અંતે તો ‘રાખ’, બસ એટલું યાદ રાખ!
શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા
ગઇ કાલે આપણે જોયું કે મહાદેવ જેટલા પ્રેમથી દૂધ-ઘી ગ્રહણ કરે છે એટલા જ ભાવથી ભસ્મ(રાખ)ને પણ માથે ચઢાવે છે.
જેમ દૂધ-ઘી શિવ અને જીવ બન્ને માટે ઉપયોગી છે. તેમ ભસ્મ અર્થાત્ રાખ પણ ઘણી બન્ને માટે ઉપયોગી છે. આપણે જેને રાખ સમજીએ છીએ એ તો લાખની કિંમત અંકાય તો પણ ઓછી પડે એટલી ગુણકારી છે. પહેલાંના સમયમાં જ્યારે સાબુની શોધ નહોતી થઇ ત્યારે ચૂલાની રાખ અને નાળિયેરની છાલ વડે જ ચીકણા વાસણો ધોવાતા અને એ ચકચકિત તાંબા-પિત્તળનાં વાસણો ઘરની શોભા વધારતાં હતાં. અરે એ જવા દો, માણસો જંગલે લોટે (કુદરતી હાજતે) જતાં પછી આવીને રાખ વડે જ હાથ ધોતાં. રાખ જંતુનાશક છે. એ જમાનામાં ખેતરમાં આડેધડ ઊગી ગયેલી વનસ્પતિનું નિંદામણ કરી ખેડૂતો બાળી નાખતા અને તેની રાખનો ખાતર કરીકે ઉપયોગ કરતાં.
અમેરિકામાં પણ રાખના ઘણા ઉપયોગ થાય છે. રાખને પાણી સાથે મેળવી પેસ્ટ બનાવી ફેશિયલ પણ કરી શકાય છે. તેઓ રાખમાંથી સાબુ પણ બનાવે છે. આપણે ત્યાં પણ હવે રાખમાંથી બનેલા સાબુ વેચાતા થઇ ગયા છે. રાખથી શરીર ચોળી-ચોળીને નહાય પણ શકાય છે. એકલો સાબુ સુંવાળો હોય છે. એટલે સાબુ ઘસ્યા પછી જો ચામડીના મૃત કોષોને દૂર કરવા હોય તો આજે સ્ક્રબરનો ઉપયોગ કરવો પડે છે. જ્યારે રાખ ખરબચડી હોઇ સાબુ અને સ્ક્રબર એમ ટુ ઇન વન છે.
ઘણા સાત્ત્વિક સાધુસંતો ઔષધિયુક્ત સમિધાથી યજ્ઞ કે હોમહવન કર્યા પછી જે ભસ્મ પ્રસાદી તરીકે આપે છે એ ખરેખર તનમનની વ્યાધિ દૂર કરવાની શક્તિ ધરાવતી હોય છે. ઘણા ધર્મોમાં ભસ્મ ને પવિત્ર પ્રસાદી માનવામાં આવી છે.
તમારી ને મારી દાદીઓ અને નાનીઓ હોળીને દિવસે દર્શન કરીને બીજે દિવસે ડબ્બો ભરીને હોળીની રાખ લઇ આવતા હતા. પૂરું વર્ષ આ રાખ ઔષધિ જેવું કામ આપતી. ખીલ, ફોડલી, અછબડા, શીતળા કે અન્ય ચામડીના દર્દોમાં આ રાખ કામ લાગતી. ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં ભસ્મની આરતી થાય છે.
તમે પેલું ભજન શ્રાવણ મહિનામાં તો ખાસ ગાતા જ હશો કે,
‘અંગે રાખ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી,
ભાલે તિલક કર્યું,કંઠે વિષ ધર્યું
અમૃત આપો, દયા કરી દર્શન શિવ આપો હરિ…’
રાખ શ્રાવણ-ભાદરવાની ગરમીમાં ઠંડક પણ આપે છે. લાકડા બળે એટલે તેમાં રહેલા સોડિયમ, પોટેશિયન, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા ક્ષાર પણ બળે. આ રાખ એ બીજું કંઇ નહી પણ આવા ક્ષારના ઑક્સાઇડ જ હોય છે જે શરીર માટે ખૂબ ઉપયોગી છે. રાખ ક્ષારયુક્ત હોઇ સકારાત્મક તરંગોને પણ ખેંચી લાવવામાં મદદ કરે છે મનને પણ સ્વસ્થ રાખે છે. રાખ શબ્દ જ રક્ષણ પરથી આવ્યો છે.
આજે પશ્ર્ચિમના વૈજ્ઞાનિકો પણ આધુનિક લાઇફથી કંટાળી આમ જનતાને કુદરત તરફ પાછા વળવાની સલાહ આપે છે ત્યારે એ મહાદેવને શતશત નમન જેઓ કુદરતી સ્થાન પર બેસી કુદરતી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવાની સતત પ્રેરણા ભક્તોને આપતા રહે છે. આપણે પણ તેમને યાદ કરીને કૃત્રિમ કેમિકલયુક્ત ચીજોથી શક્ય હોય એટલું બચવું જોઇએ.
અંતે એટલું જ કહેવાનું કે આ રાખ તનમનના આરોગ્ય તો સુધારે પણ સતત એક મહત્ત્વની ફિલોસોફી પણ સારી પેઠે સમજાવે છે કે,ધન, દૌલત ક્ંઇ સાથે નથી આવવાનું. અરે આપણું શરીર પણ એક દિવસ બળીને રાખ થઇ જવાનું છે ત્યારે ખોટા અહંકારમાં શા માટે રહેવું? અત્રે એક કવિની પંક્તિ યાદ આવે છે.
‘અંતે તો ‘રાખ’, બસ એટલું યાદ રાખ!’