સ્પેશિયલ ફિચર્સ

શ્રદ્ધા અને ધીરજ હોય તો મંત્રશક્તિ કામ કરે જ છે

શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા

ગઈ કાલે આપણે જોયું કે મંત્રોની શરીર અને મન પર સુંદર અસર થાય છે. મંત્ર એ પણ એક વિશિષ્ટ શબ્દોના ઉચ્ચારણ સાથેની ધ્વનિ શક્તિ જ છે . પ્રકાશ સીધી લીટીમાં પ્રવાસ કરે છે, પણ ધ્વનિ અર્થાત્ અવાજ તો ગોળાકાર અર્થાત્ બધી જ દિશામાં પ્રવેશ કરે છે. પ્રકાશની આડે કંઈ અવરોધ આવે તો દેખાતુ બંધ થઇ જાય છે. પણ અવાજ સાંભળી શકાય છે. બાળકને પેટની અંદર પણ માતાનો અવાજ સંભળાતો હોય છે, અગાઉના અંકોમાં આપણે જોયું કે ધ્વનિ અમર છે.

મંત્રશક્તિ જેમ શરીરની અંદર પ્રવેશી શકે છે એમ જોજનો દૂર રહેલી ઈષ્ટશક્તિ સુધી પણ પહોંચી શકે છે. જોકે આ કાર્ય માટે પૂર્ણ શ્રદ્ધા અને ધીરજ જરૂરી છે. સાઈ બાબાના બે સોનેરી શબ્દો હતા શ્રદ્ધા ઔર સબૂરી, મતલબ ઊંડા વિશ્ર્વાસ અને અખૂટ ધીરજ .

તાર્કિક દ્રષ્ટિએ વિચારીએ તો મંત્રશક્તિ પરમ શક્તિ પહોંચી શકે એ શક્ય છે. જો તમે કોઈ કૂવા આગળ ઊભા હો અને હાથમાં પાત્ર પણ છે. પરંતુ દોરડા વગર પાણી ખેંચવું અશક્ય છે પણ પૂરતી લંબાઈ વાળું મજબૂત દોરડુ મળી જાય તો તમે ઊંડા કૂવામાંથી પણ પાણી મેળવી શકો છો . બસ આ જ રીતે તમે મંત્રનું લાંબું દોરડુ તૈયાર કરી શકો તો પરમ શક્તિ સુધી પણ પહોંચી શકો છો.

ઓમ નમ: શિવાય કે ઓમ નમો ભગવતે વાસુદેવાય કે અન્ય કોઈ પણ મંત્ર જે તે દેવ અર્થાત્ શક્તિ સુધી પહોંચાડવો હોય તો એ કામ એક વાર મંત્ર બોલવાથી નથી થતું. જેમ એક સૂતરનું તાંતણું અન્ય તાંતણા સાથે મળે ત્યારે દોરી બને છે. અને આવી અનેક દોરી ભેગી થાય ત્યારે મજબૂત દોરડું બને છે. કાપૂસના એક તાંતણાથી કૂવામાંનું પાણી ખેંચી ન શકાય, પરંતુ લાખો તાંતણા ભેગા મળીને જે દોરડું બનાવે છે તેની મદદથી જ પાણી ખેંચી શકાય છે. આ રીતે એક મંત્રથી નહીં પણ લાખો મંત્રના રટણથી આપણે પરમશક્તિની નજીક
પહોંચી શકીએ છીએ. કોઈ બાળક નજીકમાં જ ઘસઘસાટ સૂઈ ગયું હોય તો એને પણ એક વાર સાદ પાડવાથી નથી જાગતો. વારંવાર સાદ પાડીને જગાડવો પડે છે, ઢંઢોળવો પડે છે. બસ આ જ રીતે લાખ સવાલાખ મંત્રોનો જા૫ કરો અને શ્રદ્ધા – ધીરજ રાખો તો સિદ્ધિ અવશ્ય મળે છે.

એક ચિત્ત, એક ધ્યાન અને ધીરજપૂર્વકના મંત્રજાપ આજે નહીં તો કાલે અવશ્ય ફળે છે. વાણીની શક્તિ અમર છે. તેનો નાશ થઈ શકતો નથી. તલવારના ઘા રુંઝાઈ જાય પરંતુ વાણીના ઘા રુંઝાતા નથી. એક વૈજ્ઞાનિકે પાણી પર વાણીનો પ્રયોગ કર્યો હતો. એમણે જોયું કે ખરાબ શબ્દોની અસરથી પાણીની રચનાઓ અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી, જ્યારે સુવાક્યો અને મંત્રોની અસરથી પાણીમાં હાર્મોની અર્થાત્ એક લય આવી ગયો હતો. આવી જ રીતે ગુસ્સા અને કકળાટથી ભરેલા નઠારા વાક્યો વાતાવરણને ડહોળે છે
જયારે મંત્રરૂપી સુવાક્યો વાતાવરણમાં સૂરની સુગંધ ફેલાવે છે.

મંત્રોચ્ચારથી પરમશક્તિ તો પ્રસન્ન થાય છે , પરંતુ તમારા તન મન અને આસપાસનું વાતાવરણ પણ સ્વસ્થ બને છે. શ્રાવણ મહિનામાં ખુદ શિવ પૃથ્વી પર પધારે છે અને વદ આઠમને દિવસે કૃષ્ણજન્મ ઉજવાય છે ત્યારે દ્રવ્યપૂજાનું પ્રદર્શન નહીં કરી શકો તો ચાલશે પણ મંત્ર રટણ રૂપી ભાવપૂજાના દર્શન અવશ્ય કરજો. મંત્રોચ્ચારણમાં તમારે એક પણ પૈસાની જરૂર નહીં પડે. હા જરૂર પડશે ફક્ત વિશ્ર્વાસ અને ધીરજની.

Show More

Related Articles

Back to top button
વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી…