સ્પેશિયલ ફિચર્સ

પતિ હાથ જોડી ઘરમાં બેઠા ને પત્નીને હાથ ફેલાવી કામ શોધવા આદેશ આપ્યો

સ્પોટ લાઈટ -મહેશ્વરી

બનેવી સાથે મતભેદ અને ફળસ્વરૂપે ઝઘડો થતા મને નાટક કંપનીમાંથી છૂટી કરવામાં આવી હતી. બનેવીનો સ્વભાવ અને ભૂતકાળમાં મારા પતિ માસ્તર સાથે જે અણબનાવ થયો હતો એ કારણે જ જયંત ભટ્ટની ભાગીદારીની ઓફર મેં સ્વીકારી નહોતી. અલબત્ત આમ અચાનક છેડો ફાટી જશે એવું તો મારી કલ્પનામાં પણ નહોતું. જોકે, કલ્પના અને વાસ્તવિકતામાં ઘણી વાર આસમાન – જમીન જેટલું અંતર હોય છે.

હજાર રૂપિયા હાથમાં લઈ હું કંપનીમાંથી છૂટી થઈ અને બારદાનવાલા શેઠ અચાનક આવી પડેલી મુસીબત સામે સહાયની છત્રી લઈને ઊભા રહ્યા જેમની સહાયથી હું, માસ્તર અને બાળકો મુંબઈ તો પહોંચી ગયા.
ફરી પાછો એ જ સવાલ આજીવિકા માટે કરવાનું શું?

આંખો ફાડી સામે આવીને ઊભો રહ્યો. એ સમયમાં એક હજાર રૂપિયા ઘણી મોટી રકમ હતી, પણ બાળકોનું ભણતર અને ઘર ખર્ચને પહોંચી વળવા નિયમિત કામ કરવું જરૂરી હતું. અને માસ્તર પાસે પણ કામ નહોતું.

સંગીતના કાર્યક્રમ વગેરે નાનું મોટું કામ શરૂ કરી દીધું, પણ એક તો આ પ્રકારના કામ નિયમિત ન હોય અને બીજું આવક બહુ જ પાતળી હોય. એટલે કમ સે કમ બે ટંક રોટલા ભેગા થવા માટે પણ બીજું કશુંક કામ કરવું જરૂરી હતું. એ સમયે જોગેશ્ર્વરી અને આસપાસના વિસ્તારમાં વધારાની આવક ઊભી કરવા મહિલાઓ વાયરની થેલી બનાવવાનું કામ કરતી હતી. નાયલોન વાયરની ગૂંથણી કરી વિવિધ આકારની થેલીઓ તૈયાર કરવાની અને એની મજૂરી મળે.

એક થેલી કરો ત્યારે સવા રૂપિયો મળે. મને કામની બહુ ફાવટ નહોતી એટલે દિવસમાં માંડ બે થેલી તૈયાર કરી શકતી. અન્ય કેટલીક મહિલા ગૂંથણીમાં હોશિયાર હતી અને દિવસમાં ૪ – ૫ થેલી કરી નાખતી. નાટકમાં પાત્ર અને ઘટનાઓની ગૂંથણીથી હું ખાસ્સી ટેવાયેલી અને મને એમાં ફાવટ સુધ્ધાં હતી, પણ થેલીનું ગૂંથણકાર્ય મને બહુ ફાવ્યું નહીં. સંગીતના કાર્યક્રમ, વાયરની થેલી, ક્યારેક એકાદું નાટક… બે છેડા કેમે કરી ભેગા નહોતા થઈ રહ્યા.

બચતની રકમ પણ ખર્ચાઈ રહી હતી. ‘શું કરવું?’ બે શબ્દનો સવાલ વીસ મણનો લાગવા લાગ્યો. એવામાં એક દિવસ મારા પતિ માસ્તર મને કહેવા લાગ્યા કે ‘શું હાથ જોડીને બેસી રહી છે? જા, જઈને કોઈ કામ શોધી કાઢ.’ જરા વિચાર કરો. આર્થિક મુશ્કેલીમાં જેણે સૌથી પહેલા કામ શોધવા નીકળવાનું હોય એ મારા પતિ પોતે હાથ જોડી ઘરમાં બેસી રહ્યા હતા અને મને બહાર નીકળી હાથ ફેલાવી કામ શોધવા કહી રહ્યા હતા.

બે ઘડી માટે મારાથી બે હાથ ઈશ્ર્વરને જોડાઈ ગયા કે ‘પ્રભુ આ ક્યાંનો ન્યાય?’ ઈશ્ર્વરના દરવાજે ટકોરો તો મારી દીધો, પણ એનો જવાબ ક્યારે મળશે એની ખબર નહોતી, પણ મારે જ હાથ પગ ચલાવવાના છે એની મને ખાતરી થઈ ગઈ. જોકે, કામ શોધવા જવું ક્યાં એની ગતાગમ નહોતી.

અચાનક મને રંગલાલ નાયક (પ્રભાકર કીર્તિ) યાદ આવ્યા. મુંબઈમાં સૌપ્રથમ મેં એમની સાથે ‘પૃથ્વીરાજ ચૌહાણ’ નાટકનો ખેલ કર્યો ત્યારનો જૂનો સંબંધ. એ વખતે રંગલાલ નાયક સાંતાક્રુઝ રહેતા હતા. એમના ઘરે પહોંચી ત્યારે મને મીઠો આવકાર આપ્યો અને પહેલો જ સવાલ એ કર્યો કે ‘તું ક્યાં હતી?

હું અને વિનુભાઈ (વિનયકાંત દ્વિવેદી) તને શોધતા શોધતા તારા ઘરે ગયા હતા, પણ ત્યાં તો મોટું તાળું લટકતું હતું. અમે ટીવી માટે ‘બોરસલ્લી’ નામનો કાર્યક્રમ કર્યો હતો એમાં તને સામેલ કરવાની અમારી ઈચ્છા હતી.’

વિનયકાંત દ્વિવેદીએ દૂરદર્શનના ‘બોરસલ્લી’ કાર્યક્રમમાં નાટકનાં જૂના ગીતો ફરી જીવંત કરી જૂની રંગભૂમિની મધુર સંગીતમય સ્મૃતિઓ તાજી કરી નાટ્ય રસિકોને રસપાન કરાવ્યું હતું.

આવા સુંદર કાર્યક્રમમાં સહભાગી નહીં થઈ શકવાનો ક્ષણિક અફસોસ થયો, પણ ત્યારે તો નવું કામ મેળવવાની પ્રાથમિકતા હતી. મેં દેશી નાટક સમાજ કંપની બંધ થયા પછી હું જામનગર, લંડન, દ્વારકા જઈ નાટકો કરી આવી એની વિગતવાર વાત કરી. અને છેવટે કહી દીધું કે ‘રંગલાલ ભાઈ, મારે કામ જોઈએ છે.’ રંગલાલ ભાઈએ કહ્યું કે ‘હમણાં વિનુભાઈ દૂરદર્શન માટે એક પ્રહસન કરી રહ્યા છે ‘સંપત્તિ માટે.’ એના રિહર્સલ ચાલી રહ્યા છે ત્યાં જઈ આપણે વિનુભાઈને મળીએ અને વાત કરી જોઈએ.’

અગાઉ એ નાટકમાં મેં પ્રહસનમાં હિરોઈનનો રોલ કર્યો હતો એટલે એ નાટકની રગેરગથી વાકેફ હતી. હું તરત તૈયાર થઈ ગઈ. રંગલાલ ભાઈના ઘરે લગભગ ઢસડાતા પગે આવી હતી પણ નાટકમાં કામ મળશે એ આશાએ મારા પગમાં જાણે કે અચાનક એકદમ જોર આવી ગયું હોય એમ હું દોડીને રિહર્સલના સ્થળે જવા તૈયાર થઈ ગઈ.

પાગલ રાજાએ ‘પાગલ’ બનાવ્યા
૪૫ વર્ષમાં આશરે ૧૨૫ નાટક લખનારા વ્યવસાયી રંગભૂમિના નાટ્યકાર મણિલાલ ‘પાગલ’નું આખું નામ હતું મણિલાલ ત્રિભોવનદાસ ત્રિવેદી. ફક્ત ગુજરાતી પાંચ ધોરણ સુધીનો અભ્યાસ. પિતાને વ્યવસાયમાં ખોટ આવતાં જીવનનિર્વાહ માટે મુંબઈમાં એક વીશીમાં પિરસણિયાનું કામ સ્વીકારવું પડ્યું.

આઠ રૂપિયાના પગારથી નાટ્ય મંડળીમાં રસોઈયાની નોકરી મળવાથી નાટ્ય પ્રવૃત્તિ નજીકથી જોવાની તક મળી. મોરબી નાટક મંડળીનાં નાટકો જોઈ યુવાન મણિલાલને નાટકનો રંગ લાગ્યો. વાંચન વધાર્યું અને સરસ્વતી નાટક સમાજમાં માસિક ૬૫ રૂપિયાના પગારે નાટક લખવાનું કામ મળ્યું.

‘ભક્ત બોડાણો’ નાટકમાં પ્રહસન વિભાગ લખ્યો હતો અને એ વાંચી હાસ્યરસની ભૂમિકા માટે ખ્યાતનામ મૂળચંદ ‘મામા’ પેટ પકડીને હસ્યા હતા. ત્યારબાદ મણિલાલ ત્રિવેદીને નાટ્યલેખક તરીકે સ્વીકૃતિ મળી હતી. કવિ મણિલાલે પ્રસંગોપાત નાટકમાં અભિનય પણ કર્યો હતો.

એવું કહેવાય છે કે નાટ્યકાર મુનશી ‘મહેશર’ના ઉર્દૂ નાટક ‘ઝેરી છુરી’માં પાગલ રાજાની ભૂમિકામાં મણિલાલજીએ જીવંત અભિનય આપ્યો ત્યારથી પ્રેક્ષક જગતમાં ‘પાગલ’ તરીકે ઓળખાવા લાગ્યા હતા. એમનામાં લખવાની અને બોલવાની ખુમારી હતી. શ્રી પ્રભાત ચિત્રપટ સંસ્થાએ એમના નાટક ‘સિદ્ધ સંસાર’ને આધારે ‘માયા મચ્છીન્દ્ર’ નામે બોલપટ તૈયાર કર્યું હતું. (સંકલિત)

Also Read –

Show More

Related Articles

Back to top button
પુત્રવધુને સન્માન આપતા નીતા અંબાણી પાસેથી શીખો ભાદરવાની પૂર્ણિમા પર કરો આ કામ, ખુલી જશે ધનના માર્ગ આજે શ્રીહરિ બદલશે પાસું, આ ચાર રાશિના જાતકો માટે શરૂ થશે Golden Period… દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત?