નહાવાની પરંપરા ક્યારથી શરૂ થઈ? જાણો હજારો વર્ષ જૂનો ઇતિહાસ અને શિયાળામાં ન નહાવા પાછળનું રસપ્રદ વિજ્ઞાન

હાલમાં દેશભરમાં સરરસ મજાની ઠંડીનું મોજું ફરી વળ્યું છે. આવી સ્થિતિમાં તમે સોશિયલ મીડિયા પર નહાવા સંબંધિત અનેક મીમ અને રીલ્સ જોઈ હશે. ઉત્તર ભારત અને ગુજરાતના કેટલાક ભાગોમાં જ્યારે કડાકે કી ઠંડી પડે છે, ત્યારે ‘રોજ નહાવું’ એ શિષ્ટાચાર કરતાં વધુ એક સાહસ બની જાય છે. ઘણા લોકો તો અઠવાડિયા સુધી સ્નાન કરવાનું ટાળે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે નહાવાની આ પરંપરા ક્યારથી શરૂ થઈ? શું પ્રાચીનકાળમાં પણ લોકો રોજ નહાતા હતા? ચાલો જાણીએ સ્નાન કરવાની શરૂઆત ક્યાંથી થઈ અને અને સ્વચ્છતાના રસપ્રદ ઇતિહાસ વિશે વિગતવાર…
વાત કરીએ નહાવાના ઈતિહાસ વિશે તો એનો ઈતિહાસ હજારો વર્ષ જૂનો છે. પ્રાચીન સંસ્કૃતિઓમાં પાણીને માત્ર શરીરની ગંદકી સાફ કરવાનું સાધન નહીં, પરંતુ આત્માના શુદ્ધિકરણનું માધ્યમ માનવામાં આવતું હતું.
સિંધુ ખીણની સભ્યતા અને ‘ધ ગ્રેટ બાથ’
ઈ.સ. પૂર્વે ૨૫૦૦ની આસપાસ પણ લોકો સ્વચ્છતાને વિશેષ મહત્વ આપતા હતા. મોહેં-જો-દડોમાં મળી આવેલું ‘ગ્રેટ બાથ’ (વિશાળ સ્નાનાગાર) એ વાતનો પુરાવો છે કે તે સમયે સામૂહિક સ્નાનની પરંપરા હતી. ભારતીય સંસ્કૃતિમાં સ્નાનને ધાર્મિક વિધિઓ સાથે જોડવામાં આવ્યું છે. ગંગા, યમુના અને અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવું એ પુણ્યનું કામ માનવામાં આવે છે.
રોમન અને ગ્રીક સંસ્કૃતિમાં સ્નાન
પ્રાચીન ગ્રીક અને રોમમાં સાર્વજનિક સ્નાનાગાર ખૂબ પ્રચલિત હતા. આ સ્થળો માત્ર સ્વચ્છતા માટે જ નહીં, પણ સોશિયલ ગેધરિંગના સેન્ટર પણ હતા. જ્યાં લોકો માટે ગરમ અને ઠંડા પાણીની અલગ વ્યવસ્થા હતી, જેથી બોડી આરામ અને ઉર્જા મળી શકે. જોકે, આ સુવિધાઓ મોટાભાગે શહેરો પૂરતી મર્યાદિત હતી, ગ્રામીણ વિસ્તારોમાં લોકો લાંબા સમય સુધી નહાતા નહોતા.
મધ્યયુગમાં નહાવા પ્રત્યેનો ડર
મધ્યકાલીન યુરોપમાં નહાવાની આદત અચાનક ઓછી થઈ ગઈ હતી. તે સમયે એવી માન્યતા ફેલાઈ હતી કે વારંવાર નહાવાથી શરીર નબળું પડે છે અને રોગો ફેલાય છે. ઠંડા હવામાન અને ગરમ પાણીના અભાવે લોકો શિયાળામાં અઠવાડિયા સુધી સ્નાન કરવાનું ટાળતા હતા. શરીરની દુર્ગંધ છુપાવવા માટે ઈતર અને સુગંધિત તેલોનો ઉપયોગ એ સમયનો સામાન્ય રિવાજ બની ગયો હતો.
શિયાળામાં ન નહાવા પાછળનું વિજ્ઞાન
શિયાળામાં નહાવાનું ટાળવું એ માત્ર આળસ નથી, પણ તેની પાછળ જૂના સમયના કેટલાક વૈજ્ઞાનિક કારણો પણ હતા. ઠંડીમાં શરીરની ત્વચા કુદરતી તેલ (Natural Oils) રીલિઝ કરે છે જે શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. વારંવાર નહાવાથી આ પડ હટી જાય છે, જેનાથી ત્વચા સૂકી પડે છે અને ઠંડી વધુ લાગે છે.
આ ઉપરાંત વાત કરીએ જૂના જમાનાની તો એ સમયમાં હીટર કે ગીઝર જેવી ગરમ પાણી માટેની આધુનિક સુવિધાઓ નહોતી ઉપલબ્ધ. ઠંડા પાણીમાં સ્નાન કરવાથી હાઈપોથર્મિયા કે ન્યુમોનિયા થવાનું જોખમ રહેતું હતું, તેથી લોકો શિયાળામાં સ્નાન કરવાનું ટાળતા હતા.
આધુનિક યુગ અને સ્વચ્છતા
ઔદ્યોગિક ક્રાંતિ અને આધુનિક પ્લમ્બિંગ સિસ્ટમના આગમન બાદ નહાવાની પદ્ધતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. હવે ઘરે-ઘરે ગરમ પાણી, સાબુ અને શેમ્પૂ ઉપલબ્ધ છે, જેનાથી રોજ સ્નાન કરવું એ જીવનશૈલીનો ભાગ બની ગયો છે. આયુર્વેદ પણ કહે છે કે સવારે સ્નાન કરવાથી શરીર, મન અને આત્માનું સંતુલન જળવાય છે.
છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી અજબગજબની માહિતી અને સમાચાર જાણવા માટે અમારી સાથે ચોક્કસ જોડાયેલા રહો.
આ પણ વાંચો…શિયાળામાં કયા રંગના કપડાં પહેરવા જોઈએ? જાણી લેશો તો ઠંડી સ્પર્શી પણ નહીં શકે…



