પુરૂષોને નર્કની યાતનાનો અનુભવ કરાવે છે આ રોગ, જાણો પ્રોસ્ટેટ કેન્સરના શું હોય છે લક્ષણો?
દર વર્ષે સપ્ટેમ્બર મહિનો પ્રોસ્ટેટ કેન્સર અવેરનેસ મંથ તરીકે ઉજવાય છે જેમાં પ્રોસ્ટેટ કેન્સર રોગ વિશેની માહિતી, લક્ષણો તથા સારવારની વિગતોથી લોકોને અવગત કરવામાં આવે છે. અમેરિકન એસોસિએશન ફોર કેન્સર રિસર્ચ મુજબ ફેફસાના કેન્સર બાદ પ્રોસ્ટેટ કેન્સર પુરૂષો માટે સૌથી જોખમી ગણી શકાય તેવી બિમારી છે. ત્યારે આવો જાણીએ તેના લક્ષણો વિશે..
ઇરેક્ટાઇલ ડિસફન્કશન- ઇરેક્શન લાવવા માટે કારણભૂત નસો જ્યારે કેન્સરગ્રસ્ત થઇ જાય ત્યારે આ સ્થિતિનો અનુભવ થઇ શકે છે, અને તેને પ્રોસ્ટેટનું એક લક્ષણ ગણી શકાય.
હાડકામાં દુ:ખાવો- પ્રોસ્ટેટ કેન્સર હાડકાઓ સુધી પણ ફેલાઇ શકે છે, પીઠ, થાપાના હાડકા સહિત કરોડરજ્જુમાં પણ દુ:ખાવાનો અનુભવ થઇ શકે છે. હાથપગમાં સોજો પણ પ્રોસ્ટેટનું લક્ષણ ગણાય છે.
વજન ઓચિંતા ઘટી જવું- અચાનક જ વજન ઘટી જાય તો તેને એડવાન્સ પ્રોસ્ટેટ કેન્સરનું લક્ષણ ગણવામાં આવે છે. કેન્સરગ્રસ્ત કોશિકાઓ શરીરના પાચનતંત્રને પણ અસર કરતી હોય છે, જેને લીધે વજન ઝડપથી ઘટી જાય તેવું શક્ય છે.
સતત થાક-અશક્તિ લાગવી- સામાન્ય કરતા વધુ પ્રમાણમાં થાક-અશક્તિ લાગ્યા કરવી, એ પણ પ્રોસ્ટેટ કેન્સરનું લક્ષણ હોઇ શકે છે.
વીર્યમાં લોહી પડવું- વીર્યમાં સ્પર્મ સિવાય જો લોહી દેખાય તો તેને ગંભીર ગણીને તાત્કાલિક ડોક્ટરની સારવાર કરાવવી જોઇએ.
પેશાબ કરવામાં તકલીફ- પેશાબ કરવામાં મુશ્કેલી થવી એ પ્રોસ્ટેટ કેન્સરનું સામાન્ય લક્ષણ છે. જો કે એ નોંધવું અગત્યનું છે કે આ અન્ય રોગોનું લક્ષણ પણ હોઇ શકે છે. આ લક્ષણો દેખાય કે તરત નિષ્ણાત યુરોલોજીસ્ટની સલાહ લેવી જરૂરી છે.