રાત્રે 10 વાગ્યા પછી TC ટિકિટ ચેક કરી શકે? જાણો રેલવેનો આ ખાસ નિયમ, પછી કહેતાં નહીં કે…

ભારતીય રેલવે (Indian Railway)ની ટ્રેનોમાં દરરોજ લાખો-કરોડો પ્રવાસીઓ પ્રવાસ કરે છે. ઈન્ડિયન રેલવે એ દુનિયાનું ચોથા નંબરનું સૌથી વ્યસ્ત અને વિશાળ કહી શકાય એવું નેટવર્ક છે. રેલવે દ્વારા પ્રવાસીઓના પ્રવાસ સુખદ અને આરામદાયક બને એ માટે અલગ અલગ નિયમ અને સુવિધાઓની જાહેરાત કરવામાં આવતી હોય છે. આજે અમે અહીં તમને રેલવેના આવા જ એક મહત્ત્વના નિયમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ નિયમ ટિકિટ ચેકિંગના સમય બાબતનો છે. ચાલો જોઈએ શું છે આ નિયમ…
તમારી સાથે પણ ઘણી વખત એવું બન્યું હશે કે રાતના સમયે ટ્રેનમાં ચઢ્યા બાદ તમારી આંખ લાગે અને ત્યારે જ ટિકિટચેકર આવીને ટિકિટ ચેક કરવા લાગે છે. આને કારણે પ્રવાસીઓની ઊંઘમાં ખલેલ પડે છે. પરંતુ શું તમને ખબર છે કે રેલવે દ્વારા આ બાબતે ચોક્કસ નિયમ બનાવવામાં આવ્યો છે? રેલવેના આ નિયમથી પ્રવાસીઓને રાહત થશે.
શું છે રેલવેનો નિયમ?
રેલવે દ્વારા બનાવવામાં આવેલા નિયમ અનુસાર રાતના 10 વાગ્યાથી લઈને સવારને 6 વાગ્યા સુધી ટિકિટ ચેકરને સ્લીપર કે એસી કોચમાં ટિકિટ ચેક કરવાની પરવાનગી નથી હોતી. રેલવે દ્વારા આ નિયમ એટલે બનાવવામાં આવ્યો છે, જેથી પ્રવાસીઓ શાંતિથી રાતના સમયે ઊંઘી શકે છે.
જો પ્રવાસી 10 વાગ્યા બાદ ટ્રેનમાં ચઢે છે તો ટિકિટ ચેકરને એ સમયે ટિકિટ ચેક કરવાની પરવાનગી આપવામાં આવી છે. જે પ્રવાસીઓ પહેલાંથી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે, તેમને બિનજરૂરી રીતે ઉઠાડીને તેમની પાસેથી ટિકિટ માંગવી એ ખોટું અને રેલવેના નિયમ વિરુદ્ધ છે.
હેરાનગતિ થતાં ક્યાં કરશો ફરિયાદ?
તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો અને રાતના સમયે ટિકિટ ચેકર વિના કારણ તમને પરેશાન કરે છે કે વારંવાર ટિકિટમાંગે છે તો તમે રેલવેની હેલ્પ લાઈન નંબર 139 પર આની ફરિયાદ કરી શકો છો. રેલવે દ્વારા આ નિયમનું કડકાઈથી પાલન કરવામાં આવે એની તકેદારી રાખવામાં આવી રહી છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે પ્રવાસીઓને પોતાના હકની કે રેલવેના નિયમની જાણકારી ના હોય તો તેઓ ફરિયાદ કરતાં નથી.
રેલવેના બીજા નિયમો પણ છે કામના
રેલવે દ્વારા ટિકિટ ચેકિંગ માટે જ નહીં પણ રાત માટે બીજા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. રાતના 10 વાગ્યા બાદ કોચની મેન લાઈટ બંધ કરી દેવામાં આવે છે અને હેડફોન્સ વિના ગીતો સાંભળવા કે વીડિયો જોવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સિવાય ફોન પર મોટેમોટેથી વાત કરવાની પણ મનાઈ છે. રેલવેના સફાઈ કર્મચારીઓની અવરજવર પણ રાતના સમયે મર્યાદિત કરવામાં આવે છે, જેથી પ્રવાસીઓની ઊંઘમાં ખલેલ ના પડે.
આ પણ વાંચો…રેલવેનો આ નિયમ સામાન્ય મુસાફરો માટે બનશે માથાનો દુઃખાવો, આના કરતા ફેરી વધારો