માઇક્રોપ્લાસ્ટિક્સ બની રહ્યા છે ‘સ્લો પોઇઝન’, રસોડાની આ રોજિંદી વસ્તુમાં જોવા મળી હાજરી

નવી દિલ્હીઃ વિશ્વમાં પ્લાસ્ટિકનો ઉપયોગ મોટા પાયે થાય છે. પરંતુ સમય જતાં પ્લાસ્ટિક નાના કણમાં બદલાઈ જાય છે, જેને માઈક્રોપ્લાસ્ટિક્સ કહેવાય છે. આ કણ એટલા નાના હોય છે કે ખાવા-પીવાની ચીજો, હવા અને પાણીના માધ્યમથી આપણા શરીરમાં પ્રવેશ કરવાનું આસાન થઈ જાય છે. તાજેતરમાં સામે આવેલી માહિતી પ્રમાણે, મલ્ચિંગ પદ્ધતિથી કરાતી ખેતીના કારણે આ કણો શાકભાજીમાં પણ જોવા મળી રહ્યા છે. ઘરમાં દરરોજ ઉપયોગમાં લેવાતા રીંગણા અને મરચાંમાં પણ માઈક્રોપ્લાસ્ટીક્સના કણો મળી રહ્યા છે. જે સ્વાસ્થ્યને લાંબા ગાળે નુકસાન પહોંચાડી શકે છે.
કેવી રીતે શાકભાજીમાં પહોંચે છે માઈક્રોપ્લાસ્ટિક્સના કણ
ખેતી માટે વપરાતી પ્લાસ્ટિક મલ્ટિંગ શીટ, સિંચાઈ માટેનું દૂષિત પાણી, રાસાયણિક ખાતરો અને હવામાં ફરતા સૂક્ષ્મ પ્લાસ્ટિક કણો આ સમસ્યાના મુખ્ય સ્ત્રોત છે. છોડ પોતાની મૂળ દ્વારા પાણી અને પોષક તત્વો સાથે આ કણોને પણ શોષી લે છે, જે પછી શાકભાજીના તંતુઓમાં જમા થાય છે. મરચાં અને રીંગણા જેવા છોડોમાં આ પ્રક્રિયા વધુ સરળતાથી થતી હોવાનું સંશોધનમાં નોંધાયું હતું.
નિષ્ણાતો મુજબ એક વ્યક્તિ દર વર્ષે લગભગ 250 ગ્રામ માઇક્રોપ્લાસ્ટિક્સ ગળી જાય છે, જે ખોરાક, પાણી, હવા અને કપડાં દ્વારા શરીરમાં પહોંચે છે.માઇક્રોપ્લાસ્ટિના કારણે શરીરને અનેક પ્રકારનું નુકસાન પહોંચે છે. માઇક્રોપ્લાસ્ટિક્સનું પ્રમાણ ઘટાડવા માટે પ્લાસ્ટિક કન્ટેનર, કપડાં અને પેક્ડ ફૂડનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અને કુદરતી વિકલ્પો અપનાવવા જોઈએ.
આપણું શરીર આ કણોને અમુક હદ સુધી બહાર કાઢી નાખે છે, પરંતુ ઘણા સંશોધનો જણાવી રહ્યા છે કે કેટલાક માઇક્રોપ્લાસ્ટિક્સ હૃદય, ફેફસાં અને અહીં સુધી કે મગજમાં પણ જમા થઈ શકે છે. માઇક્રોપ્લાસ્ટિક્સ એક એવું પ્રદૂષણ છે જેને આપણે રોજ આપણી આંખો સામે જોઈ શકતા નથી, પરંતુ તે આપણા શરીરને ધીમે ધીમે નુકસાન પહોંચાડે છેય
નવા રિસર્ચ મુજબ આ સમસ્યા માત્ર પર્યાવરણની જ નહીં, પરંતુ જન-આરોગ્યની પણ છે. તેથી આપણે ખેતીથી લઈ જીવનશૈલી તમામ જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ તે જરૂરી છે.
માઈક્રોપ્લાસ્ટિકના જોખમને કેવી રીતે ઓછું કરવું?
પ્લાસ્ટિક કન્ટેનર અને પ્લાસ્ટિક કટિંગ બોર્ડનો ઉપયોગ ઓછો કરો.
ડ્રાયરનો ઉપયોગ ઓછો કરો અને કુદરતી ફાઇબરવાળા કપડાં પહેરો.
પ્રોસેસ્ડ અને પેક્ડ ખોરાકથી દૂર રહો.
શક્ય હોય ત્યાં પ્લાસ્ટિકની જગ્યાએ સ્ટીલ, કાચ અથવા લાકડાનો ઉપયોગ કરો.
આપણ વાંચો: વાઘને ટકાવી રાખવા રતનમહાલમાં 150 વર્ષ બાદ આ પ્રાણીની થઈ વાપસી!



