ગૂગલમાં નોકરી કઇ રીતે મળે? આ યુવતીએ જણાવ્યો અનુભવ, ઇન્ટરવ્યુની તૈયારી અંગે આપ્યું માર્ગદર્શન
દેશભરના મોટાભાગના આઇટી ગ્રેજ્યુએટ્સનું સપનું હોય છે કે તેઓ જીવનમાં એકવાર ગૂગલમાં નોકરી જરૂરથી કરે. ટેકનોલોજીના ક્ષેત્ર સાથે જોડાયેલા અનેક યુવક-યુવતીઓ માટે ગૂગલમાં નોકરી મેળવવી એ ડ્રીમ જોબ જેવું છે. જો કે ગૂગલમાં નોકરી મેળવવી એ બિલકુલ સરળ નથી. ગૂગલમાં ઇન્ટરવ્યૂના અનેક રાઉન્ડ પછી પણ ઘણા ઉમેદવારોને રિજેક્ટ કરવામાં આવે છે. ત્યારે સોશિયલ મીડિયા પર હાલમાં ગૂગલમાં કામ કરતી એક યુવતીએ તેના ઇન્ટરવ્યૂથી માંડીને ગૂગલમાં નોકરીનો અનુભવ શેર કર્યો હતો, લોકોને માર્ગદર્શન આપ્યું હતું.
24 વર્ષીય શાલિની નેગીએ જણાવ્યું હતું કે ગૂગલનો ઇન્ટરવ્યૂ ક્રેક કરવો એ ખૂબ જ અઘરી બાબત છે. ઇન્ટરવ્યુના ઘણા રાઉન્ડ પાસ કરવાના હોય છે. અહીં પ્રોજેક્ટ વર્ક પર પણ ઘણું ધ્યાન આપવામાં આવે છે. શાલિનીને પહેલા કોલેજ પ્લેસમેન્ટ દરમિયાન એમેઝોનમાં ઇન્ટર્નશિપની ઓફર થઇ હતી. આશરે 6 મહિના જેટલું તેણે એમેઝોનમાં કામ કર્યા બાદ તેને થયું કે તેણે કારકીર્દીમાં આગળ વધવું જોઇએ. તેના એક સહકર્મીને ગૂગલમાં નોકરી મળી ત્યારે શાલિનીના સપનાને પણ પાંખો લાગી. તેણે ગૂગલમાં નોકરી માટે અરજી કરવાનું શરૂ કર્યું.
ગૂગલમાં તેણે બાયોડેટા મોકલ્યો, તે શોર્ટલિસ્ટ થયા બાદ તેને ગૂગલમાંથી ફોન આવ્યો. ભરતી કરનાર પાસે શાલિનીએ ઇન્ટરવ્યૂની તૈયારી માટે સમય માગ્યો હતો. અંદાજે 3 અઠવાડિયાની અંદર તેણે ઇન્ટરવ્યૂ માટે બનતી તમામ તૈયારીઓ કરવાની હતી. તેણે સોશિયલ મીડિયા પર એવા લોકોને શોધવાનું શરૂ કર્યું જેમણે ગૂગલના ઇન્ટરવ્યૂ પહેલા ક્રેક કર્યા હતા. ગૂગલના પ્રોજેક્ટ્સ, પ્રશ્નોના લેઆઉટ વગેરે માટે તેણે રિસર્ચ કર્યું.
ગૂગલના કોડિંગના પ્રશ્નોમાં મુશ્કેલી ન પડે એ માટે શાલિનીએ કોડિંગના 146 પ્રશ્નો હલ કર્યા. કોઇ વ્યક્તિ જાણે સરકારી પરીક્ષાની તૈયારી ન કરતો હોય તે રીતે તેણે ઇન્ટરનેટ સહિત તમામ માધ્યમોનો ઉપયોગ કરી માર્ગદર્શન મેળવ્યું, અને સખત મહેનત કરી. સતત કોડિંગની પ્રેકટિસને કારણે તેને ઇન્ટરવ્યૂ ક્રેક કરવામાં ઘણી સફળતા મળી તેવું શાલિનીએ જણાવ્યું હતું.