શું તમે જાણો છો કે તમારા ખિસ્સામાં રહેલી ભારતીય ચલણી નોટ કોણ ડિઝાઈન કરે છે? RBI કે પછી…

ભારતીય ચલણી નોટો માત્ર કાગળનો ટુકડો નથી, પરંતુ તે દેશની સુરક્ષા, ટેકનોલોજી અને કલાત્મક વારસાનું એક અનોખું મિશ્રણ છે. પણ શું તમને ક્યારેય સવાલ થયો છે ખરો કે આખરે આ સુંદર દેખાતી ચલણી નોટની ડિઝાઈન કોણ તૈયાર કરે છે? તમારી જાણકારી માટે કે ચલણી નોટનો રંગ, તેની સાઈઝ અને તેના પરના ફોટો કંઈ એમ જ નક્કી કરવામાં આવતા નથી. આ આખી પ્રક્રિયા પાછળ એક મજબૂત કાયદાકીય માળખું અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની વર્ષોની મહેનતનું પરિણામ હોય છે. આ સ્ટોરીમાં આપણે જાણીશું કે આ ચલણી નોટ કોણ ડિઝાઈન કરે છે…
ભારતીય ચલણી નોટોની સુરક્ષા એટલી ચુસ્ત હોય છે કે નકલી નોટ બનાવવી લગભગ અશક્ય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ચલણી નોટોની સુરક્ષા અને ડિઝાઇનની જવાબદારી મુખ્યત્વે બે સંસ્થાઓ વચ્ચે સરખા ભાગે વહેંચાયેલી છે. આ બે સંસ્થાઓના એટલે કે ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા.
ભારતીય નોટો કેવી દેખાશે અને તેમાં કયા ફીચર્સ હશે, તે નક્કી કરવાની સત્તા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ, 1934ની કલમ 25માંથી મળે છે. આ કાયદામાં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર, આની અંતિમ સત્તા કેન્દ્ર સરકાર પાસે છે, પરંતુ સરકાર આરબીઆઈની ભલામણો પર વિચાર કર્યા પછી જ કોઈ નિર્ણય લે છે. આનો અર્થ એવો થયો તે આરબીઆઈ દરખાસ્ત કરે છે અને સરકાર તેને મંજૂરી આપે છે.
આરબીઆઈના મુંબઈ હેડક્વાર્ટર ખાતે આવેલું ‘ડિપાર્ટમેન્ટ ઓફ કરન્સી મેનેજમેન્ટ’ નોટના ડિઝાઇનિંગનું કામ સંભાળે છે. આ વિભાગ નવા ફેરફારો કરતા પહેલા વિશ્વના અન્ય દેશોની કરન્સી, સુરક્ષાના જોખમો અને નોટ કેટલો સમય ટકી રહેશે તેનો અભ્યાસ કરે છે. આ ચલણી નોટની ડિઝાઇન તૈયાર કરવા માટે કલાકારો, ટેકનિકલ નિષ્ણાતો અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID) જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓની મદદ લેવામાં આવે છે.
ભારતીય ચલણી નોટ પર છપાતો મહાત્મા ગાંધીનો ફોટો, મંગળયાન, લાલ કિલ્લો કે રાણીની વાવ જેવા મોટિફ્સ ખૂબ જ સાવચેતીપૂર્વક પસંદ કરવામાં આવે છે. નોટ ડિઝાઇન કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે જે લોકો જોઈ શકતા નથી તેઓ નોટનો આકાર, કલર કોન્ટ્રાસ્ટ અને તેના પરના ઉપસેલા નિશાન એટલે કે જેને આપણે બ્લીડ માર્ક દ્વારા તેને ઓળખી શકે.
તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય ચલણી નોટો અને સિક્કાઓ વચ્ચે મોટો તફાવત છે. ચલણી નોટ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ડિઝાઈન અને મેનેજ કરવામાં આવે છે. જ્યારે ચલણી સિક્કાની વાત કરીએ તો સિક્કાઓ સંપૂર્ણપણે ભારત સરકાર દ્વારા ડિઝાઇન અને ટંકશાળમાં બનાવવામાં આવે છે. આરબીઆઈની ભૂમિકા સિક્કાના કિસ્સામાં માત્ર તેના વિતરણ પૂરતી જ મર્યાદિત છે.
વાત કરીએ ભારતમાં ચલણી નોટો ક્યાં ક્યાં છપાય છે એની તો એક વખત સરકાર દ્વારા ડિઝાઇનને મંજૂરી આપવામાં આવે એ પછી દેશના ચાર મુખ્ય હાઈ-સિક્યોરિટી પ્રેસમાં તેનું પ્રિન્ટિંગ શરૂ થાય છે. આ ચાર પ્રેસમાંથી એક પ્રેસ મહારાષ્ટ્રના નાસિક, બીજી પ્રેસ મધ્ય પ્રદેશના દેવાસ, ત્રીજી પ્રેસ કર્ણાટકના મૈસૂર અને ચોથી પ્રેસ પશ્ચિમ બંગાળના સાલ્બોની ખાતે આવેલી છે. આ ચારેચ પ્રેસમાં ચલણી નોટો છાપવામાં આવે છે.
આ પણ વાંચો સાવધાન! તમારા નામે કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે? ઘરે બેઠા આ રીતે ચકાસી લો, નહીંતર…



