સ્પેશિયલ ફિચર્સ

ટ્રેનની આ સીટ છે સૌથી કમ્ફર્ટેબલ, પ્રવાસી કરે છે ખાસ રિક્વેસ્ટ, જાણી લો પછી કહેતાં નહીં કે કીધું નહોતું…

આજે આપણી પાસે ટ્રાવેલિંગ માટે અલગ અલગ ઓપ્શન ઉપલબ્ધ જેમ કે બસ, કાર, બાઇક, ટ્રેન કે પ્લેન. પરંતુ જ્યારે એક શહેરથી બીજા શહેર કે લાંબી મુસાફરીની વાત આવે છે, ત્યારે મોટાભાગના ભારતીયોની પહેલી પસંદ ટ્રેન જ હોય છે. ટ્રેનની મુસાફરી માત્ર આરામદાયક જ નથી, પણ તે યાદગાર પણ હોય છે.

ભારતીય રેલવે એ દુનિયાનું સૌથી વિશાળ અને વ્યસ્ત કહી શકાય એવા ચોથા નંબરનું રેલવે નેટવર્ક છે. તમે પણ ક્યારેકને ક્યારેક ટ્રેનમાં મુસાફરી કરી જ હશે, પરંતુ શું તમને ખબર છે કે ટ્રેનમાં સૌથી આરામદાયક સીટ કઈ હોય છે? કે પછી ટ્રેનની ટિકિટ બુક કરતી વખતે લોકો અમુક ચોક્કસ સીટ મેળવવા માટે જ કેમ આગ્રહ રાખે છે? ચાલો જાણીએ ટ્રેનના અલગ-અલગ કોચમાં કઈ સીટની સૌથી વધુ ડિમાન્ડ હોય છે અને તેની પાછળનું રસપ્રદ કારણો શું છે…

ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા જો તમને તમારી મનપસંદ સીટ મળી જાય, તો સફરનો આનંદ બેવડાઈ જાય છે. આજે અને અહીં તમને ટ્રેનની સૌથી વધુ કમ્ફર્ટેબલ હોય એવી અને ડિમાન્ડમાં હોય એવી સીટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

સ્લીપર કોચમાં આ સીટની છે બોલબાલા

ભારતમાં મધ્યમ વર્ગના લોકો સૌથી વધુ સ્લીપર કોચમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. આ કોચમાં લોઅર, મિડલ, અપર, સાઈડ લોઅર અને સાઈડ અપર એમ ૫ પ્રકારની સીટ હોય છે, પરંતુ લોઅર બર્થ સૌથી વધુ ડિમાન્ડમાં રહે છે. લોઅર બર્થમાં મોટી વિન્ડો મળે છે, જેનાથી બહારના નજારાનો આનંદ માણી શકાય છે. ઉપરાંત, વડીલો અને બાળકો માટે ચઢવા-ઉતરવામાં સરળતા રહે છે અને નીચે પગ રાખવા માટે પૂરતી જગ્યા મળે છે.

સેકન્ડ એસી કોચમાં સાઈડ લોઅર સીટ

જ્યારે વાત એસી કોચની આવે છે, ત્યારે લોકોની પસંદગી બદલાઈ જાય છે. 2AC માં લોકો અપર કે લોઅર બર્થ કરતા સાઈડ લોઅર સીટ વધુ માંગે છે. સાઈડ લોઅર સીટમાં મુસાફરને પોતાની પર્સનલ સ્પેસ મળે છે. અહીં પડદા હોવાને કારણે પ્રાઈવસી જળવાય છે અને બારીમાંથી એકાંતમાં બેસીને બહારનો વ્યુ જોઈ શકાય છે.

ચેરકાર કોચમાં ઈમર્જન્સી વિન્ડોનો ક્રેઝ

ભારતીય રેલવેની શતાબ્દી કે વંદે ભારત જેવી પ્રીમિયમ ચેર કાર ટ્રેનોમાં લોકો ઈમર્જન્સી વિન્ડોવાળી સીટ શોધતા હોય છે. આ પાછળના કારણ વિશે વાત કરીએ તો નોર્મલ વિન્ડોમાં સિક્યોરિટીના કારણ અનુસાર લોખંડના સળિયા હોય છે, પરંતુ ઈમર્જન્સી વિન્ડોમાં સળિયા હોતા નથી. જેના કારણે બહારનો નજારો એકદમ સ્પષ્ટ અને સુંદર દેખાય છે, જે ફોટોગ્રાફીના શોખીનો માટે શ્રેષ્ઠ છે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button