી મૂકી હતી. અપરાધીઓ ઝડપાયા અને કેસ હજુ કોર્ટ સુધી પહોંચે-ન્યાય તોળાય એ પહેલાં જ તેલંગણા પોલીસે અપરાધીઓનું એન્કાઉન્ટર કરી નાખ્યું. આવા રાક્ષસો જે સજાને લાયક હતા એવી જ સજા એમને ઈન્સ્ટંટ-તાબડતોબ મળી.
કોર્ટના ધક્કા, પોલીસ કસ્ટડીમાં જલસા, આરોપો ને પ્રતિઆરોપો, રાષ્ટ્રપતિ પાસે યાચિકા અરજી વગેરેમાં જે વર્ષો જાય એના કરતાં પોલીસે બંદૂકની ગોળીથી ફેંસલો લાવી દીધો, પણ દરેક કેસમાં આવું થતું નથી.

વિશ્ર્વ આખામાં સૌથી વધુ છૂટછાટ ધરાવતો અને એબ્સોલ્યુટ ફ્રીડમમાં માનતો હોય તેવી છાપ બધાના મનમાં સફળતાપૂર્વક ફેલાવનાર દેશ એટલે અમેરિકા. આ જગત જમાદાર દેશે મિડલ-ઈસ્ટના દેશોથી લઇને અફઘાનિસ્તાન લગી દાયકાઓ સુધી લશ્કરી દખલગીરી કરી છે અને પોતાના કાયમી મિલિટરી બેઝ સ્થાપ્યા છે.
જગતની ટોપ-૩માં આવતી સૌથી શક્તિશાળી આર્મી ધરાવતા અમેરિકાના લશ્કરની ક્રૂર હકીકત એ છે કે ઈરાક અને અફઘાનિસ્તાનની જમીન ઉપર અમેરિકન સ્ત્રી સૈનિકને પહેલો ખતરો દુશ્મનની ગોળીનો નહિ, પણ પોતાના જ સહસૈનિક પુરુષ અમેરિકન સૈનિક તરફથી રહેતો. જેટલી અમેરિકન સૈનિક સ્ત્રીઓને ગોળી નથી વાગી તેનાથી વધુ વખત અમેરિકન સોલ્જરો દ્વારા એમના પર બળાત્કારો થયા છે.

સૌથી વધુ મોર્ડન-લિબરલ ગણાતા દેશના નાગરિકોની જો આ હાલત હોય તો આફ્રિકા કે નાઉરુની વાત શું કરવી? આપણા દેશમાં વર્ષો પહેલા ઉન્નાવમાં એક સ્ત્રી ઉપર બળાત્કાર થાય છે અને તેમાં સંડોવાયેલા આરોપી બળાત્કારો સમાજમાં એક ચોક્કસ માન મરતબો ધરાવે છે. કહેવાતા ધર્મસ્થાનોમાં દિવસો સુધી ગેંગરેપ થયા કરે છે અને વિકૃતિની આપણને પરાકાષ્ઠા જેવા-જાણવા મળે છે.

એ ખાસ યાદ રાખજો કે આ બધા એ સમાચાર છે જે બહાર આવે છે અને આપણા સુધી પહોંચે છે. બાકી દર કલાકના કેટલા બળાત્કારો થાય છે તેના આંકડા આપણને સૌને ખબર છે. હવે નિરક્ષરતા ઘટતી જાય છે.

મહદ અંશે બધા પ્રાથમિક શિક્ષણ મેળવીને બેઠા છે. સમાજના કહેવાતા મોભીઓ, નેતાઓ કે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ બળાત્કારી બની શકે છે ત્યારે વિચારવાનું એ રહ્યું કે માનવસમુદાય તરીકે આપણે સદંતર નિષ્ફળ નીવડ્યા છીએ. આવા નરાધમો માટે તો રાક્ષસ કે દાનવ શબ્દ પણ ટૂંકો પડે. (વાંચો આપણા શાસ્ત્રો, દાનવો આટલા બધા ખરાબ હતા ખરા?)

આપણા દેશમાં આટઆટલા મંદિરો-સ્થાનકો-દેરાસરો-મસ્જિદો-ગુરુદ્વારાઓ-ચર્ચ જેવા અનેક ધર્મસ્થાનકો મોટી સંખ્યામાં હોવા ઉપરાંત સાધુ-સંતો-ઓલિયા-ફકીરોની મોટી ફોજ હોવા છતાં કેમ સમાજની વધતી જતી આ બીમારીમાં કેમ બ્રેક નથી લાગતી?

સોશિયલ મીડિયા, ગ્લોબલ પ્લેટફોર્મ માણસને કોઈને કોઈ રીતે જ્ઞાન આપે છે. દુનિયા નાની બનતી જાય છે શરમના માર્યા પણ વ્યક્તિને ખરાબ કામ કરતાં અટકાવે છે-તો ય કેમ ઇન્ટરનેટની સ્પિડ કરતાં વધુ ઝડપે વિકૃતિ પ્રસરી રહી છે?

આવા બનાવ સતત બનતા રહે પછી એ સ્વીકારવું રહ્યું કે આપણે શોધેલી બધી વ્યવસ્થા અને સંસ્થાઓ નિષ્ફળ નીવડી છે. એજ્યુકેશન સિસ્ટમ સરિયામ ફેઈલ ગઈ છે. બાળઉછેર હોય કે સંસ્કાર સિંચન-કશું સફળ નથી.

જાહેરમાં ફાંસી આપવાના પ્રયોગો અમુક આરબ દેશોમાં થયા. શું ત્યાં ક્રાઈમ રેટ અટકી ગયો? ચાઈના-અમેરિકા જેવા દેશોમાં કાયદાઓ ખૂબ કડક થયા, ત્યાં શું સ્ત્રીઓને સમાન હકો આદર સાથે મળવા મંડ્યા? નિર્ભયા જેવા રેપ-મર્ડરના અત્યંત ઘૃણાસ્પદ કિસ્સાઓ બંધ થવાનું નામ નથી લેતા. કેમ? કારણ કે પ્રજામાં ખૌફ નથી કે બળાત્કાર કરશું તો આ સિસ્ટમ જિંદગી દોજખ કરી નાખશે.

વીસેક લાખ જેટલી જર્મન સ્ત્રીઓ પર બળાત્કાર સીતેર વર્ષ પહેલા જ પાંચેક વર્ષના ગાળામાં આપણા એશિયનો દ્વારા થયા હતા. દર ત્રીજો સાઉથ આફ્રિકન પુરુષ રેપિસ્ટ છે એવું સત્તાવાર આંકડા કહે છે.

આટલું જાણ્યા પછી આપણે કહી શકશું જગતનો કયો ખૂણો એવો છે જ્યાં સ્ત્રીને સંપૂર્ણ સુરક્ષા, પૂર્ણતયા હકો અને પૂરતા માન-સમ્માન-આદર મળે છે?!

Show More

Related Articles

Back to top button
આ એક્ટ્રેસ છે એટલી પૈસાદાર કે ખરીદી શકે છે શાહરુખના મન્નત જેવા 23 બંગલા… પુત્રવધુને સન્માન આપતા નીતા અંબાણી પાસેથી શીખો ભાદરવાની પૂર્ણિમા પર કરો આ કામ, ખુલી જશે ધનના માર્ગ આજે શ્રીહરિ બદલશે પાસું, આ ચાર રાશિના જાતકો માટે શરૂ થશે Golden Period…