હેલ્થ

જિમ જવાનો સમય નથી? કોઈ વાંધો નહીં! આ 5 ‘સ્માર્ટ ટિપ્સ’થી બેઠા બેઠા જ ઘટાડો વજન

આજના આધુનિક યુગમાં, ખાસ કરીને શહેરી વિસ્તારમાં નોકરિયાત વર્ગ અને વ્યવસાયિકોમાં બેઠાડું જીવનશૈલીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. સવારથી સાંજ સુધી ઓફિસમાં બેસી રહેવું, અનિયમિત ખાણીપીણી અને શારીરિક શ્રમનો અભાવ – આ તમામ બાબતો ચરબીને વધારે છે અને તેની સાથે અન્ય ગંભીર બીમારીઓને નોતરે છે. ઘણા લોકો સમયના અભાવે જીમમાં જઈ શકતા નથી. પરંતુ, સ્વસ્થ રહેવા માટે જીમમાં જવું ફરજિયાત નથી. આપણી દિનચર્યામાં થોડો ફેરફાર કરીને પણ ફિટનેસ મેળવી શકાય છે.

વ્યસ્ત દિનચર્યા ધરાવતા લોકો તંદુરસ્ત રહેવા માટેના કેટલાક સરળ અને અસરકારક ઉપાયો આ મુજબ છે.

આહારમાં સંતુલન

સ્વાસ્થ્યનો સીધો સંબંધ રસોડા સાથે છે. નોકરિયાત વર્ગ ઘણીવાર સમય બચાવવા બહારનું કે જંક ફૂડ ખાય છે. પરંતુ ઓફિસમાં બને ત્યાં સુધી ઘરે બનાવેલું સાત્વિક ભોજન લેવાનો આગ્રહ રાખવો. દિવસ દરમિયાન ભરપૂર પાણી પીવો. ઘણીવાર ભૂખ નથી હોતી પણ તરસને કારણે ખાવાની ઈચ્છા થાય છે. પાણી પીવાથી મેટાબોલિઝમ સુધરે છે. સાથે જ ચા-કોફીમાં ખાંડનું પ્રમાણ ઘટાડો અને બિસ્કિટ કે પેકેજ્ડ ફૂડનો ઉપયોગ ટાળવો.

ઓફિસમાં ‘સ્માર્ટ મુવમેન્ટ’

ઓફિસમાં કામ દરમિયાન પણ તમે કેલરી બર્ન કરી શકો છો. જો તમારી ઓફિસ પહેલાથી લઈને ચોથા માળ સુધીમાં હોય, તો લિફ્ટના બદલે સીડીનો ઉપયોગ કરવો એ સૌથી શ્રેષ્ઠ કસરત છે. મોબાઈલ પર વાત કરતી વખતે પણ ખુરશી પર બેસી રહેવાને બદલે ચાલવાની ટેવ પાડવી. સાથે જ સતત બેસી રહેવાને બદલે દર એક કલાકે પાંચ મિનિટનો બ્રેક લઈ સ્ટ્રેચિંગ કરવું અથવા ઓફિસમાં જ આંટો મારવો.

મુસાફરીમાં ફેરફાર

જો તમારી ઓફિસ નજીક હોય તો વાહનને બદલે સાયકલનો ઉપયોગ કરવો અથવા ચાલીને જવું. જો બસ કે રિક્ષામાં જતા હોવ, તો ઓફિસથી થોડા દૂર ઉતરીને ચાલતા જવું. આ નાનો બદલાવ લાંબા ગાળે મોટો ફાયદો આપે છે.

ઘરગથ્થુ કસરતો

જીમમાં ગયા વગર પણ ઘરે ૧૫-૨૦ મિનિટ ફાળવી શકાય છે. સૂર્ય નમસ્કાર એક સર્વાંગી કસરત છે. સવારે માત્ર ૧૦ મિનિટ સૂર્ય નમસ્કાર કરવાથી આખા શરીરનું સ્ટ્રેચિંગ થાય છે. આ ઉપરાંત દોરડા કૂદવા એ કાર્ડિયો માટેનો ઉત્તમ વિકલ્પ છે જે ઘરમાં ક્યાંય પણ કરી શકાય છે. શહેરીજનો નજીકના બગીચામાં સવારે કે રાત્રે જમ્યા પછી ૩૦ મિનિટ ચાલે તો એ પણ જીમ જેટલું જ ફાયદાકારક બની શકે છે.

પૂરતી ઊંઘ અને તણાવ મુક્તિ

વજન વધવાનું એક મુખ્ય કારણ અપૂરતી ઊંઘ અને તણાવ પણ છે. રાત્રે મોબાઈલનો ઉપયોગ ઘટાડી ૭-૮ કલાકની ગાઢ ઊંઘ લેવી જરૂરી છે. માનસિક શાંતિ માટે ૫ મિનિટ ધ્યાન કરવું જરૂરી છે.

“પહેલું સુખ તે જાતે નર્યા” – આ કહેવતને સાર્થક કરવા માટે મોટા ખર્ચની નહીં, પણ મક્કમ મનોબળની જરૂર છે. જો નોકરિયાત વર્ગ પોતાની દિનચર્યામાં આ નાના-નાના ફેરફારો કરશે, તો ચોક્કસપણે મેદસ્વિતાને હરાવી શકશે અને એક સ્વસ્થ સમાજના નિર્માણમાં યોગદાન આપી શકશે.

(સૂચના: અહીં આપવામાં આવેલી ટિપ્સ માત્ર એક સૂચન છે, અનુસરતા પૂર્વે તબીબી સલાહ અવશ્ય લેવી.)

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button