રાજેશ -આશા પારેખ: અચ્છા, તો હમ ચલતે હૈ..
‘બોબી’ના એક ગીતની પાછળ સ્ટોરી
એવી છે કે હજી રાજ કપૂરે આ ફિલ્મની કાચીપાકી સ્ટોરીલાઈન પણ વિચારી નહોતી, પરંતુ ‘મેરા નામ જોકર’ની નિષ્ફળતા
પછી જોરદાર કમ-બેક માટે એમણે લક્ષ્મીકાંત- પ્યારેલાલની જોડીને અજમાવવાનું મન બનાવી લીધું હતું. એ દરમિયાન ગીતકાર આનંદ બક્ષી સાથે પણ મુલાકાત થઈ. બક્ષી સાહેબે પૂછ્યું :
‘યે બોબી અજીબ નામ હૈ… વો લડકી હૈ યા લડકા?’
રાજ સાહેબે કહ્યું : ‘અભી તય નહીં કિયા હૈ, મગર યે ટીનએજ લવસ્ટોરી હૈ.’ થોડી જ વારમાં આનંદ બક્ષીએ મુખડું સંભળાવ્યું:
‘હમ તુમ એક કમરે મેં બંધ હો ઔર ચાબી ખો જાય, તેરે નૈનોં કી ભૂલભૂલૈયા મેં બોબી ખો જાય!’
આ મુખડું રાજ સાહેબને એટલું ગમી ગયું કે એના માટે ફિલ્મમાં ખાસ સિચ્યુએશન ઊભી કરવામાં આવી. આનંદ બક્ષી કેટલા સ્પોન્ટેનિયસ કવિ હતા તે ક્યારેક માન્યામાં ન આવે. એક કિસ્સો એવો છે કે બક્ષીજી લક્ષ્મી-પ્યારે સાથે એમના મ્યુઝિક રૂમમાં બેઠા હતા. ઘણાં ટાઈમ મથ્યા પછી કંઈ વાત જામી નહીં એટલે બક્ષીજી ઊભા થતાં બોલ્યા:
‘અચ્છા, તો હમ ચલતે હૈ’
લક્ષ્મીજીએ પૂછ્યું : ‘ફિર કબ મિલોગે?’
‘જબ તુમ કહોગે…’ બક્ષીજી ઉવાચ…ને એ સાંભળીને લક્ષ્મીકાંત બોલી ઊઠયા : ‘અરે, યે તો મુખડા બન ગયા!’ અને પછી તો જોતજોતામાં પ્રેમી- પ્રેમિકા સાવ સામાન્ય વાતચીત કરતાં હોય એવા અંદાજમાં ગીત બનવા માંડ્યું! આ ગીતમાં બક્ષી સાહેબની માસ્ટરી ત્યાં આવે છે કે સાવ મામૂલી
વાતચીત લાગે એવા શબ્દો હોવા છતાં ગીતના બન્ને અંતરાના શબ્દો એક જ મીટરમાં (તર્જમાં) ફીટ થાય છે. આ ગીત પછી આપણને રાજેશ ખન્ના-આશા પારેખની ફિલ્મ: ‘આન મિલો સજના’માં જોવાં -સાંભળવાં મળ્યું…
શંકર જયકિશન અને શૈલેન્દ્રનો એક કિસ્સો પણ અનોખો છે. વાત એમ બની કે શૈલેન્દ્ર કોઈ કારણસર શંકર-જયકિશનથી રીસાઈ ગયા હતા. (એમની ગેરહાજરીમાં રેકોર્ડિંગ વખતે કદાચ એકાદ શબ્દ બદલ્યો હશે) શૈલેન્દ્ર બહુ ગુસ્સામાં છે એવી ખબર પડતાં જ શંકર
અને જયકિશન બન્ને એમને મળવાનું ટાળવા લાગ્યા. ત્યાં સુધી કે શૈલેન્દ્ર એમની
સાથે ઝગડો કરવા માટે એમના મ્યુઝિક રૂમમાં આવે છે એવી ખબર પડે કે તરત બન્ને
ક્યાંક છુપાઈ જતા અથવા ત્યાંથી રવાના થઈ જતા!
આવા જ એક પ્રસંગ વખતે શૈલેન્દ્રએ એક ચીઠ્ઠી મૂકી એમાં લખ્યું: ‘છોટી સી યે દુનિયા, પહેચાને રાસ્તે હૈ, તુમ કહીં તો મિલોગે…’
પછી તો જ્યારે બન્ને વચ્ચે સમાધાન થયું તે વખતે ‘રંગોલી’ ફિલ્મ માટે જે ગીત માટે એ ત્રણેય મળ્યા ત્યારે શંકરે પેલી ચીઠ્ઠી આપીને કહ્યું :
‘કવિરાજ, મુખડા તો લિખા હુઆ હૈ, અબ આગે લિખા જાય!’ (આ ‘કવિરાજ’ નામ રાજ કપૂરે પાડ્યું હતું.)
બીજી તરફ, કવિ ગુલઝાર આમ તો અટપટા શબ્દો લખવા માટે ખાસ્સા જાણીતા છે, પણ એમનું પહેલું ગીત અટપટા શબ્દોની પ્રેરણાથી જ લખાયું હતું. ફિલ્મ બંદિની’ માટે એસ. ડી. બર્મને એમને મુખડાની ધૂન સંભળાવતા ગાયું હતું: ‘દ દ દાદ દાદ દઈ દઈ… લ લ લાલ લાલ લઈ લઈ…’ મુંબઈની માયાનગરીમાં નવાનવા આવેલા ગુલઝાર છેક મોડી રાત સુધી આ શબ્દો ગણગણતા રહ્યા. છેવટે એમણે એ જ એબસર્ડ શબ્દોની બગલઘોડી બનાવીને બે શબ્દો પકડી લીધા… ‘લઈ લઈ’ અને ‘દઈ દઈ’! જેમાંથી ગીત બન્યું: ‘મોરા ગોરા અંગ લઈ લે, મોહે શ્યામ રંગ દઈ દે, છૂપ જાઉંગી રાત હી મેં, મોહે પી કા સંગ દઈ દે!’
જાવેદ અખતરે પણ ‘તેજાબ’ માટે લક્ષ્મીકાંત- પ્યારેલાલે જે ડમી શબ્દો
ધૂનમાં વાપર્યા હતા એનું જ આખું ‘કેલેન્ડર’ બનાવી દીધું! ડમી શબ્દો હતા: ‘એક દો તીન… ચાર પાંચ છે સાત આઠ નૌ, દસ ગ્યારા, બારા તેરા…’! ને તેજાબ’નું એ ગીત ને નવી નવી મધુરી બન્ને સુપર હીટ સાબિત થઈ ગયા !
આવું જ કંઈક બન્યું ઉષા ખન્ના સાથે. એક ગીત હતું ૧૯૬૬માં આવેલી દારાસિંહની ફિલ્મ ‘ઈન્સાફ’નું. ગીતની ધૂન બનાવવા બેઠેલાં ઉષાજીએ કંઈક વિચિત્ર ડમી શબ્દો કહ્યા હતા. જે થોડીવાર પછી ગીતકાર અસદ ભોપાલીના મનમાંથી નીકળી ગયા. એમણે પૂછ્યું: ‘યે તુમ ને ક્યા કહાં?’ ઉષાજીએ હળવાશથી કહ્યું : ‘કહા હોગા…’ અસદ ભોપાલીએ પૂછ્યું ‘તો મૈં ને ક્યા સુના?’ ઉષાજી ફરી હસીને બોલ્યાં: ‘સુના હોગા?’ અને લો… અસદ ભોપાલીએ કહ્યું : ‘બન ગયા મુખડા!’ એ મુખડાને રોમેન્ટિક ટચ આપવા માટે ત્રીજો જુમલો જોડવો પડ્યો: ‘અરે યે દિલ ગયા… ગયા હોગા!’
એ જ રીતે ‘આપ કી કસમ’ના મશહૂર ગીતની સ્ટોરી પણ એવી છે કે જેમાં ગીત બનાવવાની મથામણ વચ્ચે આરડી બર્મને આનંદ બક્ષીને પૂછ્યું : ‘અરે સુનો’ ..બક્ષી બોલ્યા : ‘હાં કહો?’ આરડી પૂછે છે : ‘કુછ હુઆ ક્યા?’ બક્ષી જવાબમાં કહે છે : ‘અભી તો નહીં, કુછ ભી નહીં’
-અને લો , આરડી બર્મને એ જ ઘડીએ એની ધૂન બનાવી દીધી!
આ ગીતના રેકોર્ડિંગ વખતે જે થયું તે તો આપણને ખડખડાટ હસાવી મૂકે તેવું છે.
લતા મંગેશકરે આ કિસ્સો શેર કરતાં કહ્યું કે ‘જ્યારે પણ કિશોર’દા સાથે રેકોર્ડિંગ
હોય ત્યારે ગીત રેકોર્ડ થતાં પહેલાં હું (અને આશાજી પણ) એમની સાથે બહુ વાતો કરવાનું ટાળીએ કેમ કે એ અમને એટલું બધું હસાવી નાખે કે ગાતી વખતે આપણું ગળું સૂર ચૂકી જાય!’
આ ‘સુનો’-‘કહો’ વાળા ગીત વખતે કિશોર કુમારે ખૂબ આગ્રહ કર્યો કે ના, મારી વાત સાંભળો જ સાંભળો! જુઓ, ગીતના શબ્દો શું છે? હવે કલ્પના કરો… એક જ ઘરમાં બે ટોઈલેટ છે, એકમાં તમે બેઠાં છો અને બીજામાં હું છું… અને આપણી વચ્ચે આ સંવાદ ચાલી રહ્યો છે, જેમાં હું પૂછું છું: ‘કુછ હુઆ ક્યા?’ અને તમે કહો છો: ‘અભી તો નહીં… કુછ ભી નહીં!’
આ સાંભળીને લતાજી તો હસી હસીને બેવડ વળી ગયા. કિશોરકુમાર ત્યાં ન અટક્યા. એ કહે છે : ‘હજી છેલ્લા શબ્દો વાંચો… શું લખ્યું છે?’. ‘જરા સા કુછ હુઆ તો હૈ!’