‘અમારા પ્લેનમાં એક ઘોડો છે… પાયલટે તાત્કાલિક કરાવ્યું વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ

ન્યુયોર્કથી બેલ્જિયમ જઇ રહેલી ફ્લાઇટના પાયલટે ફોન કરીને કહ્યું, બાંધીને રાખેલો ઘોડો તેની પકડમાંથી છૂટી ગયો છે, ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડશે. આપણે ઘણીવાર એવા કિસ્સા જોયા છે જેમાં ફ્લાઇટમાં ગરબડ, પેસેન્જરની તબિયત બગડવી અથવા પેસેન્જરો વચ્ચે ઝઘડા-તકરારના સંજોગોમાં ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હોય. પરંતુ આ ઘટનામાં જે કારણને લીધે ફ્લાઇટને પરત ફરવું પડ્યું હતું તે જાણીને તમને નવાઇ લાગશે.
ન્યુયોર્કથી બેલ્જિયમ માટે નીકળેલા બોઇંગ-747 કાર્ગો વિમાનના પાયલટે ઉડાન ભર્યા બાદ અચાનક એર ટ્રાફિક કંટ્રોલને કોન્ટેક્ટ કર્યો. પાયલટે જણાવ્યું હતું કે ફ્લાઇટમાં લઇ જવાઇ રહેલો ઘોડો જે બાંધી રાખ્યો હતો, ઓચિંતા જ તેની પકડ છુટી ગઇ છે, અમે તેને ફરી બાંધવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તે બંધાઇ નથી રહ્યો. આથી આ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડશે. આપણે જલ્દી પરત ફરવું પડશે. હવે આટલું વાંચ્યા બાદ તમને થશે ફ્લાઇટમાં ઘોડો આવ્યો કઇ રીતે? તેનો સાવ સીધો જવાબ છે કે આ વિમાન એક કાર્ગો પ્લેન હતું, તે પેસેન્જર પ્લેન ન હતું. કાર્ગો વિમાનોમાં પ્રાણીઓને પણ લઇ જવાતા હોય છે. આમ, ફ્લાઇટમાં ઘોડો લઇ જવો એ સાવ કોમન બાબત હતી.
વિમાન બોસ્ટનના તટ પાસે પહોંચી ચુક્યું હતું જ્યારે આ મુસીબત ઉભી થઇ. તે સમયે વિમાન 31000 ફૂટની ઉંચાઇ પર ઉડી રહ્યું હતું. વિમાન જ્યારે ન્યુયોર્ક પરત ફરે ત્યારે જેએફકે એરપોર્ટ પર તાત્કાલિક એક પશુ ચિકિત્સક હાજર રહે તેવી પાલયટે તેના મેસેજમાં વિનંતી કરી હતી. ભારે જહેમત બાદ વિમાનનું સુરક્ષિત રીતે લેન્ડિંગ થયું હતું.