શું તમે પણ પબ્લિક પ્લેસ પર બ્લૂટૂથ ઓન રાખો છો? પહેલાં આ સમાચાર વાંચી લો…

આજના ડિજિટલ યુગમાં સ્માર્ટવોચ, ઇયરબડ્સ કે અન્ય ગેજેટ્સ કનેક્ટ કરવા માટે આપણે સતત બ્લૂટૂથનો ઉપયોગ કરીએ છીએ. મોટાભાગે કામ પતી ગયા પછી પણ આપણે બ્લૂટૂથ બંધ કરવાનું ભૂલી જઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે તમારી આ નાનકડી ભૂલ સાયબર ગુનેગારો માટે તમારા ફોનમાં ઘૂસવાનો રસ્તો ખોલી શકે છે?
બિનજરૂરી અને વિના કારણ ચાલુ રહેતું બ્લૂટૂથ કેવી રીતે તમારી પ્રાઈવસી અને બેંક બેલેન્સ માટે જોખમી સાબિત થઈ શકે છે. બ્લૂટૂથના માધ્યમથી થતી ઠગાઈને ટેકનીકલ ભાષામાં બ્લૂજેકિંગ, બ્લૂસ્નાર્ફિંગ અથવા બ્લૂબગિંગ તરીકે ઓળખવામાં આવે છે. સાયબર ક્રિમીનલ્સ પબ્લિક પ્લેસ પર આ ટેકનિકનો ઉપયોગ કરીને નિર્દોષ લોકોને નિશાન બનાવે છે.
સાઈબર ક્રિમીનલ્સ કઈ રીતે બનાવે છે શિકાર?
જ્યારે તમે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, મોલ કે માર્કેટ જેવા ભીડભાડવાળા સ્થળોએ હોવ છો, ત્યારે હેકર્સ ખાસ સોફ્ટવેર અને ડિવાઇસની મદદથી એવા ફોન શોધે છે જેનું બ્લૂટૂથ ઓન હોય.
પેરિંગ રિક્વેસ્ટ: હેકર તમારા ફોન પર બ્લૂટૂથ પેરિંગની રિક્વેસ્ટ મોકલે છે.
ભૂલથી સ્વીકૃતિ: જો તમે અજાણતા કે ઉતાવળમાં આ રિક્વેસ્ટ ‘Accept’ કરી લો, તો હેકર તમારા ફોનનો પૂરો કંટ્રોલ મેળવી શકે છે.
ડેટા ચોરી: એકવાર કનેક્ટ ડિવાઈસ કનેક્ટ થયા બાદ હેકર્સ તમારા ફોનમાંથી કોન્ટેક્ટ્સ, ફોટા, મેસેજ અને સૌથી ખતરનાક એટલે કે બેંકિંગ ડિટેઈલ્સ ચોરી લે છે. ત્યાર બાદ તમારું બેંક એકાઉન્ટ સાફ કરવામાં તેમને મિનિટોનો જ સમય લાગે છે.
બ્લૂબગિંગ એટેક શું છે?
વાત કરીએ બ્લૂબગિંગ શું છે એની તો આ એક અત્યંત ખૂબ જ જોખમી અને ખતરનાક એટેક છે જેમાં હેકર તમારી જાણ બહાર તમારા ફોનનો કંટ્રોલ પોતાના હાથમાં લઈ લે છે. આવું કરીને સાઈબર ક્રિમીનલ્સ તમારા ફોન પરથી કોલ કરી શકે છે, તમારા મેસેજ વાંચી શકે છે અને તમારી જાસૂસી પણ કરી શકે છે.
સાઈબર ફ્રોડથી બચવા માટે આટલું ચોક્કસ કરોઃ
પોતાના ડેટા અને પૈસાને સુરક્ષિત રાખવા માટે નીચેની સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે અને આ સાવચેતી માટે તમારે અહીં જણાવવામાં આવેલી કેટલીક સિમ્પલ ટિપ્સને ફોલો કરવી પડશે. આ ટિપ્સ ફોલો કરીને તમે કોઈ પણ જોખમી સ્થિતિ ફસાતાં બચી જશો-
બ્લૂટૂથ બંધ રાખો: જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે તરત જ બ્લૂટૂથ બંધ કરવાની આદત પાડો.
જાહેર સ્થળોએ સાવધાની: મોલ, એરપોર્ટ કે રેલવે સ્ટેશન જેવા સ્થળોએ બ્લૂટૂથ ચાલુ ન રાખો.
અજાણી રિક્વેસ્ટ નકારો: કોઈ પણ અજાણ્યા ડિવાઇસની પેરિંગ રિક્વેસ્ટ ક્યારેય સ્વીકારશો નહીં.
નૉન-ડિસ્કવરેબલ મોડ: ફોનની બ્લૂટૂથ સેટિંગમાં જઈને તેને ‘નૉન-ડિસ્કવરેબલ’ રાખો, જેથી કરીને કોઈ અજાણ્યા વ્યક્તિને તમારું ડિવાઇસ દેખાય જ નહીં.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે ચોક્કસ શેર કરજો, જેથી તેઓ સાઈબર ક્રિમીનલ્સની ચુંગાલમાં ફસાતા બચી શકે. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.



