સ્પેશિયલ ફિચર્સ

ભારતીયો ખોરાક પર ઓછો, તમાકુ પર વધુ ખર્ચ કરે છે

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન (NSO) ના નવીનતમ અહેવાલ દર્શાવે છે કે ભારતીય પરિવારોના માસિક ખર્ચ અને વપરાશની પેટર્ન બદલાઈ રહી છે. ખાદ્યપદાર્થો અને શિક્ષણ પરના ખર્ચમાં ઘટાડો થયો છે, ત્યારે તબીબી ખર્ચ, વાહનવ્યવહાર, ભાડું અને પાન, તમાકુ, નશા જેવી બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ પરના ખર્ચમાં વધારો થયો છે. ડેટા દર્શાવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં આ વસ્તુઓ પરનો ખર્ચ 2011-12માં 3.21 ટકાથી વધીને 2022-23માં 3.79 ટકા થયો છે. તેવી જ રીતે, શહેરી વિસ્તારોમાં, ખર્ચ 2011-12માં 1.61 ટકાથી વધીને 2022-23માં 2.43 ટકા થયો હતો. એક અપવાદ સિવાય, ગ્રામીણ અને શહેરી બંને પરિવારોના ખર્ચ અને વપરાશની પેટર્ન લગભગ સમાન છે. શહેરી પરિવારોમાં ઈંડા, માછલી અને માંસ પર ખર્ચ કરવાનો ટ્રેન્ડ ગ્રામીણ પરિવારોની સરખામણીમાં ઘટ્યો છે, જ્યાં તેમાં નજીવો વધારો થયો છે.

ઓગસ્ટ 2022 થી જુલાઈ 2023 દરમિયાન હાથ ધરવામાં આવેલ ઘર વપરાશ ખર્ચ સર્વેક્ષણનો વિગતવાર અહેવાલ સરકારે હજુ સુધી જાહેર કર્યો નથી. લગભગ એક દાયકા પછી આવો સર્વે બહાર પાડવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે સરકારે અગાઉ NSOના 2017-18ના અહેવાલને “ડેટા ગુણવત્તા”ના અભાવને ટાંકીને જંક કરી દીધો હતો, જોકે વિવેચકો કહે છે કે “પ્રતિકૂળ તારણો” ને કારણે તેને જાહેર કરવામાં નહોતો આવ્યો. અગાઉના અહેવાલમાં દર્શાવવામાં આવ્યું હતું કે છેલ્લા ચાર દાયકામાં પ્રથમ વખત ઘરના ખર્ચમાં ઘટાડો થયો છે.

તાજેતરનો NSO રિપોર્ટ દર્શાવે છે કે ગ્રામીણ અને શહેરી ભારતે છેલ્લા એક દાયકામાં ખાદ્ય વપરાશ પરના ખર્ચમાં ઘટાડો કર્યો છે અને બિન-ખાદ્ય ચીજો પરના ખર્ચમાં વધારો કર્યો છે. 2011 માં, શહેરી ભારત તેના માસિક ખર્ચના 42.6% ખોરાક પર ખર્ચ કરતું હતું, જે ઘટીને 39% થઈ ગયું. ગ્રામીણ ભારતમાં, ખોરાક પરનો ખર્ચ 52.8% થી ઘટાડીને 46.38% કરવામાં આવ્યો હતો.

શિક્ષણ પર ખર્ચનું પ્રમાણ 2022-23માં શહેરી વિસ્તારોમાં ઘટીને 5.78 ટકા થયું છે જે 2011-12માં 6.90 ટકા હતું. ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રમાણ 2011-12માં 3.49 ટકાથી ઘટીને 2022-23માં 3.30 ટકા થઈ ગયું છે.

સર્વેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે 2022-23માં શહેરી વિસ્તારોમાં પીણાં અને પ્રોસેસ્ડ ફૂડ પરનો ખર્ચ વધીને 10.64 ટકા થયો છે જે 2011-12માં 8.98 ટકા હતો. ગ્રામીણ વિસ્તારોમાં પીણાં અને પ્રોસેસ્ડ ફૂડ પરનો ખર્ચ 2011-12માં 7.90 ટકાથી વધીને 2022-23માં 9.62 ટકા થયો હતો.

શહેરી વિસ્તારોમાં વાહનવ્યવહાર પરનો ખર્ચ પણ 2011-12માં 6.52 ટકાથી વધીને 2022-23માં 8.59 ટકા થયો હતો. ગ્રામીણ વિસ્તારોમાં વાહનવ્યવહાર પરનો ખર્ચ 2011-12માં 4.20 ટકાથી વધીને 2022-23માં 7.55 ટકા થઈ ગયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button