નવરાત્રિના નવ દિવસોનો દેવીઓ જ નહીં પણ આયુર્વેદની ઔષધીઓ સાથે પણ છે કનેક્શન… | મુંબઈ સમાચાર
હેલ્થ

નવરાત્રિના નવ દિવસોનો દેવીઓ જ નહીં પણ આયુર્વેદની ઔષધીઓ સાથે પણ છે કનેક્શન…

ભારત એ સાંસ્કૃતિક મુલ્યો અને પરંપરાઓમાં વિશ્વાસ રાખનારો દેશ છે અને ભારતીય સંસ્કૃતિમાં જેટલું ધર્મનું મહત્ત્વ છે એટલું જ ઔષધી એટલે કે આયુર્વેદનું પણ મહત્વ છે. પરંતુ શું તમને ખબર છે કે નવરાત્રિના નવે નવ દિવસ આપણે જે દેવીઓના અલગ અલગ સ્વરૂપની પૂજા કરીએ છીએ એનો અલગ અલગ નવ ઔષધીઓ સાથે સંબંધ છે? નહીં ને? ચાલો આજે તમને ધર્મ અને આયુર્વેદના આ અનોખા કનેક્શન વિશે તમને આ સ્ટોરીમાં જણાવીએ…

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર નવરાત્રિના નવ અલગ અલગ દેવીઓની આરાધના સાથે એક એક ઔષધી પણ તેમની સાથે જોડવામાં આવી છે. આ જડીબુટ્ટીઓને આયુર્વેદમાં અમૃત સમાન માનવામાં આવી છે, કારણ કે તે શરીર, મન અને આત્માને સંતુલિત રાખવાનું કામ કરે છે. આ સ્ટોરીમાં જાણીએ કયા દેવીના સ્વરૂપ સાથે કઈ જડી બુટ્ટીને જોડવામાં આવી છે અને એ પાછળનું કારણ શું છે?

આ પણ વાંચો: આયુર્વેદ આવ્યું છે ક્યાંથી?

શૈલપુત્રી (હરડે):

નવરાત્રિના પહેલાં દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે જેમને હિમાવતીના નામે પણ ઓળખવામાં આવે છે અને એમની સાથે આયુર્વેદિક જડીબુટ્ટી હરડેનો સંબંધ હોવાનું કહેવાય છે. આયુર્વેદમાં હરડેને હરિતકીના નામથી ઓળખવામાં આવે છે, જેના સાત પ્રકાર છે અમૃતા, પથ્યા, હરિતિકા, ચેતકી, હેમવતી, કાયસ્થ અને શ્રેયસી. હરડે પાચન તંત્રને સુધારવાની સાથે સાથે વિવિધ બીમારીઓમાં દવાની જેમ કામ આવે છે.

બ્રહ્મચારિણી (બ્રાહ્મી):

બીજા દિવસે દેવી બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે અને તેમનો સંબંધ બ્રાહ્મી નામની ઔષધી સાથે હોવાનું કહેવાય છે. બ્રાહ્મી નામની આ ઔષધી સ્મરણશક્તિ વધારવાની સાથે સાથે માનસિક શાંતિનો અનુભવ કરાવે છે. લોહી સંબંધિત સમસ્યાઓ પણ આ ઔષધી દૂર કરે છે અને તમારા સ્વરને મધુર બનાવવામાં પણ મદદ કરે છે. આ જ કારણ છે કે તેને દેવી સરસ્વતીનું એક રૂપ પણ માનવામાં આવે છે. ભારતના અલગ અલગ હિસ્સામાં તેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે.

ચંદ્રઘંટા (ચંદાસૂર):

ત્રીજા દિવસે માતા ચંદ્રઘટાની પૂજા કરવામાં આવે છે અને આ દિવસનો સંબંધ ચંદાસૂર ઔષધી એટલે કે ધનિયા (લીલા ધાણા) સાથે સંબંધિત છે. આની પ્રકૃતિ લીલા ધાણા જેવી હોય છે અને તે વજન ઘટાડવામાં મદદ કરે છે અને તે એક શ્રેષ્ઠ શક્તિવર્ધક હોવાનું કહેવાય છે.

કુષ્માંડા (કુમ્હડા)

નવરાત્રિના ચોથા દિવસે દેવી કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે અને તેમનો સંબંધ કુમ્હડા ઔષધી સાથે હોવાનું કહેવાય છે. કુમ્હાડા નામની આ દવા પેટ સાફ કરવાની સાથે સાથે માનસિક બીમારીઓમાં રાહત આપે છે. શરીરને હળવાશનો અહેસાસ કરાવે છે. આ જ કુમ્હડથી આગ્રાની પ્રસિદ્ધ મિઠાઈ પેઠા પણ બનવામાં આવે છે.

સ્કંદ માતા (અળસી):

પાંચમા દિવસે સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. સ્કંદમાતાનો સંબંધ અળસી ઔષધી સાથે હોવાનું કહેવાય છે. અળસીની વાત, પિત્ત અને કફ જેવી સમસ્યામાંથી રાહત અપાવવાનું કામ છે. આની પ્રકૃતિ ગરમ હોવાની સાથે સાથે પૌષ્ટિક પણ છે. અળસી દર્દ અને સોજાને ઘટાડવામા માટે મદદ કરે છે.

કાત્યાયની (મોઈયા):

છઠ્ઠા દિવસે માતા કાત્યાયની પૂજા કરવામાં આવે છે અને એનો સંબંધ મોઈયા નામની ઔષધી સાથે હોવાનું કહેવાય છે. આ ઔષધી ગળા સંબંધિત સમસ્યામાં રાહત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, કફ-પિત્તનું સંતુલન જાળવવામાં મદદ કરે છે.

કાળરાત્રિ (નામદૌન):

સાતમા દિવસે માતા કાળરાત્રિની પૂજા કરવામાં આવે છે અને તેનો સંબંધ નાગદૌન ઔષધી સાથે હોવાનું કહેવાય છે. નાગદૌન ઔષધી માનસિક તાણ ઘટાડવાની સાથે સાથે મગજ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

મહાગૌરી (તુલસી):

આઠમા દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. મહાગૌરી દેવી સાથે તુલસીનો સંબંધ હોવાનું કહેવાય છે. તુલસીના ઔષધીય ગુણોથી તો આપણે સૌ પરિચીત છીએ પણ તુલસી હૃદય સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ અપાવવાની સાથે સાથે શરદી-ખાંસીમાં રાહત અપાવે છે. આ સિવાય લિવર સંબંધિત સ્વાસ્થ્ય સુધારે છે. આયુર્વેદમાં તુલસીને અમૃત સમાન ગણવામાં આવી છે.

સિદ્ધિદાત્રી (શતાવરી):

નવરાત્રિના નવમા દિવસે અને છેલ્લે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. આ માતાજીનો સંબંધ શતાવરી નામની ઔષધી સાથે હોવાનું કહેવાય છે. શતાવરી નામની ઔષધી મહિલાઓનો સ્વાસ્થ્ય સાથે હોવાનું કહેવાય છે. આ ઔષધી હોર્મોનલ બેલેન્સ જાળવવાની સાથે સાથે બુદ્ધિ, વિવેકનું સંતુલન જાળવવામાં પણ મદદ કરે છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button