હત્યાના એક દિવસ પહેલા જ ઈન્દિરા ગાંધીએ જાહેરસભામાં કહ્યું હતું કે…

આજે એટલે કે 31 ઓક્ટોબર 1984ના રોજ ભારતના ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીની તેમના અંગરક્ષકો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડ પછી દેશ સ્તબ્ધ થઈ ગયો હતો. ઈન્દિરા ગાંધીની હત્યા પહેલા અને પછી દેશમાં ઘણું બન્યું.
જોકે કહેવાય છે કે ઘણા લોકોની છઠ્ઠી ઈન્દ્રિય તેમને અમુક ઘટનાઓનો અંદેશો આપી દેતી હોય છે. ઈન્દિરા ગાંધીને પણ કદાચ તેમનાં મૃત્યુનો અગાઉથી ખ્યાલ હતો કારણ કે હત્યાના એક દિવસ પહેલા એટલે કે 30મી ઓક્ટોબરે ભુવનેશ્વરમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું હતું કે, આજે હું જીવિત છું, કાલે કદાચ હું જીવિત નહીં હોઉં. મને આની પરવા નથી. હું લાંબુ જીવન જીવી છું. મને એ વાતનો ગર્વ છે કે મેં મારું જીવન લોકોની સેવામાં વિતાવ્યું છે. હું મારા છેલ્લા શ્વાસ સુધી લોકોની સેવા કરતી રહીશ અને મારા લોહીનું દરેક ટીપું ભારતને મજબૂત કરશે.
પંજાબ અને ઑપરેશન બ્લુ સ્ટારની પરિસ્થિતિ પછી કદાચ ઈન્દિરાને અહેસાસ થઈ ગયો હતો કે તેમનો જીવ જોખમમાં છે પણ તેમને લગભગ ખબર નહોતી કે જે લોકોને મારા જીવની રક્ષા કરવા રાખ્યા હતા તેઓ જ જીવ લઈ લેશે.
ઈન્દિરા ગાંધીની હત્યામાં બે લોકોનો સીધો હાથ હતો. પ્રથમ બિઅંત સિંહ અને બીજા સતવંત સિંહ. જેમાં જવાબી ગોળીબારમાં બિઅંત સિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે સતવંત સિંહની સારવાર બાદ ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તપાસ કરવામાં આવી અને કેટલાક વધુ નામો સામે આવ્યા. કેહર સિંહ અને બલબીર સિંહ, જેમાંથી કેહર સિંહ બિઅંત સિંહના સંબંધી હતા.
તે સમયમાં મળતા અહેવાલો અનુસાર પોલીસના જણાવ્યા અનુસાર ઈન્દિરા ગાંધીની હત્યા પહેલા સતવંત સિંહ અને બિઅંત સિંહે તેમની ફરજ બદલી હતી. 30 ઓક્ટોબરના રોજ સતવંત સિંહે એક કોન્સ્ટેબલને કહ્યું હતું કે મને પેટમાં તકલીફ છે અને તમારી જગ્યા પાસે શૌચાલય છે. એમ કહીને તેણે ફરજોની આપ-લે કરી હતી અને બિઅંત સિંહને રાત્રિની ડ્યુટી સોંપવામાં આવી હતી અને તેણે બહાનું બનાવીને દિવસની ડ્યુટી પણ કરાવી હતી.
31 ઑક્ટોબરની સવારે જ્યારે ઈન્દિરા ગાંધી બહાર આવ્યા ત્યારે બિઅંત સિંહે તેમની સર્વિસ રિવોલ્વરથી તેમના પર ગોળીબાર કર્યો હતો. આ પછી ઈન્દિરા ગાંધી જમીન પર પડી ગયા. આ પછી, બિઅંત સિંહ સતવંત સિંહ પર બૂમો પાડે છે અને કહે છે, તમે શું જોઈ રહ્યા છો બંદૂક ચલાવો. આ સાંભળીને સતવંત સિંહ પણ જમીન પર પડેલાં ગયેલી ઈન્દિરા ગાંધી પર ગોળીઓ ચલાવવાનું શરૂ કરે છે. તે બાદ તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવે છે, પણ તેઓ રસ્તામાં જ…
કેવો સંયોગ છે આજે ભારતના લોખંડી પુરુષ તરીકેનું બિરૂદ પામનાર સરદાર પટેલનો જન્મદિવસ છે જ્યારે દેશનાં પહેલાં અને એક માત્ર મહિલા વડાં પ્રધાન અને લોખંડી મહિલાનું બિરૂદ પામનાર ઈન્દરા ગાંધીની પુણ્યતિથી. દેશનું સૌથી મહત્વનું અને ઊંચું પદ મહિલા પણ સફળતાપૂર્વક સંભાળી શકે છે તે સાબિત કરનાર ભારતના આ જાંબાઝ મહિલાને દેશ આજે પણ યાદ કરે છે.