જો તમે પણ કલાકોના કલાકો મોબાઈલ અને લેપટોપ પર વિતાવો છો તો…
અત્યાર સુધી આપણી બેઈઝિક જરૂરિયાતો હતી રોટી, કપડાં ઔર મકાન… પણ હવે છેલ્લાં કેટલાક સમયથી આ ત્રણ વસ્તુઓમાં ચોથી વસ્તુ ઉમેરાઈ ગઈ છે અને આ વસ્તુ એટલે મોબાઈલ ફોન. મોબાઈલ ફોનના વધતાં જતા ઉપયોગને કારણે લોકો વર્ચ્યુઅલી એકબીજાની નજીક આવી ગયા છે પણ રિયાલિટીમાં એકબીજાથી ખાસ્સા એવા દૂર થઈ ગયા છે.
આપણે ત્યાં મરાઠીમાં એક ખૂબ જ જાણીતી કહેવત છે કે અતિ તિથે માતી (એટલે કે કોઈ વસ્તુની અતિશયોક્તિ વિનાશને નોંતરે છે) . આજે અમે અહીં તમારા માટે આવી જ એક મહત્ત્વની માહિતી લઈને આવ્યા છીએ. આ માહિતી પ્રમાણે જો તમે પણ ફોનનો વધુ પડતો ઉપયોગ કરતાં હોવ તો તમારે ચેતી જવાની જરૂર છે. કલાકો સુધી મોબાઈલ ફોન અને લેપટોપનો ઉપયોગ કરનારાઓ માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી છે. એમાં પણ જો તમને ગરદનમાં દુઃખાવો થઈ રહ્યો છે ત્યારે તો ખાસ તમારે ચેતવાની જરૂર છે. મળી રહેલી માહિતી પ્રમાણે તમે પણ જો દરરોજ 5થી 6 કલાક મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છો તો તમને પણ ટેક્સ્ટ નેક સિન્ડ્રોમ થઈ શકે છે.
હવે તમને થશે કે આ નવી બલા ટેક્સ્ટ નેક સિન્ડ્રોમ છે શું તો તમારા સવાલનો જવાબ આ રહ્યો. જો તમને પણ ગરદન, ખભા, પીઠમાં દુઃખાવો અનુભવાઈ રહ્યો હોય તો તમારે ચેતી જવાની જરૂર છે કારણ કે છેલ્લાં એકાદ વર્ષથી લોકોમાં આ સમસ્યા વકરી રહી છે અને આ નવી બીમારીનું નામ છે ટેક્સ્ટ નેક સિન્ડ્રોમ અને એનું કારણ છે મોબાઈલ અને લેપટોપનો વધારે પડતો.
આ વિશે થોડું વિસ્તારથી વાત કરીએ તો મોબાઈલ ફોન અને લેપટોપનો ઉપયોગ કરતી વખતે તમે ગરદન 15 ડિગ્રી જેટલી નીચે નમાવતાં હોવ ત્યારે એ સમયે હાડકાં પર ત્રણ ગણું વધુ વજન આવે છે અને ગરદનનો દુઃખાવો વધી રહ્યો છે અને દુઃખાવો લાંબાગાળે લોકોને પરેશાન કરે છે અને કરોડરજ્જુ સંબંધિત સમસ્યાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય સ્તરે ધરવામાં આવેલા એક સર્વે અનુસાર 56 ટકા લોકો ગરદનની નાની-મોટી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે અને એમાં 5 વર્ષ સુધીના બાળકોનો સમાવેશ પણ થાય છે.
આવો જોઈએ શું છે ટેક્સ્ટ નેક સિન્ડ્રોમના લક્ષણ
આ સિન્ડ્રોમથી પિડાઈ રહેલાં લોકોમાં પીઠ, ગરદન અને ખભામાં સામાન્યથી ગંભીર દુઃખાવો અનુભવાય છે અને સિન્ડ્રોમ થવાના આ મુખ્ય લક્ષણ છે.
આ ઉપરાંત આ સિન્ડ્રોમથી પિડાઈ રહેલાં લોકોને માથામાં પણ ખૂબ દુઃખાવો થાય છે.
ગરદનને આગળની તરફ લઈ જતી વખતે દુઃખાવો થવો.
પીઠના ઉપરનો ભાગ અને ખભા જકડાઈ જવો.
હાથમાં ઝણઝણાટી અને સુન્ન થઈ જવાનો અનુભવ.
હવે આ લક્ષણો વાંચીને તમને થશે કે ભાઈ આવું તો મને થાય છે હવે કરવાનું શું? તો તમારી આ સમસ્યાનો ઉકેલ પણ છે અમારી પાસે. આ સિન્ડ્રોમને દૂર કરવા માટે કેટલીક કસરતો મદદરૂપ સાબિત થઈ શકે છે. આવો જોઈએ કઈ છે આ કસરતો
ગરદનની સમસ્યા સતાવી રહી હોય એવા લોકોએ નિયમિતપણે યોગ કરવો જોઈએ.
યોગ કરવાની સાથે સાથે જ આ લોકોએ મોબાઈલનો ઉપયોગ પણ શક્ય એટલો ઘટાડવો જોઈએ..
જો મોબાઈલનો ઉપયોગ કરવો જ પડે એમ હોય તો પણ મોબાઈલને નજરની સામે સીધો રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.
સૌથી મહત્ત્વની વાત એટલે કે સાવ સાધારણ એવી ટટ્ટાર બેસવાની આદત પણ આ બીમારીમાં રાહત આપે છે.
જો લેપટોપનો ઉપયોગ કરતાં હોવ તો એવા લોકોએ લેપટોપની ગોઠવણ એ રીતે કરવી જોઈએ કે જેથી ગરદન પર વધારે બોજો ના આવે.
નેક રોટેશન, શોલ્ડર રોટેશન, ટ્વીસ્ટિંગ જેવી કસરતો કરવાથી પણ તમને રાહત અનુભવાઈ શકે છે.
દરરોજ 10-15 મિનીટ માટે કરવામાં આવેલો યોગ પણ આ સમસ્યામાં રાહતનો અહેસાસ કરાવે છે.