ઈન્ટરવલસ્પેશિયલ ફિચર્સ

અજબ ગજબની દુનિયા હેન્રી શાસ્ત્રી મૈં અઠરા બરસ કી, આપ અઠાસી બરસ કે…

ગીતકાર ઈન્દીવરના પ્રેમથી નીતરતા ‘હોઠોં સે છૂ લો તુમ’ ગીતની એક પંક્તિ ‘ના ઉમ્ર કી સીમા હો, ના જન્મ કા હો બંધન, જબ પ્યાર કરે કોઈ તો દેખે કેવલ મન’નું જીવતું જાગતું ઉદાહરણ આપણા દેશથી ૭૭૦૦ કિલોમીટર દૂર સ્કોટલેન્ડમાં જોવા મળ્યું છે. ૧૦ વર્ષ પહેલા ૧૮ વર્ષની ઈઝાબેલ નામની તરુણીને ૮૮ વર્ષના ટોમ નામના વયોવૃદ્ધ સાથે દોસ્તી – મનમેળ થઈ ગયા. મોટેભાગે ઉંમરના આવા જંગી તફાવતના સંબંધ ધન મેળવવાની લાલચે બાંધવામાં આવતા હોય છે. જોકે, ઈઝાબેલ અને ટોમના રિલેશન આજે ૧૦ વર્ષ પછી પણ અકબંધ અને હેતાળ રહ્યા છે એનું અનેક લોકોને અચરજ થયું છે.

ફેશનનું ભણવા ગયેલી ઈઝાબેલ ખર્ચ કાઢવા બુકીને ત્યાં નોકરી કરતી હતી એ દરમિયાન ત્યાં વારંવાર આવતા વડીલ ટોમ માટે હેત ઉભરાયું અને એક અદભુત મૈત્રીનો પ્રારંભ થયો. તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈઝાબેલે રજૂઆત કરી છે કે ‘અઠવાડિયામાં બે ત્રણ વાર હું તેમના ઘરે જતી. જાતે રસોઈ બનાવી એ મને જમાડતા અને ક્યારેક હું એમને બહાર ડિનર કરવા લઈ જતી અને ફિલ્મ જોવા પણ સાથે જતા. જોકે, પછી મને બીજા શહેરમાં નોકરી મળી, પણ છેલ્લા ૧૦ વર્ષથી અમે દર છ અઠવાડિયે મળીએ છીએ, અલક મલકની વાતો કરીએ છીએ. એમણે મને જીવનના ઘણા પાઠ શીખવ્યા છે અને એમના અનુભવના નિચોડથી જ હું આગળ વધી શકી છું.’

નર્યા સ્વાર્થથી ફાટફાટ થતી દુનિયામાં પ્રેમનો આવો નિ:સ્વાર્થ સંબંધ એક અજાયબી તો જરૂર કહેવાય. લ્યો કરો વાત! પતિ – પત્નીને પાંચ – છ કે એથી વધુ સંતાન હોય એ હવે ઈતિહાસ ગણાય છે. વાત તો ‘હમ દો, હમારે દો’ થી ઘટી ‘હમ દો હમારા એક ભી નહીં’ અને ‘હમ એક દૂસરે કે ભી નહીં’ સુધી મજલ મારી ચૂકી છે. આ વાતાવરણમાં ઈસ્ટ આફ્રિકાના યુગાન્ડા દેશમાં હાસિયા કસેરા નામનો ૬૭ વર્ષના શખ્સને ૧૨ પત્ની છે. એક ડઝન લગ્નને કારણે પુત્ર – પુત્રી, પૌત્ર – પૌત્રી, પ્રપૌત્ર – પ્રપૌત્રીની સંખ્યા ૬૭૨ છે. એક જ ઘરમાં આટલી મોટી સંખ્યાની વસ્તી હોવાથી એ લોકો રહે છે એને ઘર નહીં પણ ‘જિલ્લો’ તરીકે ઓળખ આપવી જોઈએ એવી મજેદાર દલીલ કરવામાં આવી છે. કાખમાં ચોર ને પોલીસની ધમાધમ વસ્તુ હાથવેંતમાં હોય અને એને શોધવા ગામ આખામાં હડિયાપટ્ટી કાઢતા ફરીએ એવો ભાવાર્થ ધરાવતી કહેવત છે ‘કાખમાં છોકરું ને ગામમાં ધમાધમ’.

યુકેની પોલીસને ગુનેગારીની દુનિયામાં આ કહેવતનો પરચો અલગ સ્વરૂપે થયો છે. યુકેની સસેક્સ નામની કાઉન્ટીના રોબર્ટ ફિટ્ઝગેરાલ્ડ નામના રહેવાસીને કેફી દ્રવ્યની હેરાફેરીના આરોપસર જેલની સજા થઈ હતી. જોકે, દોઢ વર્ષની સજા બાકી હતી ત્યારે જુગાડ કરી ફરાર થઈ ગયો. પોલીસે જાહેરનામું બહાર પાડી રોબર્ટને પકડવા માટે જનતાને અપીલ પણ કરી. કેદી સંતાવાની શંકા હતી એ સહિત દૂરદૂરના અનેક વિસ્તાર પોલીસ ફેંદી વળી. શાણા રોબર્ટે તો પોતાની કાઉન્ટીથી ૧૦૦ કિલોમીટર દૂર ઓક્સફર્ડ શહેરમાં જ ધામા નાખ્યા.

કોઈની સાડીબારી રાખ્યા વિના અસલી નામ સાથે કામકાજ કરતો રહ્યો અને સરકારને ટેક્સ પણ ચુક્વતો રહ્યો. જોકે, આઠ વર્ષ પોલીસને ઉલ્લુ બનાવનારા રોબર્ટની કોઈ નાણાકીય લેવડ દેવડની જાણ અચાનક પોલીસને થઈ અને ‘હાયલા! આ તો આપણે શોધીએ છીએ એ જ છે’ એવું બ્રહ્મજ્ઞાન થયું. આંખ ચોળતી પોલીસ ભાગી અને ફરાર કેદીને ઝબ્બે કર્યો. દીકરી મારી લાડકવાયી દીકરીના લગ્ન એ કોઈ પણ બાપ માટે એવો પ્રસંગ છે જેનું વર્ણન કરવા શબ્દોનો પનો ટૂંકો પડે. વેંત ન હોય તો પણ લગ્ન માટે દીકરીની તમામ ઈચ્છાઓ પૂરી કરવા પિતા આકાશ પાતાળ એક કરવામાં પાછી પાની ન કરે. સંતાન સાથેના પેરન્ટ્સના સંબંધોમાં લાગણી લગભગ નામશેષ હોય છે એવા અમેરિકામાં પુત્રીના લગ્નમાં હાજર રહેવાની પિતાની કોશિશ હેરત પમાડે એવી છે. અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિની પરવા કર્યા વિના ’ક્ધયાદાન’ કરવા પહોંચી ગયેલા પિતાની કથા ‘દીકરી મારી લાડકવાયી’ની ભાવનાને ચરિતાર્થ કરે છે. પિતાશ્રી મિસ્ટર ડેવિડ જોન્સના નિવાસસ્થાનેથી દીકરીનું લગ્ન સ્થળ કારમાં પહોંચતા બે કલાક જેટલું જ દૂર હતું.

જોકે, નીકળવાના દિવસે ભયંકર ખરાબ હવામાનને કારણે ખરાબ થયેલી સડક પર કાર ચલાવી પહોંચી શકાય એમ નહોતું. દીકરી માટેના હેતથી મક્કમ બનેલા પિતા જરાય ન ગભરાયા. એક સમયે મેરેથોન રનર રહેલા મિ. ડેવિડે સામાન ઉઠાવી પગપાળા મુસાફરી શરૂ કરી. કાદવ કીચડવાળા રસ્તા અને વરસાદની પરવા કર્યા વિના ૫૦ કિલોમીટર ચાલ્યા પછી સારી સડક આવતા કોઈ સજજને મિસ્ટર ડેવિડને લિફ્ટ આપી લગ્ન સ્થળ સુધી પહોંચાડી દીધા. પિતાને આવતા જોઈ પુત્રી કેવી લાગણીવશ થઈ એનું વર્ણન શબ્દોમાં કરી જ ન શકાય. ‘મન હોય તો માળવે જવાય’ કહેવત કેવી રીતે બની હશે એ આવા કિસ્સા પરથી સમજાય છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button