સ્પેશિયલ ફિચર્સ

તમે ડિપ્રેશનમાં છો કે નહી તે કેવીરીતે જાણશો? આ સંકેતોને ઓળખો

દર વર્ષે 10 ઓક્ટોબરનો દિવસ માનસિક સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવાય છે. આ પાછળનો હેતુ લોકોમાં માનસિક બિમારીઓને લઇને જાગૃતિ ફેલાવવાનો છે. લોકોમાં માનસિક બિમારીઓ અને તેને લગતી અનેક સાચીખોટી ભ્રમણાઓ હોય છે, જે ક્યારેક નુકસાન કરી શકે છે. ત્યારે એવા કયા સંકેતો છે જેને ડિપ્રેશનનું લક્ષણ ગણાવી શકાય તે અંગે માહિતી આપવાનો અહીં પ્રયાસ કરવામાં આવ્યો છે.

સતત હતાશા અને એકલતાનો અનુભવ: જીંદગીના કપરા સંજોગોમાં ઘણીવાર હિંમત હારી જવાય છે, મનમાં એક પ્રકારની નકારાત્મકતાની, દુ:ખની લાગણી ઘર કરી જાય છે. જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે આ પ્રકારની લાગણી અનુભવવી એ આમ તો સામાન્ય છે પરંતુ જો ઘણા મહિનાઓ વીતી જવા છતાં આ નકારાત્મક લાગણી કાયમ રહે તો સમજી જવું કે તે ડિપ્રેશનની નિશાની છે. ઉદાસીનો અનુભવ અને ડિપ્રેશનના અનુભવમાં ફરક છે. ખાસ્સા મહિનાઓ બાદ પણ ઉદાસી અને હતાશા છવાયેલી રહે તો સ્થિતિ ગંભીર કહી શકાય.

રોજીંદા કામકાજમાંથી રસ ઓછો થવો: દરરોજ કરવામાં આવતી એકની એક પ્રવૃત્તિમાંથી કંટાળો અનુભવાય તે સામાન્ય છે, તેને ડિપ્રેશન ગણી શકાય નહિ. કારણકે આ સ્થિતિમાં રૂટિનમાંથી બ્રેક લઇને હવાપાણી બદલીને ફરી કામે ચઢો ત્યારે કંટાળો ગાયબ થઇ જતો હોય છે. પરંતુ ડિપ્રેશનની સ્થિતિમાં એવો અનુભવ થાય છે જેમાં જે કામ કે પ્રવૃત્તિ કરવા માટે વ્યક્તિ પહેલા ઉત્સાહિત હતો તે કરવા માટે તેને હવે રસ જાગતો નથી. તેને એ પ્રવૃત્તિ કરવામાં કોઇ આનંદ પણ નથી આવતો અને કોઇ રૂચિ જાગતી નથી. ત્યારે કહી શકાય કે વ્યક્તિ ડિપ્રેશનમાં છે.

ઉંઘ આવતી જ બંધ થઇ જાય: આ ડિપ્રેશનનું સર્વસામાન્ય લક્ષણ છે. અનેક લોકોને આખી રાત ઉંઘ આવતી નથી હોતી, મોબાઇલમાં સોશિયલ મીડિયાના વળગણના લીધે લોકો નિંદ્રાવસ્થાનો અનુભવ જ નથી કરી શકતા. જો કે કેટલાક મોડી રાત્રે તેમજ સવારે પણ ઉંઘતા હોય છે. તેમ છતાં જો ઉંઘ આવે જ નહિ તો તે ડિપ્રેશનનું લક્ષણ હોઇ શકે છે. આનાથી ઉલટું કેટલાક લોકોને એવું પણ બની શકે કે સતત ઉંઘ આવ્યા કરે, દસ-બાર કલાક સુધી તેઓ ઉંઘ્યા જ કરે. આ પણ ડિપ્રેશનની સ્થિતિ છે.

સતત લો એનર્જી-થાક લાગ્યા કરવો: ખાવાપીવાનું નિયમિત હોવા છતાં પણ જો સતત થાક અને લો એનર્જી અનુભવાય તો તેમાં શારીરિક કારણો કરતા માનસિક કારણો વધારે ભૂમિકા ભજવતા હોય તેવું શક્ય છે. ભૂખ ન લાગવી અને ચીડિયાપણું વધવું, તો કેટલાક કિસ્સામાં સતત ક્રેવિંગ કોઇપણ સ્થિતિમાં જરૂરિયાત કરતા વધુ રિએક્ટ કરવું: માણસની અંદર અનેક પ્રકારની લાગણીઓ હોય છે. અને અલગ અલગ સંજોગો મુજબ તે અલગ અલગ પ્રકારની લાગણીઓ વ્યક્ત કરતો હોય છે ત્યારે જો અમુક સંજોગોમાં વધુ પડતી લાગણીઓ વ્યક્ત કરે જેમ કે વધુ પડતો ગુસ્સો કરે અથવા અચાનક ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે તો સમજવું કે તે ડિપ્રેશનનું લક્ષણ છે.

આત્મહત્યાના વિચારો આવવા: જીવન ટૂંકાવવાના વિચારો ડિપ્રેશનનું સૌથી મહત્વનું લક્ષણ છે. વિચારો પણ નિયંત્રણ રાખતા દરેક વ્યક્તિએ શીખી લેવું જોઇએ.

લોકોના સંપર્કમાં રહેવાનું મન ન થવું: સોશિયલ આઇસોલેશન એ સૌથી મોટી ભૂલ કહી શકાય. ભલે લોકોના ટોળામાં ભળવાનું મન ન થતું હોય અને તમે તમારી જાતને ઇન્ટ્રોવર્ટ ગણાવીને લોકોથી સતત દૂર રહેતા હોવ, પરંતુ એકાદ-બે એવા લોકો કે જેમની સાથે તમે જીવનમાં ગમેતે ક્ષણે ગમે તે વાતને લઇને ચર્ચા કરી શકતા હોવ તેવા લોકો જરૂરી છે. જ્યારે તમને જજ કર્યા વગર કોઇ સાંભળે તો તેનાથી ડિપ્રેશનમાં રાહત મળી શકે છે. આથી જ્યારે લોકોના સંપર્કમાં રહેવાનું મન ન થાય ત્યારે જાતને ફોર્સફુલી પણ ઘરની બહાર કાઢો, અને લોકોને મળતા રહો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો