મેનોપોઝ અને હાર્ટ એટેકને શું છે સંબંધઃ ખોટી વાતોમાં આવ્યા પહેલા આ વાંચી લો
મહિલાઓના જીવનમાં ભાવનિક જ નહીં શારીરિક ઉતારચાઢવ પણ એટલા જ આવે છે. લગભગ બારે વર્ષની ઉંમરે પહેલીવાર મેન્સ્ટ્રુએશન સાયકલમાં પ્રવેશતી કિશોરી 50 વર્ષ સુધી અલગ અલગ હોર્મોનલ ચેન્જીસમાંથી પસાર થાય છે. આ દરિમયાન તે જાતીય જીવન પણ જીવે છે અને માતા પણ બને છે. પણ ઢળતી ઉંમરે તે ફરી એક અલગ અનુભવમાંથી પસાર થાય છે અને તે છે મેનોપોઝ. આ સ્થિતિ આમ તો શારીરિક છે, પણ આની સાથે મનોવિજ્ઞાન પણ જોડાઈ રહ્યું છે. કમનસીબે સ્ત્રીઓની આ સ્થિતિ વિશે હકીકતો ઓછી અને માન્યતાઓ વધારે છે.
આ પણ વાંચો: menopause myths: ખોટી વાતોમાં ન આવો તે માટે જાણો શું છે સાચી વિગતો
મેનોપોઝ પછી હાર્ટ એટેકનું રિસ્ક વધારે?
મેનોપોઝ બાદ મહિલાઓનો માસિક સ્ત્રાવ બંધ થઈ જાય છે જે તેમના શરીરની એક ખૂબ જ મહત્વની પ્રક્રિયા છે. 50 કે ત્યારપછીની ઉંમરમાં મેનોપોઝ આવ્યા બાદ મહિલાઓને હાર્ટ એટેક કે હૃદયની બીમારીની સમસ્યા વધી જતી હોવાનું અમુક સંશોધનો જણાવે છે.
મેનોપોઝ પછી સ્ત્રીઓમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન્સનું સ્તર ઘટવા લાગે છે. જ્યારે આવું થાય છે, ત્યારે શરીરમાં અમુક બીમારી ઘુસી જતી હોય છે.
નિષ્ણાતોનું માનવાનું છે કે શરીરમાં એસ્ટ્રોજનની અછતને કારણે લોહીમાં કોશિકાઓ સખત બનવા લાગે છે. જેના કારણે હૃદયની નસોમાં બ્લોકેજ થવા લાગે છે. એસ્ટ્રોજન હોર્મોન ધમનીઓને ફ્લેક્સિબલ રાખે છે અને તેના ઘટ્યા પછી, ધમનીઓની ફ્લેક્સિબિલિટી પહેલા ઘણી ઓછી થવા લાગે છે. આ કારણોને લીધે હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. આ સિવાય 50 વર્ષની ઉંમર પછી મહિલાઓને કોલેસ્ટ્રોલ વધવાની અને હ્રદયની નસોમાં બ્લોકેજની સમસ્યા પણ થવા લાગે છે. આ બંને હાર્ટ એટેકનું કારણ પણ બની શકે છે.
મેનોપોઝ પછી સ્ત્રીઓમાં મેટાબોલિઝમ પણ ધીમી પડી શકે છે. જેના કારણે મહિલાઓ સ્થૂળતાનો શિકાર બને છે. જે હૃદયની બીમારીઓ નોતરી શકે છે.
આ પણ વાંચો: ધૂમ્રપાનને કારણે પ્રિ-મેનોપોઝ!
મહિલાઓએ શું કરવું જોઈએ
કોઈપણ બીમારી સામે પહેલેથી રક્ષણ મેળવવા માટે લાઈફસ્ટાઈલમાં ફરેફાર જરૂરી છે. 50 વર્ષ બાદ ખાનપાનમાં સચેત રહેવું. લીલા શાકભાજી, પ્રવાહી વગેરે વધારે ખાવું અને શરીરમાં તાકાત રહે તે માટે કસરત કરવી તેમ જ ચાલવાનું રાખવું. આ સાથે પાણી પીવાની ટેવ ન હોય તો ચોક્કસ પાળવી.
તમારા હૃદયનું ધ્યાન રાખવા માટે તમે મનનું ધ્યાન રાખો તે જરૂરી છે. જે મહિલાઓનું માસિક ધર્મ અને સગર્ભાવસ્થા દરમિયાન બરાબર ધ્યાન રાખવામાં આવ્યું નથી તે મહિલાઓને મેનોપોઝ બાદ માનસિક તાણનો અનુભવ થાય છે. આથી મહિલાઓએ પોતે પ્રવૃત્તિમય રહેવું. નવા શોખ કેળવવા, પ્રવાસ કરવો અને મન આનંદીત રહે તેવા પ્રયત્નો કરવા.
આ સાથે પરિવારના લોકોએ પણ ઘરની સ્ત્રીઓની ખાસ સંભાળ લેવી અને ખાસ કરીને તેનું મન આનંદમાં રહે તેવી પ્રવૃત્તિઓ કરવી. મેનોપોઝ તેમના જીવનનો એ સમય છે જ્યારે તેમને વધારે હૂંફ અને કાળજીની જરૂર હોય છે.