…અને પાકિસ્તાને એક વર્ષ સુધી ભારતીય ચલણી નોટ પર સ્ટેમ્પ લગાવી ચલાવ્યું કામ!

15મી ઓગસ્ટ, 1947ના જ્યારે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારની અનેક સ્ટોર આજે પણ ઈતિહાસના અંધારા ભંડકિયામાં ધરબાયેલી છે. આ સ્ટોરીઓ કે ઘટનાઓ જ્યારે પ્રકાશમાં આવે છે ત્યારે રૂંવાડા ઊભા થઈ જાય છે. આજે આપણે 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ અહીં આવી જ કેટલીક ઘટનાઓ વિશે વાત કરીશું.
1947માં જ્યારે ભારતના ભાગલા થયા ત્યારે વસ્તુઓનું પણ વિભાજન થયું, જેમાં સરકારી ખજાનાઓથી લઈને ફર્નિચર, રેલવે, પુસ્તકો, ટપાલ ટિકિટ, ઝાડુ, સાઈકલ બક્કી, ગાડીઓ, અનાજ અને રસ્તાઓ પણ હતા. પરંતુ કેટલીક વસ્તુઓ એવી પણ હતી કે જેનું વિભાજન કરવાનું શક્ય નહોતું. વિભાજન ન કરી શકાય એવી વસ્તુઓ પર ભારતે પોતાનો દાવો માંડ્યો અને તેનું વિભાજન કરવાનો ઈનકાર કર્યો.
આ પણ વાંચો: તમે હિન્દુ છો કે મુસ્લિમ, હિન્દુ કહેતા ગોળી ધરબી દીધી: પહલગામમાં વિભાજન પહેલાની સ્ટોરીનું પુનરાવર્તન?
વિભાજન સમયે કેવી હતી સ્થિતિ?

વિભાજન સમયે જ્યારે યાદી તૈયાર કરવામાં આવી રહી હતી ત્યારે બંને પક્ષો તરફથી ભારે દલીલ થઈ અને પોત-પોતાના દાવા ઠોક્યા. ભારત-પાકિસ્તાનના વિભાજન સમયે સૌથી ના માની શકાય એવી સ્થિતિ તો પુસ્તકોની હતી. અનેક પુસ્તકોનું પણ વિભાજન કરવામાં આવ્યું જેને કારણે પુસ્તકનો એક ભાગ પાકિસ્તાનમાં તો બીજો ભાગ ભારત પાસે રહ્યો અને ડિક્શનરી જેવી ડિક્શનરીના પણ બે ભાગ કરી દેવાયા.
ગુપ્તચર વિભાગની વસ્તુઓનું ના કરાયું વિભાજન
ભારતના વિભાજન સમયે અગાઉ કહ્યું એમ અનેક વસ્તુઓ એવી હતી કે જેનું વિભાજન શક્ય નહોતું અને એમાંથી જ એક હતી ગુપ્તચર વિભાગની ફાઈલો. ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું કે તેઓ એક પણ ફાઈલ કે વિભાગની એક પણ વસ્તુ પાકિસ્તાનને નહીં આપે અને આ જ કારણે એ સમયે ગુપ્તચર વિભાગની વસ્તુઓનું વિભાજન ના થયું.
નોટ અને ટપાલ ટિકિટનું ના થયું વિભાજન

ભારતીય ટપાલ ટિકિટો અને અને ચલણી નોટોનું પણ વિભાજન નહોતું કરવામાં આવ્યું અને એનું કારણ હતું જ્યાં આ ટિકિટ અને ચલણી નોટો છપાતી હતી એ પ્રેસ. ભારતે આ પ્રિન્ટિંગ પ્રેસના ભાગલા કરવાનો ઈન્કાર કરતાં જણાવ્યું કે ચલણી નોટ અને ટપાલ ટિકિટ એ કોઈ પણ દેશની ઓળખ છે અને એટલે તેઓ આ પ્રેસના ભાગલા નહીં થવા દે. પરિણામ એવું આવ્યું કે પાકિસ્તાન પાસે પોતાની કોઈ કરન્સી નહોતી એટલે એક વર્ષ સુધી તેમણે ભારતીય ચલણી નોટો પર સ્ટેમ્પ લગાવીને કામ ચલાવવું પડ્યું હતું.
ચોખા પણ ના આપ્યા ભારતે પાકિસ્તાનને
પાકિસ્તાને ભારત સરકારને આગ્રહ કર્યો હતો કે તેમના સિંધ પ્રાંતથી 11 હજાર ટન ચોખા જે ભારત મોકલવામાં આવ્યા હતા તે પાછા આપી દેવામાં આવે. પરંતુ ભારત સરકારે આ માંગણીનો અસ્વીકાર કર્યો. ભારતે કોઈ ખોટા કે બદઈરાદાથી ચોખા પાછા આપવાનો ઈનકાર નહોતો કર્યો, કારણ કે આ ચોખા ભારત પાસે હતા જ નહીં કારણ કે તે ખવાઈ ગયા હતા.
તાજમહેલને તોડીને મોકલવાની માંગ

કેટલાક કટ્ટરપંથી મુસલમાનોની એવા માગ કરી હતી કે તાજમહેલને તોડીને પાકિસ્તાન મોકલવામાં આવે કારણ કે તાજમહેલ એક મુસ્લિમ શાસકે બનાવ્યો હતો. પરંતુ તાજમહેલનું વિભાજન ના થયું. જ્યારે હિંદુઓનું એવું માનવું હતું કે સિંધુ પાકિસ્તાનને ના મળવી જોઈએ કારણ કે વેદની રચના આ કિનારે થઈ હતી.
એક વસ્તુ કે જે ન ભારતને મળી કે ન પાકિસ્તાનને…
ભારત પાકિસ્તાનના વિભાજન સમયે કેટલીક વસ્તુઓ એવી હતી કે જેનો નિર્ણય ટોસ કરીને કરવામાં આવ્યો હતો. પરંતુ આ બધામાં એક વસ્તુ એવી હતી કે જે ન તો ભારતના હિસ્સે આવી કે ન તો પાકિસ્તાનના ફાળે આવી અને આ વસ્તુ હતી બિગુલ. કેટલાક લોકોએ બિગુલના ટુકડા કરવાની વાત કહી પરંતુ વાઈસરોયના એસડીસીએ તેને નિશાની તરીકે પોતાની પાસે રાખવાની વાત કરી અને એને લઈને જતા રહ્યા.