ડૉલર સામે રૂપિયામાં નવ પૈસાનો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્વિક બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આગળ ધપતા સુધારાને ટેકે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો નવ પૈસાના સુધારા સાથે ૮૩.૮૮ની સપાટીએ બંધ રહ્યો હતો.
જોકે, અમેરિકાના જીડીપી તથા ફુગાવાના ડેટાની જાહેરાત પૂર્વે આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૯૭ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૯૨ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૯૨ અને ઉપરાં ૮૩.૮૮ની રેન્જમાં રહીને અંતે નવ પૈસા વધીને ૮૩.૮૮ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે રૂપિયામાં ચાર પૈસાનો ઘટાડો નોંધાયો હતો.
આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા પ્રબળ હોવાને કારણે રૂપિયાને ટેકો મળી રહ્યો છે. આથી ૮૪ની સપાટી સુધી જતા અટકી રહ્યો છે, એમ એલકેપી સિક્યોરિટીઝનાં વિશ્ર્લેષક જતીન ત્રિવેદીએ જણાવતા ઉમેર્યું હતું કે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો ૮૩.૭૦થી ૮૪ની રેન્જમાં અથડાતો રહે તેવી શક્યતા નકારી ન શકાય.
દરમિયાન આજે વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩૪ ટકા ઘટીને બેરલદીઠ ૭૮.૩૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ સ્થાનિક ઈક્વટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૩૪૯.૦૫ પૉઈન્ટનો અને ૯૯.૬૦ પૉઈન્ટનો સુધારો આગળ વધતાં રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો, પરંતુ આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૧ ટકા વધીને ૧૦૧.૨૦ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૩૪૭.૫૩ કરોડની વેચવાલી રહી હોવાના અહેવાલે રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો.