કુદરતી આહાર તંદુરસ્તીનો ખજાનો, મેદસ્વીતાથી બચવાનો સરળ ઉપાય | મુંબઈ સમાચાર
હેલ્થ

કુદરતી આહાર તંદુરસ્તીનો ખજાનો, મેદસ્વીતાથી બચવાનો સરળ ઉપાય

મેદસ્વીતા એટલે શરીરમાં જરૂર કરતાં વધારે ચરબી જમા થવી. આ એક એવી પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિનું વજન ખૂબ વધી જાય છે અને તે અનેક રોગોનું કારણ બની શકે છે. આના મુખ્ય કારણોમાં આપણી ખોટી ખાણી-પીણીની આદતો, જેમ કે જંક ફૂડ, તળેલી વસ્તુઓનું વધુ સેવન અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ છે. આજના બેઠાડુ જીવનમાં કસરત ઓછી થવાથી આ સમસ્યા વધી રહી છે. આ ઉપરાંત, આનુવંશિક કારણો, હોર્મોનલ સમસ્યાઓ, અને માનસિક તણાવ પણ મેદસ્વીતા માટે જવાબદાર છે. મેદસ્વીતાના કારણે હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું જોખમ ખૂબ વધી જાય છે. વધુ વજનને લીધે સાંધાઓ પર દબાણ આવવાથી ઘૂંટણ અને કમરનો દુખાવો પણ સામાન્ય છે.

આવી પરિસ્થિતિમાં કુદરતી આહાર તરફ વળવું એ સૌથી અસરકારક અને સલામત રસ્તો છે. કુદરતી ખોરાક માત્ર વજન ઘટાડવામાં જ નહીં પરંતુ શરીરને તંદુરસ્ત, શક્તિશાળી અને દીર્ઘાયુષ્યવાન બનાવવામાં પણ મદદ કરે છે. કુદરતી આહાર એટલે એવો ખોરાક જે પ્રકૃતિમાંથી સીધો પ્રાપ્ત થાય છે અને જેમાં કૃત્રિમ રંગ, સ્વાદ, પ્રિઝર્વેટિવ અથવા વધારે પ્રોસેસિંગ ન થયું હોય તેવાં ફળો, શાકભાજી, અંકુરિત દાળ, સંપૂર્ણ અનાજ, કઠોળ, સૂકા મેવાં, બીજ અને કુદરતી પીણાં એ બધું કુદરતી આહારમાં આવે છે.

મેદસ્વીતા ઘટાડવામાં કુદરતી આહાર કેમ મદદરૂપ છે?

કુદરતી આહારમાં ઓછી કેલરી અને વધારે પોષણ હોય છે. કુદરતી ફળો અને શાકભાજી ઓછી કેલરી ધરાવે છે પરંતુ વિટામિન, મિનરલ્સ અને ફાઇબરથી સમૃદ્ધ છે. આથી શરીરને જરૂરી પોષણ મળે છે અને વધારાની ચરબી સંગ્રહ થતી નથી. ફાઇબરવાળા ખોરાક લાંબા સમય સુધી ભૂખ લાગવા દેતા નથી. વધારે ખાવાની ઈચ્છા ઓછી થઈ જાય છે અને વજન નિયંત્રિત રહે છે. કુદરતી આહાર પાચન તંત્રને મજબૂત બનાવે છે જેથી ખોરાક સરળતાથી પચી જાય છે અને ચરબી જમા થતી નથી. ફળો અને શાકભાજી શરીરમાંથી ટૉક્સિન્સ બહાર કાઢવામાં મદદ કરે છે. પરિણામે ચરબી ઓછી થાય છે અને તાજગી અનુભવી શકાય છે. કુદરતી ખોરાક બ્લડ શુગર સ્તરને સ્થિર રાખે છે, જેના કારણે ખાંડવાળી ચીજવસ્તુઓ ખાવાની ઈચ્છા ઓછી થાય છે.

વજન ઘટાડવામાં મદદરૂપ કુદરતી આહારના ઉદાહરણો

લીલા શાકભાજી જેવા કે, પાલક, મેથી, ચોળાઈ એ આયર્ન અને ફાઇબરથી ભરપૂર હોય છે. જે વજન ઓછું કરવામાં અસરકારક સાબિત થાય છે. દૂધી એ પાણીવાળી શાકભાજી છે. જે પેટ હળવું રાખે છે અને ડિટૉક્સિફિકેશન કરવામાં મદદરૂપ થાય છે. કાંટોળ જેને કંકોડા પણ કહેવામા આવે છે. તેમાં ઓછી કેલરી અને વધુ પ્રમાણમાં ફાઇબર હોય છે. જે વજન ઘટાડવામાં સહાયરૂપ છે. કાકડી અને ટમેટાં જે હાઈડ્રેશન જાળવે છે અને ચરબી ઓછી કરવામાં મદદરૂપ થાય છે. ફળો જેવા કે સફરજન, જામફળ, પપૈયું અને નાસપતી જેનાં કુદરતી મીઠાશથી ખાંડની લત ઓછી થાય છે. અંકુરિત દાળ પ્રોટીનથી ભરપૂર હોવાથી વજન ઘટાડવામાં અત્યંત ઉપયોગી બને છે. લીંબુ પાણી અને ગ્રીન ટી એ મેટાબોલિઝમ ઝડપી બનાવે છે અને ચરબી ઘટાડવામાં મદદ કરે છે.

કુદરતી આહાર માત્ર એક ખાવાપીવાની રીત નથી, પરંતુ તે તંદુરસ્ત જીવન જીવવાનો આધાર છે. મેદસ્વિતા ઘટાડવા માટે દવાઓ અથવા કઠોર ઉપચારની જગ્યાએ કુદરતી ખોરાકનો માર્ગ અપનાવવો વધારે અસરકારક અને સુરક્ષિત છે. ફળો, શાકભાજી, અંકુરિત દાળ અને ગ્રીન ટી જેવા ખોરાકને રોજિંદા જીવનમાં સામેલ કરવાથી માત્ર વજન જ ઘટતું નથી, પરંતુ શરીર તંદુરસ્ત, મન પ્રસન્ન અને જીવન વધુ ઉર્જાસભર બની રહે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર જાણકારી માટે છે. કોઈપણ માહિતીનો અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. મુંબઈ સમાચાર આની પુષ્ટિ કરતું નથી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button