Indian Railwayમાં બદલાયા બાળકોની ટિકિટ બુક કરવાના નિયમો, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

ભારતીય રેલવે (Indian Railway) એ દુનિયાનું સૌથી વ્યસ્ત અને વિશાળ કહી શકાય એવું રેલવે નેટવર્ક છે. દરરોજ કરોડો પ્રવાસીઓ ભારતીય રેલવે દ્વારા દોડાવવામાં આવતી આ ટ્રેનોમાં પ્રવાસ કરે છે. જો તમે પણ ભારતીય રેલવેની ટ્રેનોમાં મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે જ છે કારણ કે રેલવે અને આઈઆરસીટીસી (IRCTC) દ્વારા બાળકોની ટિકિટ બુકિંગના નિયમમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફારો વિશે જાણી લેવું તમારા માટે ખૂબ જ જરૂરી છે.
રેલવે મંત્રાલય દ્વારા છઠ્ઠી ફેબ્રુઆરી, 2020ના બહાર પાડેલાં સર્ક્યુલરમાં આપવામાં આવેલી માહિતી અનુસાર પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કોઈ ટિકિટ નથી લેવી પડતી, જો તમે એમના માટે કોઈ સીટ નથી માંગતા તો. માતા-પિતા બાળકને કોઈ પણ ચાર્જ ચૂકવ્યા વિના સાથે લઈ જઈ શકે છે. પરંતુ જો તમે બાળકની સુવિધા માટે અલગથી સીટ બૂક કરો છો તો તમારે પૂરી ટિકિટ લેવી પડશે.
આપણ વાચો: ટ્રેનની ટિકિટ ખોવાઈ જાય તો શું કરવું? જાણો ભારતીય રેલવેનો મહત્વનો નિયમ…
ભારતીય રેલવે દ્વારા પાંચથી 12 વર્ષના બાળકો માટે ફ્લેક્સિબલ સુવિધા પૂરી પાડવામાં આવે છે. જો તમને બાળક માટે અલગ સીટ ના જોઈતી હોય તો તમારે એના માટે ઓછું ભાડું એટલે કે ચાઈલ્ડ ફેયર આપવી પડશે. આને કારણે પરિવાર બજેટ ટ્રાવેલિંગ કરી શકે છે. જો તમારો પ્રવાસ લાંબો છે અને તમે બાળક માટે અલગથી સીટ બૂક કરો છો તો તમારે એના માટે પૂરેપૂરી ટિકિટ લેવી પડશે.
આ સિવાય જો બાળક 12 વર્ષ કરતાં મોટું છે તો રેલવેના નિયમ હેઠળ તે એડલ્ટ ગણાય છે અને આના માટે રિઝર્વ અને અનરિઝર્વ્ડ બંને ક્લાસમાં પ્રવાસ કરવા માટે તમારે ફૂલ ટિકિટ લેવી પડે છે. રેલવેમાં મુસાફરી કરતી વખતે બાળકની સાચી ઉંમરની માહિતી આપવી ખૂબ જ જરૂરી છે, કારણ કે જો તમે આપેલી માહિતી ખોટી પુરવાર થાય છે તો આ ગુના માટે તમને દંડ પણ ફટકારવામાં આવી શકે છે.
આપણ વાચો: આ વર્ષે ગણેશોત્સવ નિમિત્તે ભારતીય રેલવેએ કેટલી દોડાવી સ્પેશિયલ ટ્રેન?
ઓનલાઈન ટિકિટ બુકિંગ કરતાં સમયે જેવી બાળકની ડેટ ઓફ બર્થ નાખો છો એટલે એના આધારે જે ભાડું લાગુ થતું હોય તે સિલેક્ટ કરી લે છે. પાંચ વર્ષ કરતાં નાના બાળક માટે જો તમે અલગથી બર્થ નથી લેવા માંગતા તો તમારે એમને માત્ર એડિશનલ પેસેન્જર ઈન્ફોર્મેશનમાં એડ કરવાના છે અને એના માટે તમારે કોઈ અતિરિક્ત શુલ્ક નથી આપવો પડતો. ઓફલાઈન બુકિંગની વાત કરીએ તો માતા-પિતાએ ફોર્મમાં બાળકની ઉંમર સ્પષ્ટપણે લખીને આ નિયમનો ઉલ્લેખ કરવો પડે છે.
છે ને એકદમ કામની માહિતી? નિયમોની આ જાણકારી તમારો પ્રવાસ તો સરળ બનાવે જ છે પણ એની સાથે સાથે બિનજરૂરી ખર્ચને પણ કાબુમાં રાખે છે. આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…



