તમે ખાવ છો એ મિઠાઈ પર લગાવવામાં આવેલો ચાંદીનો વરખ અસલી કે નકલી? આ રીતે ઓળખો…

તહેવારોની સિઝન શરુ થઈ ગઈ છે અને એની રૌનક બજારોમાં સ્પષ્ટપમે દેખાઈ રહી છે. નવરાત્રિ, દશેરા, દિવાળી, નવું વર્ષ ભાઈબીજ સહિતના અનેક મહત્ત્વના તહેવારોમાં પરિવાર અને મિત્રોના મોઢા મીઠા કરાવવાની આપણી વર્ષો જૂની પરંપરા છે.
આ ઉપરાંત દિવાળીમાં તો એકબીજાને ત્યાં મિઠાઈ મોકલવાની પ્રથા પણ છે. પરંતુ તમે ખાઈ રહ્યા છો એ કે ખવડાવી રહ્યા છો એ મિઠાઈ પર લગાવવામાં આવેલો ચાંદીનો વરખ અસલી છે કે બનાવટી એ જાણો છો? ચાલો તમને જણાવીએ કે કઈ રીતે આ બાબત તમે જાણી શકો છો…
અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે બજારમાં બનાવટી કે હલકી ગુણવત્તાવાળા માવાની મિઠાઈઓ તહેવારોમાં ધૂમ વેચાય છે, પરંતુ હવે તો મિઠાઈને આકર્ષક બનાવવા માટે તેના પર લગાવવામાં આવતા ચાંદીના વરખમાં પણ ભેળસેળ જોવા મળે છે.
આવી સ્થિતિમાં આપણે જે મિઠાઈ ખાઈ રહ્યા છીએ કે ખવડાવી રહ્યા છે તેના પર લગાવવામાં આવેલો વરખ અસલી છે કે બનાવટી એ ઓળખવું ખૂબ જ જરૂરી છે. આજે અમે અહીં તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું કે જેની મદદથી તમે સરળતાથી ઓળખી શકશો અસલી અને બનાવટી વરખ વચ્ચેનો તફાવત…
ચમક પરથી ઓળખોઃ
અસલી અને નકલી વરખ વચ્ચેનો તફાવત ઓળખવા માટે તેની ચમક અને બનાવટ પર ખાસ ધ્યાન આપો. ઓરિજનલ ચાંદીનું પડ ખૂબ જ પતલુ અને ચમકદાર હોય છે. અસલી ચાંદીનો વરખ એટલો બધો પાતળો હોય છે કે તે સરળતાથી હવામાં ઉડી જાય છે.
જ્યારે બનાવટી વરખમાં એલ્યુમિનિયમ જેવી ધાતુ મિક્સ કરવામાં આવે છે જેને કારણે તેની ચમક એકદમ વધી જાય છે અને તેને હાથ લગાવશો તે તે થોડો જાડો અને બરછટ લાગે છે. જ્યારે અસલી વરખ ચમકીલો, પાતળો અને સુંવાળો હોય છે.
સ્પર્શીને જુઓઃ
આ સિવાય અસલી નકલી વરખ વચ્ચેનો તફાવત પારખવા માટે તેને સ્પર્શીને જુઓ. અસલી વરખને સ્પર્શ કરશો એટલે તે તરતમાં હાથમાં આંગળીઓમાં ચોંટવા લાગે છે અને ફાટવા લાગે છે, કારણ કે તે ખૂબ જ ડેલિકેટ હોય છે. જ્યારે નકલી ચાંદીના વરખમાં એલ્યુમિનિયમ જેવી ધાતુ હોય છે એટલે તે ઝડપથી ફાટતું નથી અને જાડું પણ હોય છે.
વિશ્વાસપાત્ર હોય એવી દુકાન પરથી ખરીદો મિઠાઈ
મિઠાઈ ખરીદતી વખતે હંમેશા એક વાતની ચોકસાઈ ચોક્કસ રાખો કે તમે જે દુકાનમાંથી મિઠાઈ ખરીદો તે ફૂડ સેફ્ટી અને સિક્યોરિટી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ની માન્યતાપ્રાપ્ત હોય. મોટાભાગની જાણીતી બ્રાન્ડ્સ અને પ્રતિષ્ઠિત દુકાનોમાં મિઠાઈ પર ચાંદીનો વરખ જ લગાવવામાં આવે છે અને તેમના પેકેટ્સ પર આ વાતની જાણકારી આપવામાં આવી હોય છે.
તહેવારોની સિઝનમાં બનાવટી ચાંદીના વરખથી લઈને માવામાં પણ ભેળસેળ વગેરે કરવામાં આવે છે, જેને કારણે આપણે આપણા નજીકના લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય. પ્રયાસ કરો કે આ તહેવારોના દિવસોમાં પ્રતિષ્ઠિત અને વિશ્વાસપાત્ર હોય એવા દુકાનોમાંથી મિઠાઈ ખરીદીને સંબંધોમાં મિઠાશ ઉમેરીએ…
આ પણ વાંચો…આ છે અંબાણી પરિવારની મનગમતી મિઠાઈ, ખાસ પ્રાઈવેટ જેટથી પહોંચે છે એન્ટિલિયા…