મુંબઈમાં ઠંડી વધતા થ્રોટ ઈન્ફેક્શનના કેસમાં 50%નો ઉછાળો! 10માંથી 7 લોકો પરેશાન, એક્સપર્ટ્સે આપી ચેતવણી…

મુંબઈઃ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સરસ મજાની ઠંડી પડી રહી છે, પરંતુ આ બધા વચ્ચે મુંબઈગરાઓને થ્રોટ ઈન્ફેક્શનની સમસ્યા સતાવી રહી છે. મુંબઈગરાઓ છેલ્લાં કેટલાક સમયથી ગળામાં દુઃખાવો, ગળવામાં સમસ્યા, ઉધરસ અને ગળામાં બળતરાની ફરિયાદ કરી રહ્યા છે. નિષ્ણાતોના મતે શિયાળાની ઠંડી હવા, ઉષ્ણતામાનમાં અચાનક આવેલો પલટો, બેક્ટેરિયલ ઈન્ફેક્શન જેવી સમસ્યાને કારણે આ સમસ્યા વધારે વકરે છે.
થ્રોટ ઈન્ફેક્શનની સમસ્યા વકરી રહી છે
મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં ઠંડીનું જોર વધી રહ્યું છે અને આ સાથે જ નાગરિકોને થ્રોટ ઈન્ફેક્શનની સમસ્યા સતાવી રહી છે. એક રિપોર્ટ અનુસાર ગયા મહિને 20થી 60 વર્ષની વયના 10માંથી 7 લોકોને ગળામાં દુઃખાવો, સોજા, સતત ગળામાં ખરાશ અનુભવવા જેવી સમસ્યાઓની ફરિયાદ કરી હતી. શિયાળામાં થ્રોટ ઈન્ફેક્શનના કેસમાં 50 ટકાનો વધારો જોવા મળ્યો છે અને 10માંથી દર પાંચ વ્યક્તિને ગળામાં દુઃખાવો કે સોજા આવવા જેવી સમસ્યા જોવા મળી હતી.
બચવા માટે શું કરશો?
મુંબઈના ઈએનટી સ્પેશિયાલિસ્ટે આ સમસ્યાથી બચવા માટેના કેટલાક ઉપાયો શેર કર્યા હતા. ઈએનટી સ્પેશિયાલિસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અચાનક વાતાવરણમાં આવેલા પલટાને કારણે નાગરિકોને થ્રોટ ઈન્ફેક્શનની સમસ્યા સતાવી રહી છે.
થ્રોટ ઈન્ફેક્શનથી બચવા માટે આટલું ચોક્કસ કરો-
- દિવસમાં બે વખત સ્ટીમ લો
- આઈસ્ક્રીમ-ઠંડા પીણાનું સેવન કરવાથી બચો
- મસાલેદાર કે ખાટા પદાર્થોનું સેવન કરવાનું ટાળો
- પૂરતો આરામ કરવો
- બહાર જતી વખતે માસ્ક પહેરો
- ગળું ના સૂકાય એનું ધ્યાન રાખો
ડોક્ટરની સલાહ લો
જો સતત ગળામાં દુઃખાવો કે તકલીફ સતાવે તો તેના તરફ બિલકુલ દુર્લક્ષ કરવાને બદલે ડોક્ટરની મુલાકાત લો અને તેમની સલાહ પ્રમાણે મેડિકેશન શરૂ કરવું જોઈએ. શિયાળામાં શ્વસન સંબંધિત સમસ્યાઓની આરોગ્ય પર તેની વિપરીત અસર જોવા મળે છે, જેને કારણે ઈન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે. એમાં પણ ઓફિસ કે ભીડભાડવાળી જગ્યાએ તો એનું જોખમ હજી વધી જાય છે.
આ જરૂરી માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે ચોક્કસ શેર કરો, જેથી તેઓ પણ આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકે. આવા જ બીજા કામના અને મહત્ત્વના સમાચાર વાંચવા અને જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.



