ભારતના આ નાનકડા ગામડામાં રહે છે રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, કલેક્ટર… નવેમ્બરમાં કરશે મતદાન
બૂંદીઃ રાજસ્થાનમાં 25મી નવેમ્બરના મતદાન થવા જઈ રહ્યું છે અને જ મતદાનમાં રાજ્યપાલ, રાષ્ટ્રપતિ, કલેક્ટરને, રાજ્યપાલ વગેરે મતદાન કરશે. હવે તમે વિચારી રહ્યા હશો કે રાષ્ટ્રપતિનો રાજસ્થાન ચૂંટણી સાથે વળી શું સંબંધ? તો તમારું કન્ફ્યુઝન દૂર કરી દઈએ કે આ બધા વ્યક્તિઓના નામ છે કોઈ હોદ્દાની વાત નથી થઈ રહી અહીંયા. ચાલો વિસ્તારથી જાણીએ આખી સ્ટોરીને…
રાજસ્થાનના બૂંદી જિલ્લાના મુખ્યાલયથી 10 કિલોમીટર દૂર આવેલું છે રામ નગર. રામનગરની કુલ વસતી પાંચ હજારની છે અને એમાંથી પણ બે હજાર મતદાતા તો કંજર આદિવાસી સમુદાયમાંથી આવે છે અને આ જ સમુદાયમાં કોઈનું નામ રાજ્યપાલ છે તો કોઈનું નામ રાષ્ટ્રપતિ…
આવા વિચિત્ર નામ રાખવા પાછળના ઈતિહાસમાં ડોકિયું કરીએ તો એનું કારણ છે જટિલ સામાજિક ઈતિહાસ. રિપોર્ટ અનુસાર બ્રિટીશ શાસન દરમિયાન કંજર આદિવાસીઓનો સમાવેશ ભટકતી જનજાતિમાં કરવામાં આવે છે. સ્થાનિક કંજર બાલક દાસના જણાવ્યા અનુસાર સમુદાયના કેટલાક લોકો ક્રાઈમ અને અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા.
આઝાદી બાદ ભારત સરકારે બ્રિટીશકાળના કાયદાને પાછો ખેંચી લીધો હતો, પરંતુ પરિસ્થિતિમાં ખાસ કંઈ ફેર પડ્યો નહીં. સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે જો કેટલાક લોકો કાયદો તોડે છે તો આખી કમ્યુનિટીને ગુનાખોરની દ્રષ્ટિએ જોવા મળે છે. આ પ્રકારની નિંદાથી બચવા માટે જ અમુક લોકોએ એવા નામ રાખ્યા કે જેને લોકો સન્માનની દ્રષ્ટિએ જુએ છે.
આ પહેલાં યોજાયેલી ચૂંટણીમાં આ ગામમાંથી આઈજી, એસપી અને તહેસીલદાર નામના મતદાતાઓએ પણ મતદાન કર્યું હતું. જોકે, હવે આ બધાનું નિધન થયું હતું. શરૂઆતમાં તો આ લોકોએ દુરદર્શન જોઈને નામ રાખ્યા હતા, કારણ કે એ સમયે ટીવી મીડિયાનું એક માત્ર માધ્યમ હતું. જોકે હવે આ ગામમાં પણ ઈન્ટરનેટ અને કેબલ પહોંચી ગયું છે. આ ગામમાં એક શાળા છે જેમાં 620 વિદ્યાર્થીઓ ભણે છે અને ગામના સાત લોકોએ સરકારી કર્મચારી પણ બની ગયા છે.