જૂના બેંક એકાઉન્ટ અને પૈસા ભૂલી ગયા છો? RBIએ જણાવ્યું કઈ રીતે પાછા મેળવી શકો છો પૈસા…

આપણે અનેક વખત વાંચ્યું હશે કે અનેક લોકોને બાપ-દાદાના જૂના બેંક એકાઉન્ટની જાણ નથી હોતી, કે પછી તેઓ આ એકાઉન્ટ વિશે ભૂલી જાય છે. પરંતુ ઘણી વખત આવા એકાઉન્ટમાં મોટી રકમ હોય છે જેની વર્ષો બાદ તેમને જાણ થાય છે. આ સિવાય ઘણા લોકો વર્ષો સુધી પોતાનું એકાઉન્ટ યુઝ નથી કરતાં.
તેમને લાગે છે કે તેમના પૈસા બેંકમાં સેફ છે અને ક્યાંય જવાનું નથી. પરંતુ એવું નથી હોતું. એક સમય બાદ તમે તમારું એકાઉન્ટ યુઝ નથી કરતાં તો એ પૈસા બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) પાસે મોકલાવી દે છે. આવી સ્થિતિમાં આ પૈસા કેવી પાછા મેળવી શકાય છે? તમારી સાથે પણ આવું થયું છે? ચાલો તમને આ વિશે જણાવીએ..
લોકો બેન્ક એકાઉન્ટ વિશે ભૂલી જાય છે
એવા અનેક લોકો છે કે જેઓ પોતાના બેન્ક એકાઉન્ટ અને તેમાં રહેલાં પૈસા વિશે ભૂલી જાય છે. જો તમારી સાથે પણ આવું થયું છે તો આ ચિંતા કરવાની જરૂર નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા આવા પૈસા પાછા આપવા માટે એક ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ઓક્ટોબર, 2025થી શરૂ થયેલું આ અભિયાન ડિસેમ્બર, 2025 સુધી ચાલશે. આ અભિયાનની મદદથી તમે તમારા એકાઉન્ટમાં રહેલાં પૈસા પાછા મેળવી શકો છો.
જો કોઈ વ્યક્તિનું એકાઉન્ટ બે વર્ષથી વધુ અને 10 વર્ષ સુધી ઉપયોગમાં નથી લેવામાં આવતું તો તે એકાઉન્ટ ઈનએક્ટિવ થઈ જાય છે. જ્યારે એકાઉન્ટ ઈનએક્ટિવ થઈ જાય છે તો એમાં રહેલાં પૈસા તો સુરક્ષિત રહે છે, પણ એની કેટલીક સર્વિસ બંધ થઈ જાય છે. આ એકાઉન્ટ ફરી ચાલુ રાખવા માટે કેવાયસી ડિટેઈલ્સ અપડેટ કરવી પડે છે અને એક ટ્રાન્ઝેક્શન કરવા પડે છે.
જો બેંક એકાઉન્ટ 10 વર્ષ કરતાં લાંબા સુધી ઈનએક્ટિવ રહે છે તો બેંક દ્વારા તેમાં રહેલાં પૈસા ડીઈએ ફંડમાં જમા કરવામાં આવે છે. આ ફંડ મે, 2024થી શરૂ કરવામાં આવ્યું હતું અને એમાં તમામ કમર્શિયલ અને કો-ઓપરેટિવ બેંકથી લાવારિસ પૈસા એકત્રિત કરવામાં આવે છે, જેને ક્લેમ કરવા કોઈ આગળ નથી આવ્યું.
શું છે આરબીઆઈનો નિયમ?
જો કોઈ એકાઉન્ટ બે વર્ષથી લઈને 10 વર્ષ સુધી વપરાયા વિવાનું પડી રહે છે તો આ એકાઉન્ટમાં રહેલાં પૈસા બેન્કમાં રહે છે. પરંતુ જો એકાઉન્ટ 10 વર્ષ કરતાં લાંબા સમય સુધી વપરાયા વિના પડ્યું રહે છે તો એ એકાઉન્ટમાં રહેલાં પૈસા આરબીઆઈના ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ (DEA) ફંડમાં જતા રહે છે. આનો અર્થ એવો નથી થતો કે આ પૈસા આરબીઆઈના થઈ ગયા. ડિપોઝિટરના કાયદેસરના વારસદારો આ પૈસા ક્લેમ કરી શકે છે. જોકે, એના માટે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે.
કઈ રીતે પૈસા પાછા મેળવશો?
રિઝર્વ બેંકના ડીઈએ ફંડમાં જમા થયેલાં પૈસા ખાતાધારક કે તેના વારિસ ક્યારે પણ પાછા લઈ શકે છે, એના માટે કોઈ મર્યાદા નક્કી નથી કરવામાં આવી. પૈસા પાછા મેળવવા માટે ત્રણ પદ્ધતિ છે.
- કોઈ પણ બેંકની શાખામાં જાવ
- એક ફોર્મ ભરીને તમારે ઓળખના પુરાવા તરીકે કેવાયસી ડોક્યુમેન્ટ જમા કરાવવા પડશે, જેમ કે આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, વોટર આઈડી કાર્ડ વગેરે વગેરે
- જ્યારે તમારા ડોક્યુમેન્ટસનું વેરિફિકેશન થઈ જશે તો તમને તમારા પૈસા વ્યાજ સહિત પાછા મળી જશે
તમારા કોઈ એકાઉન્ટ વિશે કઈ રીતે જાણશો?
જો તમે પણ જાણવા માંગો છો કે ક્યાંક તમારા પૈસા પણ લાવારિસ નથી પડ્યા તો એ માટે તમે બેંકનો સંપર્ક સાધી શકો છો. આ સિવાય તમે રિઝર્વ બેંકના Unclaimed Deposits Gateway to Access Information (UDGAM Portal)નો પણ ઉપયોગ કરીને લાવારિ પૈસાની જાણકારી મેળવી શકો છો. હાલમાં યુડીજીએએમ પોર્ટલ સાથે 30 બેંક જોડાયેલી છે, જેમાં એસબીઆઈ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંકનો સમાવેશ થાય છે.
છે ને એકદમ કામની માહિતી? તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે આ માહિતી શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
આ પણ વાંચો…હજુ પણ લોકો પાસે જે રૂ. 2000ની ચલણી નોટ: RBIએ જાહેર કર્યો ચોંકાવનારો આંકડો…



