બાળકોને ખારા પાણીથી નવડાવો છો તો પહેલા આ વાંચી લો
પીવા માટે આપણે બધા મીઠું પાણી જ વાપરીયે છીએ, પરંતુ ન્હાવા માટે પાણી કેવું છે તેની વધારે ફીકર આપણે કરતા નથી. હજુ દેશનો એક મોટો ભાગ એવો છે જ્યાં પીવાના પાણીના પણ ફાંફાં હોય છે આથી ન્હાવાનું પાણી કેવું છે તેવો સવાલ જ ઊભો થતો નથી. વળી, પૃથ્વી પર કુલ પાણીનો 97 ટકા ભાગ ખારા પાણીનો છે અને 3 ટકાથી ઓછું મીઠું પાણી છે. આથી મીઠું પાણી મળવું મુશ્કેલ છે. પણ નાની વયના કુમળા બાળકોને ખારા પાણીથી નવડાવવામાં આવે તો ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. ખારા પાણીમાં સોડિયમ વધુ હોય છે, તેથી બાળકોના વાળ અને ત્વચા માટે પણ ખારું પાણી નુકસાનદાયક હોય છે.
જે પાણીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, મીઠું અને અન્ય ખનીજ પદાર્થો હોય છે તેને ખારું પાણી કહેવામાં આવે છે. કારણ કે આ પાણી મહાસાગરોમાંથી આવે છે અને તે ખનિજ ભંડાર સમુદ્રના તળ પર જોવા મળે છે. ભૂજળ જ્યારે ચૂના પથ્થરની ઉપર અથવા તેના માધ્યમથી આવે છે તો તે ખારું થઇ જાય છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ખારા પાણીથી બાળકોની ત્વચાને કોમળ અને સ્વસ્થ રાખી શકાતી નથી. નાના બાળકોને આ પાણીથી વધુ નુકસાન થાય છે કારણ કે તે વધુ નાજૂક હોય છે. ખારા પાણીમાં ઉચ્ચ માત્રામાં સોડિયમ અને ખનિજ હોય છે જે ત્વચાને શુષ્ક બનાવી દે છે. જો બાળક વારંવાર ખંજવાળ કે એલર્જીની ફરિયાદ કરતું હોય તો તેનું એક કારણ ખારા પાણીમાં મોજૂદ ખનિજ તત્વો પણ હોઇ શકે છે. જે ત્વચાના પ્રાકૃતિક તેલને દૂર કરી દે છે. પરિણામે ખીલ, ફોડલી જેવી સમસ્યાઓ પણ થાય છે. આ ખનિજના અવશેષો ત્વચા પર રહી જાય છે, જે ત્વચાને નુકસાન પહોંચાડે છે.
જે પ્રકારે ખારા પાણીના ખનિજ ત્વચાને નુકસાન પહોંચાડે છે, આ જ પ્રકારે તે વાળને પણ નુકસાન કરે છે. ખારા પાણીમાં મોજૂદ સોડિયમ અને અન્ય ખનિજથી વાળ પોતાના પ્રાકૃતિક ઓઇલ ગુમાવે છે અને તે શુષ્ક તેમજ બરછટ થઇ જાય છે. જો બાળકના સ્નાન માટે તમે સતત ખારા પાણીનો ઉપયોગ કરશો તો સમયાંતરે વાળ બેમોંઢાવાળા એટલે કે સ્લીટન્સ વધારે જોવા મળશે.
જોકે તમામ પાતસે નાના બાળક માટે મીઠા પાણીની વ્યવસ્થા નથી હોતી આથી બની શકે તો પાણી ઉકાળી તેને ઠંડુ કરી નવડાવો તો પણ ફાયદો થાય છે, તેમ નિષ્ણાતો કહે છે.