લોકલ ટ્રેનમાં રીલ્સ બનાવનારી યુવતી સાથે ડાન્સ કરવાનું ભારે પડ્યું હોમગાર્ડને, જાણો કેમ?
મુંબઈઃ મુંબઈ લોકલ ટ્રેન હોય કે દિલ્હીની મેટ્રો… ધીરે ધીરે આ પબ્લિક ટ્રાન્સપોર્ટ પ્રવાસ કરવા કરતાં નેટિઝન્સમાં રીલ્સ બનાવવાનું એક પ્લેટફોર્મ બનતાં જઈ રહ્યા છે. હાલમાં મુંબઈની લોકલ ટ્રેનનો એક આવો જ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે જેમાં યુનિફોર્મ પહેરેલો હોમ ગાર્ડ બીજી યુવતી સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. મળી રહેલી માહિતી પ્રમાણે આ વીડિયો છઠ્ઠી ડિસેમ્બરનો રાતે 10.10 વાગ્યાથી લઈને 10.15 વાગ્યાની વચ્ચેનો છે. આ વીડિયો મધ્ય રેલવેની લોકલ ટ્રેનમાં સેકન્ડ ક્લાસના કોચનો હોવાનું કહેવાય છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં એવું જોવા મળી રહ્યું છે કે મુંબઈની લોકલ ટ્રેનમાં એક યુવતી ડાન્સ કરી રહી છે અને તે એક્ઝેક્ટલી હોમગાર્ડની બાજુમાં જ ડાન્સ કરી રહી છે. શરુઆતમાં જો હોમગાર્ડ યુવતીને ચાલતી લોકલ ટ્રેનના દરવાજાથી દૂર રહેવાની સલાહ આપતો જોવા મળે છે. પરંતુ બીજી જ ક્ષણે હોમગાર્ડ પણ યુવતી સાથે ડાન્સમાં જોડાઈ જાય છે. જોકે, હવે હોમગાર્ડની આ જ હરકત તેના માટે મુશ્કેલીનું કારણ બની છે.
ગર્વન્મેન્ટ રેલવે પોલીસ (જીઆરપી) દ્વારા આ ઘટનાની નોંધ લઈને તરત જ તેની સામે પગલાં લેવામાં આવ્યા છે. એસએફ ગુપ્તા નામના હોમગાર્ડની મુશ્કેલી આ વાઈરલ વીડિયોને કારણે વધી ગઈ છે અને તેને આઠમી ડિસેમ્બરના આ અંગે ખુલાસો કરવા માટે સમન્સ મોકલવામાં આવ્યા હતા. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પણ જીઆરપી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે સ્ટાફને ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને એ માટે યોગ્ય સૂચનો અને ભલામણ કરવામાં આવી છે અને મહિલાઓની સુરક્ષા અને સિક્યોરિટી હંમેશા જ અમારી પહેલી પ્રાથમિક્તા હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું.