એક જ પીએનઆર પર બુક થયેલી વેઇટિંગ લિસ્ટની ટિકિટ પર પ્રવાસીઓ પ્રવાસ કરી શકે? જાણો રેલવેનો નવો નિયમ…
સ્પેશિયલ ફિચર્સ

એક જ પીએનઆર પર બુક થયેલી વેઇટિંગ લિસ્ટની ટિકિટ પર પ્રવાસીઓ પ્રવાસ કરી શકે? જાણો રેલવેનો નવો નિયમ…

ભારતીય રેલવે (India Railway)ની ટ્રેનોમાં દરરોજ કરોડો પ્રવાસીઓ પ્રવાસ કરે છે અને એનું કારણ છે આ ટ્રેનની વાજબી અને પોષાય એવી મુસાફરી. આપણામાંથી પણ અનેક લોકોએ ક્યારેકને ક્યારેક કોઈને કોઈ કારણે ટ્રેનમાં મુસાફરી કરી જ હશે ને?

ઘણી વખત એવું બને છે કે તમે પાંચ ટિકિટ બુક કરાવો છો અને તેમાંથી ત્રણ ટિકિટ કન્ફર્મ થાય છે અને બે ટિકિટ વેઈટિંગ લિસ્ટમાં રહે છે તો આવી સ્થિતિમાં વેઈટિંગ ટિકિટવાળા પ્રવાસીઓ ટ્રેનમાં પ્રવાસ કરી શકે છે કે નહીં? ચાલો તમને આ વિશે જણાવીશું…

ભારતીય રેલવે દુનિયાનું ચોથા નંબરનું વ્યસ્ત અને વિશાળ કહેવાતું રેલવે નેટવર્ક છે. જો તમે પણ રેલવેમાં મુસાફરી કરી હશે તો તમને ખ્યાલ હશે કે આપણે ઘણી વખત ટિકિટ બુક કરાવીએ તો તેમાંથી અમુક જ ટિકિટ કન્ફર્મ થાય છે. ઉદાહરણ તરીકે તે છ ટિકિટ બુક કરાવી છે તો તેમાંથી ત્રણ ટિકિટ કન્ફર્મ થાય છે અને ત્રણ ટિકિટ વેઈટિંગ લિસ્ટમાં રહે છે.

આવી સ્થિતિમાં વેઈટિંગ લિસ્ટવાળા પ્રવાસીઓ ટ્રેનમાં પ્રવાસ કરી શકે કે નહીં? એવો સવાલ થાય એ સ્વાભાવિક છે. આજે અમે અહીં આ માટેના રેલવેના નિયમ વિશે તમને જણાવીશું.

રેલવેના નિયમ અનુસાર જ્યારે તમે ટિકિટ બુક કરાવો છો ત્યારે એક જ પીએનઆર નંબર જનરેટ થાય છે અને આ નંબર પર જ ટિકિટની પેસેન્જર સંબંધિત તમામ માહિતી રજિસ્ટર્ડ થાય છે. એક પીએનઆર પર વધુમાં વધુ છ ટિકિટ કઢાવી શકાય છે. જેમાંથી કેટલીક ટિકિટ કન્ફર્મ થઈ શકે છે અને બાકીની ટિકિટ આરએસી કે પછી વેઈટિંગમાં રહી શકે છે.

પહેલાંના નિયમ અનુસાર જો તમે એક પીએનઆર પર કેટલીક ટિકિટ કન્ફર્મ અને કેટલીક ટિકિટ વેઈટિંગ લિસ્ટમાં રહે છે તો તમામ પ્રવાસીઓને ટ્રેનમાં પ્રવાસ કરવાની પરવાનગી હતી. વેઈટિંગ લિસ્ટવાળા પ્રવાસીઓને ભલે સીટ ના મળે પણ તેમને પ્રવાસ કરવાની પરવાનગી મળતી હતી. ટીટીઈ તેમને ટ્રેનમાંથી ઉતારતા નહોતા. પરંતુ હવે નિયમો બદલાયા છે.

આ પણ વાંચો…‘આધાર’ વેરિફાય થયું હશે તો જ રેલવેમાં રિઝર્વેશન, જાણો ક્યારથી નવો નિયમ અમલી બનશે

નવા નિયમ અનુસાર જો ત્રણ ટિકિટ કન્ફર્મ છે તો તેઓ કોઈ પણ મુશ્કેલી વિના પ્રવાસ કરી શકે છે. જો તમારી ટિકિટ આરએસી થઈ છે તો તમે ટ્રેનમાં ચડી શકો છો, પણ તમારે તમારી સીટ અન્ય કોઈ પ્રવાસી સાથે શેર કરવી પડશે.

પરંતુ વાત કરીએ વેઈટિંગલિસ્ટવાળા પ્રવાસીઓની તો તેઓ વેઈટિંગ ટિકિટ સાથે સ્લિપર કે એસી કોચમાં પ્રવાસ ના કરી શકે. આવી સ્થિતિમાં તેમણે સ્ટેશન પરથી જનરલ ટિકિટ ખરીદવી પડશે અને ટ્રેનમાં પ્રવાસ કરી શકશે.

જો તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવી છે તો આવી સ્થિતિમાં આઈઆરસીટીસી દ્વારા વેઈટિંગ ટિકિટને જાતે જ કેન્સલ કરે છે અને પૈસા તરત જ રિફન્ડ પણ થઈ જાય છે. તમારે ટિકિટ કેન્સલ નથી કરાવવી પડતી. કેન્સલ થયેલી ટિકિટનું રિફન્ડ 3-5 દિવસમાં તમારા ખાતામાં આવી જાય છે.

આ પણ વાંચો…તહેવારમાં નહીં પડે મુશ્કેલી: ગુજરાતથી બંગાળ અને દિલ્હી જવા માટે સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button