ટ્રેનમાં આ રીતે મંગાવો સ્વાદિષ્ટ ભોજન! આઈઆરસીટીસીએ શરૂ કરી નવી સેવા, જાણો સંપૂર્ણ વિગત…

નવી દિલ્હીઃ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે ખુશીના સમાચાર આવ્યાં છે. હવે મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરો માટે IRCTC (Indian Railway Catering and Tourism Corporation) દ્વારા એક ઉત્તમ અને સુવિધાજનક સેવા શરૂ કરવામાં આવી છે. આ ઈ-પેન્ટ્રી સેવા દ્વારા હવે ટ્રેનની સીટ પર જ મુસાફરોને સ્વચ્છ, નિશ્ચિત કિંમત અને સમયસર ભોજન પૂરું પાડવામાં આવશે. આ પહેલા ખોરાક માટે ઓનલાઈન બુકિંગ સુવિધા (IRCTC food order tracking service) માત્ર પ્રીમિયમ ટ્રેનોમાં જ ઉપલબ્ધ હતી. હવે આ સુવિધા મેલ અને એક્સપ્રેસ ટ્રેનો (Mail and Express Trains)માં પણ શરૂ કરવામાં આવી છે. જેથી મુસાફરોને ઘણો ફાયદો થવાનો છે.
IRCTC દ્વારા શરૂ કરાઈ ડિજિટલ ભોજન બુકિંગ સુવિધા
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ઇ-પેન્ટ્રી એ IRCTC દ્વારા શરૂ કરાયેલ ડિજિટલ ભોજન બુકિંગ સુવિધા છે, જે મેઇલ/એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરોને તેમની જગ્યા પર ભોજન સુવિધા પૂરી પાડે છે. કન્ફર્મ્ડ, RAC અથવા આંશિક કન્ફર્મ્ડ ટિકિટ ધરાવતા મુસાફરો આ સેવાનો લાભ લઈ શકે છે. આ સેવા તે ટ્રેનોમાં લાગુ પડશે જેમાં પેન્ટ્રી કાર ઉપલબ્ધ છે. ચાલો તેની સંપૂર્ણ જાણકારી મેળવીએ…
ઇ-પેન્ટ્રી સેવાની મુખ્ય વિશેષતાઓ કઈ કઈ છે?
આ સેવામાં તમે ખોરાક ઓનલાઈન બુક કરી શકો છે. તમે વેબસાઇટ દ્વારા સ્ટાન્ડર્ડ મીલ અથવા રેલ નીર પ્રી-બુક કરી શકો છો. આના માટે તમારે ઓનલાઈન રૂપિયા આપવાના રહેશે. સારી વાત એ પણ છે કે, આ ભોજન માટે તમારે વધારાનો કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં. ફક્ત IRCTC લાઇસન્સ પ્રાપ્ત વિક્રેતાઓ જ ખોરાક પહોંચાડશે. MVC કોડ ઓળખની પુષ્ટિ કરે છે અને ખોરાક યોગ્ય મુસાફર સુધી પહોંચે છે. દરેક ઓર્ડર અને ટેક્સ પાલનનું ડિજિટલ મોનિટરિંગ પણ કરવામાં આવશે. જો સમયસર ભોજન નહીં આવે તો રિફંડ આપવામાં આવશે. દરેક પ્રકારની માહિતી SMS/ઈમેલ/વોટ્સએપ પર આપવામાં આવશે.
આ સેવાનો ઉપયોગ કેવી રીતે કરવો?
ટિકિટ બુક કરતી વખતે અથવા બુક કરેલ ટિકિટ ઇતિહાસ સેક્સનમાં જઈને ઇ-પેન્ટ્રી વિકલ્પ પસંદ કરવાનો રહેશે. બુકિંગ કર્યા પછી તમને SMS અથવા ઇમેઇલ દ્વારા મીલ વેરિફિકેશન કોડ (MVC) મળશે. મુસાફરીના દિવસે, MVC કોડ બતાવીને તમે તમારી સીટ પર ભોજન મંગાવી શકશો.
આપણ વાંચો: Bank Holiday: જૂન મહિનામાં છે મુખ્ય 3 તહેવાર, જાણો બેંકના કર્મચારીઓને મળશે કેટલી રજાઓ
પાયલોટ લોન્ચ અને ભવિષ્યની યોજનાઓ
આ સેવા ભારતની સૌથી લાંબી અંતરની ટ્રેન વિવેક એક્સપ્રેસ (22503/04) થી શરૂ કરવામાં આવી છે. આગામી 60 દિવસમાં, તે 25 વધુ ટ્રેનો (100 રેક્સ) માં લાગુ કરવામાં આવશે. તેની સફળતા પછી, તે દેશભરની અન્ય મેઇલ/એક્સપ્રેસ ટ્રેનોમાં પણ શરૂ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સેવાના કારણે મુસાફરોને ઘણો ફાયદો થવાનો છે.