બસ એક સનમ ચાહિએ…: પાર્ટનરની શોધમાં નર વ્હેલે ખેડી વિક્રમી સફર, વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત
પૃથ્વી પર દરેક જીવને એક સારા પાર્ટનરની શોધ હોય છે પછી એ માણસ હોય કે પ્રાણી… આપણે અનેક વખત પાર્ટનરની શોધમાં વાઘ, સિંહ જેવા ખૂંખાર પ્રાણીએ કિલોમીટરના કિલોમીટર પ્રવાસ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી ગયા હોવાના સમાચારો વાંચતા જ હોઈએ છીએ. આવું જ કંઈક વ્હેલ સાથે થયું હતું. એક શાનદાર માદા વ્હેલની શોધમાં એક નર હંપબેક વ્હેલે પ્રશાંત મહાસાગરથી હિંદ મહાસાગર સુધીની મુસાફરી ખેડી હતી. 13046 કિલોમીટરની મુસાફરી કરીને એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે.
વૈજ્ઞાનિકો આ નવ વ્હેલને લાંબા સમયથી ટ્રેક કરી રહ્યા હતા. 10મી જુલાઈ, 2013ના ઉત્તરી કોલંબિયન પ્રશાંત મહાસાગરના ત્રિબુગા ખાડીમાં જોવા મલી હતી. ત્યાર બાદ 13મી ઓગસ્ટ, 2017માં તે ફરી પ્રશાંત મહાસાગરમાં દેખાઈ. પાંચ વર્ષ બાદ એટલે કે 2022માં 22મી ઓગસ્ટના હિંદ મહાસાગરની જંજીબાર ચેનલમાં જોવા મળી. આ પ્રજાતિમાં સૌથી લાંબા મુસાફરી ખેડવાનો આ રેકોર્ડ છે.
આ પણ વાંચો: અર્નાળાના દરિયાકાંઠે 100 ફૂટ લાંબી મૃત વ્હેલ તણાઈ આવી
આ વ્હેલ પર અભ્યાસ કરનારી ટીમે વૈજ્ઞાનિક ટેડ ચીસમેને જણાવ્યું હતું કે આ આટલી લાંબી વિક્રમી યાત્રાનો એક જ હેતુ હતો અને એ હતો પોતાની જાત માટે એક સારી માદાની શોધ. તે પહેલાં કોલંબિયાની દિશામાં આગળ વધીને દક્ષિણી સાગર અને ત્યાં તેણે એટલાન્ટિક મહાસાગરમાં પોતાના માટે એક માદાની શોધ કરી.
ચીસમેને આગળ જણાવ્યું કે એટલાન્ટિકમાં તેણે અનેક માદા વ્હેલ્સને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કર્યો પણ વાત કંઈ આગળ નહીં વધી અને તેણે ફરી પોતાની દિશા બદલી. હવે તેણે હિંદ મહાસાગરની દિશામાં આગળ વધવાનું શરૂ કર્યું. સામાન્યપણે વ્હેલની ટ્રાવેલિંગની એક ખાસ પેટર્ન હોય છે. તેઓ દર વર્ષે ઉત્તરથી દક્ષિણની દિશામાં 8000 કિલોમીટરનો પ્રવાસ કરે છે.
આ બધા વચ્ચે આ નર વ્હેલે તો રેકોર્ડ બનાવી દીધો છે અને એને કારણે સમુદ્રી વિશેષજ્ઞોની જૂની થિયોરી જેમની તેમ થઈ રહી છે. આ પહેલાં એક માદા હંપબેક વ્હેલે 1999થી 2001ની વચ્ચે બ્રાઝિલથી મડાગાસ્કર વચ્ચે 9800 કિલોમીટરની સૌથી લાંબી મુસાફરી ખેડી હતી.