રોજે જે ચલણી નોટ વાપરો છો એ બનાવવા માટે કયા કાગળનો ઉપયોગ કરવામાં આવે છે? 99 ટકા લોકોને નથી ખબર…

આપણે દરરોજની લેવડદેવડ દરમિયાન ચલણી નોટનો ઉપયોગ કરીએ છીએ. શું તમને પણ લાગે છે કે આ ચલણી નોટ બનાવવા માટે નોર્મલ કાગળનો જ ઉપયોગ કરવામાં આવે છે તો એવું નથી. તમને જાણીને નવાઈ લાગશે કે ચલણી નોટ બનાવવા માટે ખાસ કાગળનો ઉપયોગ કરવામાં આવે છે.
ભારતીય ચલણી નોટો પ્રથમ નજરે સામાન્ય કાગળ જેવી લાગે છે, પરંતુ હકીકતમાં તેનું મટિરિયલ અને બનાવટ અત્યંત જટિલ અને સુરક્ષિત હોય છે. ભારતીય ચલણી નોટો વિશેની આ વિષયવસ્તુ માત્ર આર્થિક જ નહીં, પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ ખૂબ જ રસપ્રદ છે. આજે આપણે લેખમાં આ વિશેની જાણકારી વિસ્તારથી હાંસિલ કરીશું…
સામાન્ય રીતે આપણે જે કાગળ લખવા કે છાપવા માટે વાપરીએ છીએ તે લાકડાના માવા (Cellulose)માંથી બને છે, જે પાણી લાગતા તરત જ નબળો પડી જાય છે. પરંતુ ચલણી નોટ બનાવવા માટે 100 ટકા શુદ્ધ કપાસના રેશાનો ઉપયોગ થાય છે. કપાસના રેશામાં લેનિન (Linen) જેવી મજબૂતી હોય છે. તમે કદાચ જોયું હશે કે ભૂલથી પેન્ટના ખિસ્સામાં રહેલી નોટ વોશિંગ મશીનમાં ધોવાઈ જાય તો પણ તે ફાટતી નથી, કારણ કે કપાસના રેશા પાણીમાં ફૂલતા નથી કે ઓગળતા નથી. એક અંદાજ મુજબ, ભારતીય નોટ હજારો વખત વાળવા (Folding) છતાં પણ વચ્ચેથી ફાટતી નથી.
નોટનો કાગળ જ્યારે મિલમાં તૈયાર થતો હોય છે, ત્યારે જ તેમાં કેટલીક સુરક્ષા વિશેષતાઓ ઉમેરવામાં આવે છે. જેમ કે નોટની વચ્ચે જે ચમકતી પટ્ટી દેખાય છે, તે ઉપરથી ચોંટાડેલી નથી હોતી પણ કાગળના પડની અંદર વણેલી હોય છે. તેના પર ‘RBI’ અને ‘ભારત’ લખેલું હોય છે, જે પ્રકાશની સામે રાખતા સ્પષ્ટ દેખાય છે.
કાગળના ચોક્કસ ભાગને બનાવતી વખતે તેને પાતળો રાખવામાં આવે છે, જેથી ગાંધીજીની છબી પ્રકાશમાં જોતા દ્રશ્યમાન થાય છે. નોટ પર લખવામાં આવેલું નોટનું મૂલ્ય ઉદાહરણ તરીકે જો નોટ 500 રૂપિયાની છે તો નોટને ત્રાંસી કરતાં આ આંકડાનો રંગ લીલામાંથી વાદળી જેવો બદલાય છે.
ભારતીય નોટો પર ‘ઇન્ટાગ્લિયો’ (Intaglio) અથવા ઉપસેલા છાપકામનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં શાહી કાગળની સપાટી પર થોડી ઉપસેલી રહે છે. આ ખાસ કરીને દ્રષ્ટિહીન લોકો માટે છે. નોટની ડાબી અને જમણી બાજુએ નાની લીટીઓ (Bleed Lines) અને આકારો (વર્તુળ, ત્રિકોણ વગેરે) હોય છે, જેને સ્પર્શ કરીને નોટનું મૂલ્ય જાણી શકાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત દ્વારા પહેલાંથી આ ખાસ પ્રકારનો કાગળ વિદેશથી મંગાવવામાં આવતો હતો, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આત્મનિર્ભર ભારતની એક પહેલ તરીકે આ કાગળ હવે મોટાભાગે ભારત પોતે જ બનાવી લે છે. આ કાગળનું ઉત્પાદન ક્યાં થાય છે એ પહેલાં આ કાગળે શું કહેવામાં આવે છે એ વિશે જાણી લઈએ. તમારી જાણકારી માટે કે આ ખાસ પ્રકારના કાગળને CWBN (Cylinder Mould Vat Process Watermarked Bank Note) પેપર તરીકે ઓળખવામાં આવે છે છે.
ચલણી નોટ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કાગળને શું કહેવામાં આવે છે એ વિશે તો જાણી લીધું. હવે આગળ વધીએ અને વાત કરીએ કે આ કાગળનું ઉત્પાદન ભારતમાં ક્યાં કરવામાં આવે છે. ભારતના મધ્યપ્રદેશના હોશંગાબાદમાં આવેલી સિક્યુરિટી પેપર મિલ (SPM) અને મૈસુરની મિલ હવે લગભગ 80થી 90 ટકા કાગળની જરૂરિયાત દેશમાં જ પૂરી કરે છે. આનાથી નકલી નોટોના જોખમમાં પણ ઘટાડો થયો છે કારણ કે આ કાગળનું કેમિકલ કમ્પોઝિશન અત્યંત ગુપ્ત રાખવામાં આવે છે.
ખાસ પ્રકારના કાગળનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી ચલણી નોટની આવરદા કેટલી હોય છે એની વાત કરીએ તો ચલણી નોટની લાઈફ સ્પેનનો આધાર તેના મૂલ્ય પર આધાર રાખે છે. રૂપિયા 10, 20,50ની નાની ચલણી નોટો બજારમાં વધારે ફરે છે, એટલે તે એકથી બે વર્ષ સુધી જ સારી કંડીશનમાં રહે છે. આ સિવાય જ્યારે વાત કરીએ 500 રૂપિયાની ચલણી નોટની તો તે ચારથી પાંચ વર્ષ સુધી સારી સ્થિતિમાં રહે છે.
હવે તમને સવાલ થશે કે જો કોઈ ચલણી નોટ જૂની કે જર્જરીત થઈ જાય છે ત્યારે તેનું શું કરવામાં આવે છે, બરાબર ને? ચાલો તમને આ વિશે પણ જણાવી જ ઈએ. જ્યારે પણ કોઈ ચલણી નોટ જૂની કે ફાટી જાય છે ત્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તેને સિસ્ટમમાંથી પાછી ખેંચી લઈ તેનો નાશ કરે છે અને તેને રિસાઈકલ કરીને ઈંટો બનાવવામાં આવે છે.
છે ને એકદમ કામની અને અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે ચોક્કસ શેર કરો અને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.



